જિંદગી જીવવી એક કળા છે ’ એમ સાંભળીને અનેક લોકોને આશ્ચર્ય જેવું લાગતું હશે, પરંતુ જીવન એક કલા છે એ વાસ્તવિકતા છે. જે લોકો જીવન જીવવાની કળા નથી જાણતા અથવા તેને કલાત્મક કર્તવ્ય નથી માનતા, તેઓ જીવતા હોવા છતાં પણ સારી રીતે નથી જીવી શકતા. ઘણા લોકો જીવનની વિવિધ ઉપકરણો વડે શણગારવાને જ કળા સમજે છે, પરંતુ બાહ્ય પ્રસાધનોથી જીવનને શણગારતા રહેવું એ કળા નથી. આ મનુષ્યની એક લાલચ છે, જેને પૂરી કરવામાં તેને જૂઠો સંતોષ મળતાં હોય એમ લાગે છે. પરિણામે તે એમ માની બેસે છે કે તે જિંદગી બરાબર જીવી રહ્યો છે. કળા તો વાસ્તવમાં એ માનસિક વૃત્તિ છે, જેના આધાર પર સાધનોની ઊણપ હોય, છતાં પણ જિંદગીને ખૂબસૂરત રીતે જીવી શકાય છે. જિંદગીને દરેક ક્ષણે હસતાં રમતાં આગળ વધારતા રહેવું એ જ કળા છે અને તેને રોક્કળમાં વિતાવવી એ જ કલાહીનતા છે. સાધન અથવા સાધનહીનતા, સંપન્નતા અથવા દારિદ્રય ગમે તેવી સ્થિતિમાં પણ તેને અનુરૂપ અથવા જરૂરી પુરુષાર્થ વડે સાહજિકતા, સરળતા, સંતોષ,આશા તથા ઉત્સાહપૂર્વક વ્યગ્ર થયા વગર ખુશી કે નિરાશામાં યોગ્ય રીતે ટકી રહીને જીવન જીવવું એ જ કલાપૂર્ણ જીવન છે, તેને મેળવવું એ ફકત લાભદાયક જ નહીં, પરંતુ સાર્થક અને ખુખદાયક પણ છે.