દેશને સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મહાત્મા ગાંધીજીએ અનેક કાર્યક્રમો આપ્યા હતા. તેના એક ભાગરૂપે તેમણે દક્ષિણ ગુજરાતના દાંડી પાસેના દરિયાકાંઠા સુધી કૂચ કરી ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરવા એક કાર્યક્રમ આપ્યો હતો. ભારતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય-ચળવળની અનેક ચિનગારીઓ દેશભરમાં પ્રગટાવી હતી. અમદાવાદથી પગપાળા અહીં દાંડી પહોંચીને ૧૯૩૦ની ૬ઠ્ઠી એપ્રિલે તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો. દાંડીથી સમસ્ત વિશ્વને તેમણે સંદેશ મોકલ્યો :
બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માગું છું.
દાંડી,૫-૪-૧૯૩૦
મો. ક. ગાંધી
દાંડીના દરિયાકિનારા પાસેના આ વડલાથી લગભગ બે કિલોમીટર દૂર સમુદ્રતટે પૂ. ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું અને ભારતમાંના બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. મીઠાનો કાયદો તોડવાના સત્યાગ્રહનો આ સામાન્ય લાગતો પ્રસંગ સમગ્ર વિશ્વના ઇતિહાસનું પ્રેરક પ્રકરણ બની ગયો. દાંડીના સમુદ્રતટ પરનું એ ઐતિહાસિક ઘટનાનું પ્રેરક સ્મારક આજે પણ એ પાવન પ્રસંગની યાદ તાજી કરે છે. નવસારીથી પશ્ચિમે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલી દાંડીની પવિત્ર ભૂમિની ચપટી માટી માથે ચડાવીએ. ક્રાંતિયજ્ઞની વેદી સમું ભારતનું આ રાષ્ટ્ર તીર્થ છે.
અર્વાચીન યુગનું અનોખું પાવન-પ્રસ્થાન
\”બુદ્ધ ભગવાનના મહાભિનિષ્ક્રીમણની યાદ અપાવે તેવી ઐતિહાસિક દાંડીકૂચનો પ્રારંભ ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના એમના નિવાસસ્થાન ‘હ્રદયકુંજ‘થી ૭૯ સૈનિકો સાથે ઈ. ૧૯૩૦ના માર્ચની ૧૨મી તારીખે કર્યો હતો. પગપાળા ૨૪૧ માઈલની ધર્મયાત્રા કરી એપ્રિલની ૫મીએ તેઓ દાંડી પહોંચ્યા.?૬ઠ્ઠી એપ્રિલે સમુદ્રસ્નાન કરી પ્રાતઃકાળે સાડા છ વાગ્યે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ વડલા નીચે બેસીને એ સંત પુરુષે હિન્દ પરના બ્રિટિશ શાસનનો અંત લાવવા માટે આખરી લડતની હાકલ કરી હતી. તેને પરિણામે ભારતમાં આ સેતુ-હિમાલય પ્રચંડ સત્યાગ્રહ આંદોલનનો આરંભ થયો.\”