બાળકના જન્મની સાથે જ માતા – પિતાએ તેના માટે હંમેશાં પૂરતો સમય ફાળવવો જોઇએ. તેના વિકાસ માટે અત્યંત જરૂરી એવું વાતાવરણ રચવું જરૂરી છે.
તેમાં સમય અને માનસિક સમતુલા બન્નેની આવશ્યતા છે. પરિસ્થિતિને સમજીને બાળકની દરેક હિલચાલ, ચેષ્ટાઓ, પસંદગી-નાપસંદગી, વિધાનો વગેરે ઉપર ધ્યાન આપવું જોઇએ.
બાળકને ઉછેરતાં ઉછેરતાં આપણે પણ ઘણું બધું શીખતાં જઇએ છીએ. સવારનો અને રાત્રિનો સમય ખાસ બાળકો માટે ફાજલ રાખવો જોઇએ.
તેમને આપણી સાથે રમવા અને વાતો કરવા પ્રેરીએ. તેમના સમયમાં માત્ર તેમની સાથે જ રમીએ, વાતો કરીએ, પ્રવૃતિ કરીએ.
બાળકોને પણ આપણા પ્રત્યે પ્રેમ, આદર થશે. આ સમયમાં ટેલિફોન પર લાંબી વાતચીત, અન્યની દખલગીરી, ટીવીના કાર્યક્રમો વગેરે ટાળી શકાય.
નોકરી કરતાં માતા પિતાએ બાળકને સમય આપવાની બાબતની ખાસ કાળજી લેવી જોઇએ. આ માટે સમયનું આયોજન કરો.
જેમ કે બાળકને રાતના સમયે ફિલ્મ જોવા કે હોટલમાં લઇ જવા. રજાના દિવસો માત્ર બાળકો સાથે જ ગાળવાનો આગ્રહ રાખો. વેકેશનમાં કોઇ ટૂર પર લઇ જવા.
આમ કરવાથી બાળકને એ વાતનો અહેસાસ થશે કે મા બાપ પાસે અમારા માટે પણ સમય છે. અને તે વધુ તમારી નજીક આવશે.
નોકરી કે ઘરકામમાંથી સમય કાઢી તેને હોમવર્કમાં મદદ કરો. ક્યારેક તેની સાથે ખરીદી કરવા નિકળી પડો.
ભોજનના સમયે બાળક સાથે તેના અભ્યાસની તથા તેના મિત્રો વિષેની ચર્ચા કરો.
આ પ્રમાણે બાળકને પુરતો સમય ફાળવવાથી તે લાગણીથી તમારી સાથે બંધાયેલુ રહેશે.