નવમ અધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૩
મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ ।
રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ ॥ ૧૨॥
તે અજ્ઞાનીઓની આશા ,કર્મો અને જ્ઞાન – સર્વ વ્યર્થ જ છે. તેઓ વિચારશૂન્ય થઇ જાય છે અને મોહમાં બાંધનારા રાક્ષસી તથા આસુરી સ્વભાવનો જ આશ્રય કરે છે.॥ ૧૨॥
મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતાઃ ।
ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ્ ॥૧૩॥
હે પાર્થ ! જેમણે દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યો છે એવા એકનિષ્ઠ મહાત્માઓ જાણે જ છે કે હું ભૂતોનો આદિ અને અવિનાશી છું. તેઓ એમ સમજીને જ મને ભજે છે.॥૧૩॥
સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દૃઢવ્રતાઃ ।
નમસ્યન્તશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે ॥૧૪॥
નિત્ય ભક્તિપૂર્વક શમાદિ વ્રતોને દઢતાપૂર્વક પાળી તે મહાત્માઓ , નિરંતર મારું કીર્તન કરી તથા ઇન્દ્રિય દમન અને નમસ્કાર કરતાં મારી જ ઉપાસના કરે છે.॥૧૪॥
જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે ।
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્ ॥ ૧૫॥
જ્ઞાનયજ્ઞથી પૂજનારા કેટલાક મનુષ્યો મારી ઉપાસના કરે છે.અને વિશ્વતોમુખે હેલા કેટલાક મનુષ્યો મારી એકરૂપથી, ભિન્ન ભિન્ન રૂપથી મારી ઉપાસના કરે છે.॥ ૧૫॥
અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ ।
મન્ત્રોઽહમહમેવાજ્યમહમગ્નિરહં હુતમ્ ॥ ૧૬॥
અગ્નિહોત્ર આદિ શ્રોતયજ્ઞ, વૈશ્વદેવાદિક સ્માર્તયજ્ઞ, પિતૃઓને અર્પણ થતું “ સ્વધા” અન્ન, ઔષધ, મંત્ર, હુત્દ્રવ્ય, અગ્નિ અને હવનકર્મ હું જ છું.॥ ૧૬॥
પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ ।
વેદ્યં પવિત્રમોઙ્કાર ઋક્સામ યજુરેવ ચ ॥ ૧૭॥
આ જગતનો પિતા, માતા, પિતામહ એટલેકે કર્મફળ આપનાર બ્રહ્મદેવનો પિતા,
પવિત્ર કરનાર યજ્ઞયાગાદિ કર્મો, ઓમકાર, ઋગવેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું જ છું.॥ ૧૭॥
ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સુહૃત્ ।
પ્રભવઃ પ્રલયઃ સ્થાનં નિધાનં બીજમવ્યયમ્ ॥ ૧૮॥
પ્રાપ્ત થવા યોગ્ય કર્મફળ ,જગતનો પોષણકર્તા, સર્વ નો સ્વામી ,પ્રાણીઓના શુભાશુભ કર્મોનો સાક્ષી, સર્વનું નિવાસસ્થાન,શરણાગત વત્સલ,અનપેક્ષ મિત્ર,જગતની ઉત્પતિ,પ્રલય રૂપ તથા સર્વનો આશ્રય,નિધાન અને અવિનાશી કારણ પણ હું જ છું.॥ ૧૮॥
તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ ।
અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન ॥ ૧૯॥
હે પાર્થ ! સુર્યરૂપે હું તપું છું, વરસાદ પાડનાર અને રોકનાર હું છું, અમૃત હું છું, મૃત્યુ હું છું,સત અને અસત પણ હું છું.॥ ૧૯॥
ત્રૈવિદ્યા માં સોમપાઃ પૂતપાપા
યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે ।
તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોક-
મશ્નન્તિ દિવ્યાન્દિવિ દેવભોગાન્ ॥ ૨૦॥
ત્રણ વેદ જાણનારા,સોમપાન કરનારા,અને તેના યોગથી નિષ્પાપ થયેલા,
યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાથના કરે છે અને
તેઓ દીક્ષિત પુણ્યનાપ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે.॥ ૨૦॥
તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં
ક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ ।
એવં ત્રયીધર્મમનુપ્રપન્ના
ગતાગતં કામકામા લભન્તે ॥ ૨૧॥
તેઓ વિશાળસ્વર્ગલોક નો ઉપભોગ કરી પુણ્ય સમાપ્ત થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે.આમ ત્રણ વેદમાં નિર્દિષ્ટ કરેલા કેવળ વૈદિક કર્મ કરનારા કામના પ્રિય લોકો જન્મ-મરણના ચક્કરમાં પડે છે.॥ ૨૧॥
અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥ ૨૨॥
જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે,
એ સર્વદા મારી સાથે નિષ્કામ ભક્તોના યોગક્ષેમને હું ચલાવતો રહું છું.॥ ૨૨॥
યેઽપ્યન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેઽપિ મામેવ કૌન્તેય યજન્ત્યવિધિપૂર્વકમ્ ॥ ૨૩॥
અન્ય દેવોને ઉપાસતા લોકો શ્રધાયુક્ત થઇ તે દેવતાઓનું પૂજન-યજન કરે છે.
હે કાન્તેય !તેઓ પણ મારું જ યજન કરે છે. પરંતુ તેમનું એ આચરણ અવિધિપૂર્વકનું હોય છે.॥ ૨૩॥