ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા ગામ ભાવનગરથી લગભગ ૫૦ કિ.મી. દૂર છે. તળાજામાં આમ તો ભક્ત નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.ભાભીનું મહેણું સહન નહિ થવાથી તે ઘોર જંગલમાં ચાલી નીકળ્યા હતા અને સમુદ્રને કિનારે અપૂજ બાણની પૂજા કરી, તેથી મહાદેવ રાજી થયા અને તેમને હાથ પકડીને દ્વારકા લઈ ગયા હતા. ભગવાને ત્યાં તેમને રાસલીલાના દર્શન કરાવ્યાં હતા.
તળાજા ગામ તાલધ્વજ (તળાજા) ગિરિની તળેટીમાં વસેલું છે. આ પર્વત ઝૂલતી પર્વતમાળ જેવો છે.શત્રુંજય પર્વતમાળાનું આ એક શિખર છે.શેત્રુંજી નદીનો પટ,ગોપનાથ મહાદેવનો દ્વીપકલ્પ,સમુદ્રમાં મોજાં દર્શનીય છે.અહીં આવેલી એભલ ગુફા જોવા જેવી છે. ડુંગર ઉપર પાશ્વનાથ ભગવાનનું મંદિર છે. શ્રી વસ્તુપાળ- તેજપાળે પોતાનું ધન ધાટવા જતાં મળેલા ધનના ચરુ ઓને પોતાની પાસે રાખ્યા અને માતાની શિખામણથી ઘણાં સ્થળોને જૈન મંદિરો બાંધ્યાં.તેવું જ એખ મંદિર વસ્તુપાળ, તેજપાળે સંવત. 1381માં તળાજામાં ડુંગર પર બંધાવેલ. આ ઉપરાંત અહીં સુમતિનાથનું મંદિર પણ છે. ત્રીજી ટૂંકમાં ચોમુખજીનું મંદિર છે,જયાં એક કીર્તિસ્થંભ છે.તળાજાનાં મંદિરોની કોતરણી અને કલાકારીગીરી સોલંકીકાળની કારીગરીની યાદ અપાવે છે.શત્રુંજય પર્વતની પ્રદક્ષિણા કરી શત્રુંજય તીર્થની યાત્રા કરનારા જૈનયાત્રીઓ પંચતીર્થની યાત્રા પણ ચૂકતા હોતા નથી.આ પંચતીર્થોમાં મહુવા (મધુમતી,(તાલધ્વજ)તળાજા), દાઠા, ઘોઘા,અને ભાવનગરનાં જૈનમંદિરોનો સમાવેશ થઈ જાય.
તળાજાની ટેકરી ઉપરનાં આ મંદિરો ભવ્ય છે, સફેદ પથ્થરોની બંધાયેલા આ મંદિરોનું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીવાળું ઉત્કૃષ્ટ કોટિનું શીલ્પ અને કોતર કામ હેરત પમાડે તેવું સુંદર છે. આખા ઝરૂખે પર્વતની ટોચ ઉપર રચાયેલી આ મંદિર શ્રેણી હેરત પહોંચાડે છે.
તળાજા ટેકરી ઉપરનાં જૈનમંદિરો સાથે ટેકરીની બૈદ્ધ ગુફાઓ પણ ઘણી પ્રાચીન છે. આ બૌદ્ધઓ કદાચ વલભીના સમયની હોય તેવું બને.આમ તળાજાનાં જૈન મંદિરોનો પણ ઇતિહાસ છે.આ મંદિરોની જગતીમાં અન્ય તીર્થંકરોનાં નાનાં મંદિરો છે.તેમ જ પાસે એક ધર્મશાળા પણ છે, જયાં જૈનો ધર્મલાભ લઈ શકે અને રોકાઈ ને પૂજા- અર્ચના કરી શકે.
ગિરિશૃંગોનાં અદભૂત વર્ણનો, કુંડો, વૃક્ષો, મંદિરો, પગલાં, વન, સરિતા અને ઔષધિઓના સથવારે આધ્યાત્મિક જ્ઞાન ફોરે છે અને આત્મા સામાન્ય ન રહેતા તત્ત્વજ્ઞાની બની રમણની ભાવુકતામાં પરમ તેજસ્વી બને છે.