નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. આ સરોવર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. નારાયણ સરોવર ભુજથી ૨૧૦ કિમી દૂર આવેલ છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે.
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે મુખ્ય પવિત્ર પાંચ સરોવરો છે તે (૧) માન સરોવર (કૈલાસ), (૨) બિંદુ સરોવર (સિદ્ધપુર-ગુજરાત) (૩) પંપા સરોવર (કર્ણાટક) (૪) બ્રહ્મ સરોવર (પુષ્કર, રાજસ્થાન) અને (૫) નારાયણ સરોવર (કચ્છ-ગુજરાત), એ પાંચ પૈકી નારાયણ સરોવરનું સર્જન સૌ પ્રથમ થયું છે ! એટલું જ નહિ આ વિશ્વ આખાનું સર્વપ્રથમ મીઠા જળનું સરોવર તે નારાયણ સરોવર છે !! એ ભલે નાનકડું છે પણ સૌથી પ્રાચીન છે !!
નારાયણ સરોવર : પૃથ્વી ઉપર સર્વત્ર સમુદ્ર ફેલાયો હતો. ક્યાંય ઘરતી જળની ઉપર જણાતી ન હતી. ત્યારે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિની શરૂઆત કરવા માટે ભગવાન વિષ્ણુ મત્સ્યાવતાર ધારણ કરી સ્વયં મોટું માછલું બની પૃથ્વી ઉપરના સાગરમાં ઊતર્યા હતા. અંતરીક્ષમાં વસતાં સપ્તર્ષિને આ વાતની આગોતરી જાણ થઈ હતી. તેથી તેઓએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ! તમારા મત્સ્યાવતારના દર્શન અમને કરાવજો. વિષ્ણુ સંમત થયા. સપ્તર્ષિ કહે કે અમે ક્યાં બેસીને દર્શન કરીશું ? પૃથ્વી ઉપર ક્યાંય જમીન તો નથી ! વળી પ્રભુનાં દર્શન કરતાં પહેલાં સ્નાન કરવું જોઈએ તથા જલપાન કરવા માટે મીઠું પાણી પણ પૃથ્વી પર નથી તો શું કરવું ? તેમની પ્રાર્થના સાંભળી ભગવાને પૃથ્વી ઉપર એક મીઠા જળનું સરોવર સર્જ્યું, જેમાં સ્નાન કરી સરોવરની પાળ ઉપર સાતે ઋષિઓ બેસી ગયા. વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાન મત્સ્યદેહ ધારણ કરી પૃથ્વી ઉપર પધાર્યાઉ મત્સ્યાવતારના દર્શન કરી સપ્તર્ષિ રાજી થઈ ગયા. તેમણે વિષ્ણુ ભગવાનની કૃપા સ્વરૂપ આ નાનકડા સરોવરનું નામ \”નારાયણ સરોવર\” રાખી તેમની સ્મૃતિ કાયમ કરી.