શેતૂર
શેતૂરના પાન ઉપર રેશમના કીડા ઉછેરાય છે તેથે તેને વાવવામાં આવે છે. શેતૂરનું ઝાડ ઘર આંગણે ઉગાડી શકાય. તે સહેલાઈથી અને ઝડપથી વધે છે.
શેતૂર મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે તે ગરમ, પચવામાં ભારે, સહેજ ચીકાશવાળા, ઝાડાને કરનાર, ત્રિદોષનાશક અને રોચક છે. કાચાં શેતૂર ખાટા, ગરમ અને પિત્ત-પોષક છે. માટે પાકેલાં શેતૂર ખાવા. શેતૂરનાં ફળ ખટમીઠા હોઈ ખૂબ ભાવે છે. તે દાહ, તરસ, અશક્તિ, ગરમી વગેરે મટાડે છે.
ઉનાળામાં શેતૂર ખાવા આરોગ્યપ્રદ છે. તે લૂ લાગવા દેતા નથી, શરીરનો જલીયાંશ જાળવી રાખે છે, અળાઈથી બચાવે છે અને ગરમીથી રક્ષણ આપે છે.
શેતૂરનું સાકરવાળું શરબત બપોરે પીવાથી કોઠાને શાંતિ અને શરીરને પોષણ આપે છે.
શેતૂરની છાલનો ઉકાળો પીવાથી પેટનાં કૃમિ નાશ પામે છે. બાળકો માટે તે ઉપયોગી છે. કબજિયાતના રોગી માટે શેતૂર સારા છે. તે પેટ સાફ લાવવામાં મદદ કરે છે.
શેતૂરનાં પાન ઘા રૂઝવે છે. તેનો ઉકાળો મોઢું આવી જાય ત્યારે મોંમાં ભરી રાખવાથી મોંનાં ચાંદાં રૂઝાઈ જાય છે. તેનાથી ઘા, ચાંદાં ધોવાથી જલદી રૂઝ આવે છે. ખાવામાં રુચિ ન હોય, ભૂખ મરી ગઈ હોય તો શેતૂરના સેવનથી લાભ થશે.