તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૧
દેવાંભાવયતાનેન તે દેવા ભાવયંતુ વ: |
પરસ્પરં ભાવયંત: શ્રેય: પરમવાપ્સ્યથ ॥ ૧૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે; આ પ્રમાણે નિ:સ્વાર્થભાવે એક-બીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો.॥ ૧૧ ॥
ઇષ્ટાંભોગાન્હિ વો દેવા દાસ્યંતે યજ્ઞભાવિતા: |
તૈર્દત્તાપ્રદાયૈભ્યો યો ભુઙતે સ્તેન એવ સ: ॥ ૧૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે ઇચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે; આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે, તે ચોર જ છે.॥ ૧૨ ॥
યજ્ઞશિષ્ટાશિન: સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈ: |
ભુગ્જતે તે ત્વઘં પાપા યે પચંત્યાત્મકારણાત્ ॥ ૧૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઇ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાન્ધે છે, તેઓ તો પાપને જ ખાય છે. ॥ ૧૩ ॥
અન્નાદ્વવંતિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવ: |
યજ્ઞાદ્વવતિ પર્જન્યો યજ્ઞ: કર્મસમુદ્વવ: ॥ ૧૪ ॥
બ્રહ્મોદ્વવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્વવમ્ |
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ્ ॥ ૧૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ સઘળાં પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે, કર્મસમુદાયને તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. ॥ ૧૪- ૧૫ ॥
એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ ય: |
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ॥ ૧૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો, અર્થાત્ પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જીવે છે. ॥ ૧૬ ॥
યસ્તવામરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ર્વ માનવ: |
આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ૧૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. ॥ ૧૭ ॥
નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ર્વન |
ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ર્વિદર્થવ્યપાશ્રય: ॥ ૧૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે નતો કર્મ ન કરવાથીયે કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશમાત્ર પણ સ્વાર્થનો સમ્બન્ધ નથી રહેતો. ॥ ૧૮ ॥
તસ્માદસક્ત: સતતં કાર્યં કર્મ સમાચાર |
અસક્તો હ્યાચરંકર્મ પરમાપ્નોતિ પૂરુષ: ॥ ૧૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઇ હન્મેશા કર્તવ્યકર્મોને સમ્યક્ રીતે કરતો રહે, કેમકે આસક્તિ વિનાનો થઇને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. ॥ ૧૯ ॥
કર્મણૈવ: હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદય: |
લોકસંગ્રહમેવાપિ સંપશ્યંકર્તુમર્હસિ ॥ ૨૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારાજ પરમ સિદ્ધિને પામ્યા હતા, તેથી તથા લોકસંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત્ તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. ॥ ૨૦ ॥
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જન: |
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ ૨૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે, અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે; તે જે કંઇ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. ॥ ૨૧ ॥