પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૨૧ થી ૨૯
બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્।
સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે||૨૧||
ગુજરાતી ભાષાંન્તર ઃ આવો જીવન્મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રીયસુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હરહંમેશ સમાધીમાં નિમગ્ન રહીને, પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે, આત્મ-સાક્ષાત્કાર પામેલો પુરુષ, પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. ||૨૧||
યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે।
આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ||૨૨||
ગુજરાતી ભાષાંન્તર ઃ બુદ્ધિશાળી મનુષ્ય, ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુ:ખનાં મૂળ કારણ રૂપ બની રહે છે. જે કૌન્તેય, આવાં સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. ||૨૨||
શક્નોતીહૈવ યઃ સોઢું પ્રાક્શરીરવિમોક્ષણાત્।
કામક્રોધોદ્ભવં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ||૨૩||
ગુજરાતી ભાષાંન્તર ઃ જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલાં, કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે, તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. ||૨૩||
યોન્તઃસુખોન્તરારામસ્તથાન્તર્જ્યોતિરેવ યઃ।
સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોધિગચ્છતિ||૨૪||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. ||૨૪||
લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ।
છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ||૨૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે જેમનાં મન આત્મ-સાક્ષાત્કારમાં લીન થયાં છે, જેઓ જીવમાત્રનાં કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે, તેઓ બ્રહ્મમાં નિર્વાણ (મુક્તિ) પ્રાપ્ત કરે છે. ||૨૫||
કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્।
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્||૨૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ જેઓ ક્રોધ્ધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી, તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. ||૨૬||
સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ભ્રુવોઃ।
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ।।૨૭।।
યતેન્દ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ।
વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ।।૨૮।।
ગુજરાતી ભાષાંન્તર ઃ સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને, દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને, શ્વાસ તથા ઉચ્છવાસને નસકોરાંની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઇ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી, નિ:સંદેહ મુક્ત હોય છે. ||૨૭ ,૨૮||
ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ||૨૯||
ગુજરાતી ભાષાંન્તર ઃ મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિતકર્તા શુભેચ્છક મિત્ર તરીકે જાણી, મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુ:ખોમાંથી શાંતિ પામે છે. ||૨૯||
અધ્યાય પાંચમો સંપૂર્ણ.