દૂધસાગર ધોધ-ગોવા-ભારતના પ્રખ્યાત ધોધ
દૂધસાગરનો અર્થ થાય છે ‘દૂધનો દરિયો.’ 320 મીટરની ઉંચાઈથી આ ‘દૂધનો વહેતો કાસ્કેડ’ ભારતનો સૌથી ઊંચો ધોધ છે, દૂધસાગર ધોધ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલી ગોવા તથા કર્ણાટક રાજયની સરહદ પર વહેતી મંડોવી નદી પર આવેલો છે. આ ધોધ ચાર ભાગમાં વહેંચાયેલો છે. આ ધોધ પણજીથી સડક માર્ગે ૬૦ કિલોમીટર જેટલા અંતરે તેમજ મડગાંવ-બેલગામ રેલ્વે માર્ગ પર મડગાંવથી પૂર્વમાં ૪૬ કિલોમીટર તથા બેલગામથી દક્ષિણમાં ૮૦ કિલોમીટર જેટલા અંતરે આવેલો છે. દૂધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે, જેની ઊંચાઈ ૩૧૦ મીટર (૧૦૧૭ ફૂટ) તેમજ સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફૂટ) જેટલી છે.
આ ધોધ સહયાદ્રી પર્વતમાળા (પશ્ચિમ ઘાટ)માં આવેલા ભગવાન મહાવીર અભયારણ્ય તથા મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાનના રક્ષિત વિસ્તારમાં આવેલો છે. આ નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવા માટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂન-સપ્ટેમ્બર છે.