રાયણ
પીળો આકર્ષક રંગ ધરાવતી રાયણ ઉનાળું ફળ છે. તે બહુ ખાવાથી ડચૂરો બાજે છે અને ગભરામણ થાય છે. તેથી તેને પ્રમાણસર જ ખાવી.
રાયણ સ્વાદે મીઠી, સહેજ તૂરી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકણી, ઝાડાને બાંધનાર, ત્રિદોષનાશક અને પથ્ય છે. તે બળપ્રદ અને પોષક છે. તરસ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, લોહી બગાડ, પ્રમેહ, ડાયાબિટીસ, શુક્રક્ષય, માંસશોષ વગેરેમાં સારી છે.
રાયણ સૂકાઈ જતાં તેની કોકડી બને છે, જેને રાણકોકડી કહે છે. તે રાતી હોય છે અને લાંબો સમય બગડતી નથી. તે મધુર, ગરમ, પૌષ્ટિક અને વધુ ખવાય તો ઝાડા કરે છે.
રાયણ ઉપર પાણી ન પીવું, ધોયા વગર ન ખાવી કે વધુ પડતી ન ખાવી. નહિ તો ડચૂરો બાઝશે. તેના નિવારણ માટે છાશ પીવી કે મોંમાં મીઠાની કાંકરી રાખી ચૂસવી.
રાયણના પાનનો રસ પીવાતી શ્વેતપ્રદર મટે છે.
મોંના કાળા ડાઘ દૂર કરવા રાયણના પાન દૂધમાં પીસી તેનો લેપ કરવો.
રાયણનું દૂધ દાંતનો દુઃખાવો મટાડે છે.
રાયણનું બી ઘસીને વીંછીના દંશસ્થાને લગાવવાથી વીંછીનું ઝેર નરમ પડે છે.