ડાયાબિટીસ થવાનાં કારણો
વારસાગત બીમારી : આ રોગ અમુક પ્રમાણમાં વારસાગત છે એમ મનાયું છે. લગ્ન કરનાર સ્ત્રી-પુરુષ બંને ડાયાબિટીક હોય તો તેમના બધાં બાળકોને ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે, પરંતુ એક બાજુ મા કે બાપ બેમાંથી એક ડાયાબિટીક હોય અને બીજી બાજુ પરિવારમાંથી દાદા, દાદી, કાકા-કાકીને પણ ડાયાબિટીસ હોય તો સંતાનને ૮૫ ટકા ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે.
મેદવૃદ્ધિ : મીઠાઈ, મિષ્ટાન્ન અને ચરબીવાળા ખાદ્યપદાર્થો, માખણ, ઘી વગેરે વિશેષ ખાવાથી મેદવૃદ્ધિ થાય છે. તેને પરિણામે ડાયાબિટીસ થવાનો સંભવ વધુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓ મોટે ભાગે અતિમેદવાળા હોય છે. ઓછું ખાનાર અને ઓછા વજનવાળા વ્યક્તિને આ રોગ લાગુ પડવાનો સંભવ ઓછો છો. સિવાય કે તે વારસામાં ન આવ્યો હોય.
બેઠાડું જીવન : ‘ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે’ કહેવતને સાર્થક કરતાં વ્યક્તિઓના જીવનમાં શરીરશ્રમ, કસરતનો છાંટો જોવા નથી મળતો અથવા તો મિત્રો સાથે વાતોના તડાકા મારતાં બે-ત્રણ કિલોમીટર ફરવા ખાતર ફરતા હોય અને પછી નાસ્તાપાણી ઉડાવતા હોય તેવા વ્યક્તિઓને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહે છે.