પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦
પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ
અર્જુન ઉવાચ
સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ।
યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્।।૧।।
ગુજરાતી ભાષાંન્તર ઃ અર્જુને કહ્યું : હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવા આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે? ||૧||
શ્રી ભગવાનુવાચ
સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ।
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે।।૨
ગુજરાતી ભાષાંન્તર ઃ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું : મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. પરંતુ, આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તીકર્મ શ્રેષ્ઠ છે. ||૨||
જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ।
નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે||૩||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની આશા રાખે છે, તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદોથી રહિત થઈને ભૌતિક બંધનથી સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઇ જાય છે. ||૩||
સાંખ્યયોગૌ પૃથગ્બાલાઃ પ્રવદન્તિ ન પણ્ડિતાઃ।
એકમપ્યાસ્થિતઃ સમ્યગુભયોર્વિન્દતે ફલમ્ ||૪||
ગુજરાતી ભાષાંન્તર ઃ અજ્ઞાની મનુષ્યો જ ભક્તિમય સેવા (કર્મયોગ) ને ભૌતિક જગતના પૃથ્થ્કરનાત્મક અભ્યાસ (સાંખ્ય) થી ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્યો આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે, તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. ||૪||
યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે।
એકં સાંખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ ||૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય જાણે છે કે પૃથ્થ્કરનાત્મક અધ્યયન (સાંખ્ય) દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે, તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે મનુષ્ય સાંખ્યયોગ તથા ભક્તિયોગને એક સમાન ભૂમિકા પર રહેલા જુએ છે તે જ વસ્તુઓને યથાર્થ રૂપે જુએ છે. ||૫||
સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ।
યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ||૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ ભગવદ્ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઇ શકતો નથી. પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય, પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. ||૬||
યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ।
સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે||૭||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં, કદાપિ લિપ્ત થતો નથી. ||૭||
નૈવ કિંચિત્કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્।
પશ્યન્ શ્રૃણવન્સ્પૃશઞ્જિઘ્રન્નશ્નન્ગચ્છન્સ્વપન્ શ્વસન્।।૮।।
પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્।।૯।।
ગુજરાતી ભાષાંન્તર ઃ દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સુંઘતો, ખાતો, ચાલતો, સુતો તથા શ્વાસ લેતો હોવા છતાં, પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. બોલતાં, ત્યાગ કરતાં, ગ્રહણ કરતાં કે આંખો ખોલતાં તથા મીંચતા પણ તે સદા જાણતો હોય છે કે, માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત રહે છે. ||૮,૯||
બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ।
લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા||૧૦||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિરહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમલપત્ર જલથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપકર્મોથી અલિપ્ત રહે છે. ||૧૦||