આજકાલ દાંતમાં કોઈને કોઈ રોગો હોવો, એ એક સામાન્ય બાબત બની ગઈ છે અને આપણે ત્યાં સામાન્ય રીતે દાંત બાબતમાં નિમ્ન લિખિત ફરિયાદો સાંભળવા મળે છે. દાંતમાં દુઃખાવો થવો, દાંત સડી જવા, દાંત પીળા પડી જવા, દાંત તૂટી જવા, પેઢામાંથી – મસૂડામાંથી રક્તસ્ત્રાવ થવો, પેઢા સુજી જવા, પેઢામાં પરુ થવું, દાંત હાલવા, મોંઢામાંથી વાસ આવવી અને દાંતમાંથી પાણી છૂટવું વગેરે.
દાંત એ આપણાં શરીરના ખૂબ જ આવશ્યક અને ઉપયોગી ઉપાંગો છે. દાંતની મજબૂતી અને તેની તંદુરસ્તી પર શારીરીક સ્વાસ્થ્યનો ખૂબ મોટો આધાર રહેલો છે. જો દાંતની દેખભાળ બાલ્યકાળથી જ રાખવામાં આવે તો એનાથી વૃદ્ધાવસ્થા સુધી નિર્વિધ્ને લાભ મેળવી શકાય છે.
તમારે તમારા દાંતનું ઉત્તમ પ્રકારનું સ્વાસ્થ્ય જાળવવું હોય તો દાંત અને મુખને સવારે ઊઠતાં, પ્રત્યેક ભોજન પછી અને રાતે સુતી વખતે અવશ્ય સાફ કરો, કારણ કે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, આહાર કરતી વખતે આહારના અનેક કણો દાંતની સંધિઓ – પેઢામાં ફસાઈ જાય છે. આ ફસાયેલા આહારના અંશો અ કણોને જો સાફ કરીને કાઢવામાં ન આવે તો તેમાં સડાનો પ્રારંભ થાય છે. આહાર કણોના આ સડાથી એક પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે. (ફરમેન્ટેશન – આથો થવાથી) જે દાંતની શ્વેતતા અથવા ઈનેમલને નષ્ટ કરવા લાગે છે. દાંત ઉપરનું ઈનેમલ નષ્ટ થઈ જવાથી તેની નીચેનો કોમળ ભાગ તો જલ્દી નષ્ટ થવા લાગે, એટલા માટે જ કહેવાયું છે કે, કંઈ પણ ખાધા પીધા પછી અને સૂતા પહેલા દાંત અવશ્ય સાફ કરો અને ખરેખર આ ટેવ કુટુંબની દરેક વ્યક્તિએ પાડવી જોઈએ.
જેના દાંતમાં સડો થયો હોય, એવી વ્યક્તિઓએ તો દાંતની સફાઈ માટે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. દિવસમાં ચાર વખત તો (સવારે દરેક ભોજન પછી અને રાતે) અવશ્ય દાંત સાફ કરવા જોઈએ. બ્રશ હંમેશા દાંતની ઉપર, નીચે આગળ, પાછળ, ચારે બાજુ, પેઢાને નુકસાન ન થાય એ રીતે ધીમે ધીમે કરવું જોઈએ. સડેલા દાંતમાં પ્રાયઃ કાણાં પડી જાય છે. એટલે ઉત્તમ પ્રકારનાં અને કોમળ રેસા – તંતુઓવાળા બ્રશથી જ દાંત સાફ કરવા જોઈએ. બ્રશ કરી લીધા પછી, દાંતના પેઢા પર આંગળી ધીમે ધીમે માલિશ થાય એ રીતે ફેરવવી જોઈએ.
જમ્યા પછી દાંતની સફાઈ અને કોગળા કરવા તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. મોઢામાં પાણી ભરી ખૂબ ખખળાવીને કોગળા કરવા જોઈએ એવી આદત જ પડી જવી જોઈએ. જેથી દાંતમાં ફસાયેલા આહાર કણો ખૂબ જ સુગમતાથી નીકળી જશે. જે લોકો કોગળા કરવાને બદલે દાંતમાં સળી નાંખીને આહાર કણ કાઢવાની કોશિષ કરશે, તેના દાંત અને પેઢા વચ્ચે ગાળો પડતો જશે. આનાથી કોઈ કોઈ વખત પેઢા સેપ્ટિક થઈ જવાથી પરુ થઈ જવાનો (પાયોરિયા) ડર રહેશે.
દાંતમાં પાયોરિયા, લોહી પડવું, મોઢામાંથી વાસ – દુર્ગંધ આવવી, દાંત સડી જવા વગેરે દાંતની કોઈપણ વિકૃતિમાં બેદરકાર ન બનો.