પ્રકાશ નુ પર્વ-દિવાળી
દિવાળી એટલે માત્ર ભૌતિક હિસાબો જ નહિ, વર્ષભર કરેલા કાર્યોના હિસાબોનું સરવૈયું કાઢવાનો દિવસ કેટલું જમા થયું કેટલું ઉધાર રહ્યું એ ગણવાનો દિવસ. આ દિવસે વેપારીઓ અને વ્યવસાય કરનાર ચોપડા પૂજન પણ કરે છે, પરંતુ ખરા અર્થમાં દિવાળી ભારતવર્ષના ભવ્ય તહેવારોની મહાવણજારને અંતે આવે છે. આ દિવસે નવા વર્ષ પહેલા આવે છે, એટલે વર્ષનો અંતિમ દિવસ ગણાય. તેથી આ દિવસે ગત નૂતનવર્ષે લીધેલા પ્રણના અનુસંધાનમાં આપણે કેટલો ભોગ વિલાસ, વેર-ઝેર, રાગ-દ્વેષ વગેરે છોડી શકયા તેનું સરવૈયું કાઢવા માટે ઉત્તમ ગણાય. હક્કિતમાં દિવાળીના તહેવારો દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજ એકબીજા સાથે ગુંથાયેલા છે. તેથી જ આપણી સંસ્કૃતિએ આ ત્રણેય દિવસો દરમ્યાન ઉચ્ચ ધનસંપત્તિ એટલે કે લક્ષ્મીપૂજન, નૂતન વર્ષના દિવસે જુના વેરઝેર, શત્રુતાને મટાડી નવેસરથી સુસંસ્કૃત જીવન જીવવાની શરૂઆત કરવાની અને ભાઈબીજના દિવસે સમગ્ર સ્ત્રી જાતિ પ્રત્યે બહેન કે મા તરીકે જોવા જણાવ્યું છે. આ ઉત્સવ દિપોત્સવી મહોત્સવ એટલે કે અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જવાના ઉત્સવ તરીકે પણ ઓળખાય છે.
દિવાળી અને દિપોત્સવ બંનેમાં દિવાનો મહિમા ગાવામાં આવ્યો છે. આ દિવસે લોકો ઘરેઘરે દિવા પ્રગટાવે છે. હકિકતમાં આ ભૌતિક દિવા પ્રગટાવવા પાછળ મનમાં જ્ઞાનરૂપી દિવાઓ પ્રગટાવવાની વાત છે. જેથી આપણા જીવનમાં ફેલાઈ ગયેલા અજ્ઞાનરૂપી અંધારને આપણે દૂર કરી શકીશું તો આપણે પ્રકાશરૂપી નવજીવન પામી શકીશું.