શક્તિદાયક કાશ્મીરી ફળ સફરજન
આ કાશ્મીરી ફળ પહેલાં ધનિકોને જોવા મળતું. હવે તેનો વિપુલ પાક થતાં ગામે ગામ પહોંચી ગયું છે. એક અંગ્રેજી કહેવત છે કે રોજ એક સફરજન ખાનાર માંદો પડતો નથી.
(An apple a day keeps doctor away).
સફરજન સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, સહેજ ચીકાશવાળું, પચવામાં ભારે, ઝાડો રોકનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેના સેવનથી શરીર ભરાવદાર બને છે. તે વીર્ય-વર્ધક, રોચક, પથ્ય અને હિતકારી છે. દૂઝતા હરસ, ઝાડા, મરડો, તાવ, પથરી, મેદરોગ, સૂકી ઉધરસ, અગ્નિમાંદ્ય, સ્ત્રીરોગ, દુર્બળતા, અરુચિ, માથાનો દુઃખાવો, ગભરામણ, હ્રદયરોગ, રક્ત-વિકાર, ચામડીના રોગ, યકૃતવૃદ્ધિ, શ્વાસ વગેરેમાં સારા છે.
સફરજનની છાલ કાઢી તેને વરાળમાં બાફી ખાવામાં આવે તો તે વધુ સુપાચ્ય અને ગુણકારી બને છે. બાળકો, વૃદ્ધો અને અશક્તો માટે તો તે ખૂબ ઉપયોગી છે. અનિદ્રાના રોગી રાત્રે સૂતી વખતે એક સફરજન ખાઈને સૂઈ જાય તો ગાઢ ઊંઘ આવે છે.
સફરજનને બાફી, તેનો છૂંદો કરી આંખે મૂકવાથી આંખનો ખટકો, બીજા રોગો મટી આંખનું તેજ વધે છે.
સફરજનને છૂંદી તેમાં મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંત ચોખ્ખા થાય છે. જેને દાંતમાંથી લોહી પડતું હોય તેણે રોજ સફરજન ખાવું જોઈએ અને દાંતે ઘસવું જોઈએ.