પોતાના સૌ પુરોગામી સાહિત્યસર્જકો કરતાં સાહિત્ય-પ્રકારનો નવો જ ચીલો ચાતરનાર નવલરામનો જન્મ તા. ૯-૩-૧૮૩૬માં સુરત મુકામે થયો હતો. મેટ્રિક થતાં પહેલાં તો તેમણે શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી લીધી હતી. છેવટે અમદાવાદની અને પછીથી રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં તેઓ આચાર્ય બન્યા હતા. ઓછું ભણતર છતાં અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ગ્રંથ વિવેચનની શરૂઆત તેમણે ‘કરણઘેલા’થી કરી. ફ્રેન્ચ નાટકનું તેમણે કરેલું રૂપાંતર ‘ભટ્ટનું ભોપાળું’ આજે પણ હાસ્યપ્રધાન નાટકોમાં અમર છે. તેમનું નોંધપાત્ર વિવેચન ‘રઘુવંશ’ કાવ્ય ઉપરનું છે. ઈતિહાસ, વ્યાકરણ, ભાષાશાસ્ત્ર આદિ લખાણોમાં એમની સત્યનિષ્ઠા પ્રગટ થયેલી જોવા મળે છે. તેમણે ‘ગુજરાત શાળાપાત્ર’નું તંત્રી પદ પણ ઘણી કાર્યદક્ષતાથી બજાવ્યું. જુદા જુદા વિષયો કેમ શીખવવા ત્યાંથી શરૂ કરીને શાળા વ્યવસ્થા અને શાળા શિસ્ત વિષે પણ તેમણે લખ્યું છે. છેલ્લે વીરમિત્ર નર્મદની જીવનકથા લખીને તેમણે ગુજરાતી સાહિત્યને ઉપકૃત કર્યું. નરસિંહ રાવ જેવા સમર્થ વિદ્વાન અને સમીક્ષકે પણ એમને પંડિત, કવિ, વિવેચક અને ચિંતક કહીને ગુજરાતી સાહિત્યના ‘આધ્યદ્રષ્ટા’નું બિરુદ આપ્યું છે.