કચ્છનું આકર્ષણ
જેસલ-તોરલ
કથા જાણવા જેવી, રોમાંચક તેમજ જ્ઞાનયુક્ત અને પ્રેરક છે. લોકકથા કહે છે : ૧૪ મી સદીના મધ્ય સમયની વાત. જેસલ પ્રબળ પરાક્રમી ને શક્તિશાળી લૂંટારો-સ્વચ્છંદી અને નિરંકુશ. કારણે-અકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત. પરાક્રમના અભિમાને, શક્તિના ગર્વે, વિજયના કેફે તે ઉત્તરોત્તર બેફામ બનતો જાય છે. લૂંટારુઓ પણ જેની આમાન્ય રાખે તેવાં ધોરણોને પણ તે અહંકારના અંધાપામાં કોરાણે મૂકે છે – કુંવારી જાન લૂંટે છે, મોડબંધાને હણે છે, વનના મોરલા મારે છે – તેની આક્રમકતાનો કોઈ આરો નથી, કોઈ આડશ નથી.
આ જેસલની ઈચ્છાને અંત નથી. જે ગમી જાય તે ઝૂંટવીને લેવાની આદત. ને એક વાર તેને ગમી ગઈ કાઠિયાવાડના સલડી ગામના સુપ્રસિદ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી ‘તોરી‘ ને તે સાથે જ તેણે જેની ખૂબ પ્રશંસા સાંભળી હતી તે સાંસતિયાજીની અનુપમ રૂપવાન પત્ની તોરલ ! જેસલની દાઢ સળકી, ને ગમતાને ઘેર લાવવા તે વિવશ બન્યો.
એક રાત્રે……
સાંસતિયાજીને ઘેર જાગ હતો. ભક્તમંડળ ભજનપૂજનમાં મગ્ન હતું ત્યારે જેસલ છુપાઈને સાંસતિયાજીની ઘોડારમાં પહોંચ્યો. અંધારામાં અજાણ્યા આદમીના આગમનથી જાતવાન ઘોડી ચમકી ને જમીનમાંથી ખીલો ખેંચીને ખીલા સહિત ભાગી ગઈ ભગત પસે. તો સાંસતિયાજીનો રાવત વ્યાકુળ ઘોડીને શાંત પાડીને પાછો ઘોડારમાં દોરી લાવ્યો ને ખીલો પાછો જમીનમાં ખોડવા લાગ્યો, ત્યાં અચાનક અજાણતાં ખીલો ખોડાઈ ગયો ઘાસમાં છુપાઈ રહેલા જેસલના હાથ પર ને જેસલ જડાઈ ગયો જમીન સાથે. પણ નામર્દ દેખાવાના ડરે તેણે ન પાડી ચીસ કે ન કર્યો ચિત્કાર. ભયંકર વેદના સહન કરતો તે ત્યાં જ પડ્યો રહ્યો.
સાંસતિયાજીની પૂજા પૂરી થઈ. પ્રસાદ વહેંચાયો. પણ થોડો વધ્યો. આશ્ચર્ય, કારણ કે એ સ્થાનકનો પ્રભાવ જ એવો હતો – વગર માપે કરેલો પ્રસાદ પણ સૌને બરાબર વહેંચાઈ રહે. હાજર હોય એ સૌને પહોંચે. ન ઘટે કે ન વધે. તો આ વધ્યો કોના ભાગનો ? ત્યાં ઘોડારમાંથી ઘોડીના ધમપછાડા સાંભળી સાંસતિયાજી ઘોડારમાં ગયા. તેમણે જમીન સાથે જકડાયેલા જેસલને જોયો. તેની સહનશક્તિથી તે છક થઈ ગયા. તેને ત્યાંથી મુક્ત કર્યો ને સાંસતિયાજી અને તોરલે તેની સરભરા કરી. પણ જેસલ જેનું નામ. સવાર થયે ઇચ્છા વ્યક્ત કરી તોરી ઘોડી અને તોરલને લઈ જવાની. સૌને આઘાત લાગ્યો, પરંતુ સાંસતિયા તો સાચો સંત. તેના ભકત હ્રદયે શરત મૂકી : જેસલ ભક્તિમાર્ગે વળે તો તેની માગણી તે પૂરી કરશે. જેસલે ઇચ્છાના અનિરુદ્ધ દબાણને વશ થઈ તે શરત સ્વીકારી. સંતે વચન પાળ્યું ને ઘોડી અને પત્નીને આપીને જુલમી ભારાડી જેસલને ભક્તિમાર્ગે વાળવાનો અને ઉદ્ધારવાનો ઈલમ કર્યો. ને જેસલ-તોરલ રાણીને લઈને ચાલી નીકળ્યો.
પણ સંતની નિષ્કામ ઉદારતા દીઠી તેમ સતીનો પરચો બાકી હતો. કચ્છથી કાઠિયાવાડ આવતાં સમુદ્રની ખાડી ઓળંગવી પડે. જેસલ-તોરલ વહાણમાં ચઢ્યાં. પણ મધદરિયે પ્રચંડ વંટોળ ઊઠ્યો. વિનાશક વાવાઝોડું ફૂંકાયું. વહાણ પ્રચંડ મોજાં પર ફંગોળાવા લાગ્યું અને ડૂબું ડૂબું થઈ ગયું. ચોપાસથી ભીંસાતાં મૃત્યુ આંખ સામે દેખાતાં ભડ જેસલ પણ ભયભીત થઈ ભાંગી પડ્યો.
સતી તોરલે આ પારખ્યું અને જીવન-મૃત્યુ વચ્ચેની નાજુક ક્ષણે એણે જેસલને જીવનનું રહસ્ય સમજાવ્યું. સતનો મારગ ચીંધ્યો. જેસલનો હ્રદય-પલટો થયો. વાસના-વ્યાકુળ અને સંહારક લૂંટારો સતધર્મી ને સંત બની ગયો. સતીના શબ્દે પ્રગાટાવેલી જ્યોતાના તેજમાં તેણે તલવાર મૂકી એકતારો ઉઠાવ્યો ! ‘પાપ તારું પરકાશ જાડેજા….‘ અને ‘જેસલ કરી લે વિચાર‘ જેવાં સુપ્રસિદ્ધ લોકગીતમાં આ કથાને તોરલની જ્ઞાનવાણી અમરત્વ પામી છે
કચ્છ મ્યુઝિયમ
ઈ. સ.૧૮૭૭માં બંધાયેલ આ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે. નયનરમ્ય વાતાવરણ વચ્ચે. ઈટાલિયન શૈલીમાં બંધાયેલા આ સંગ્રહાલયમાં સૌથી વધુ ક્ષાત્રપ શિલાલેખો, પુરાતત્વીય ચીજવસ્તુઓ સોનું-ચાંદી અને મીનાકામના વાસણો, કાષ્ઠકળા પ્રાચીન સિક્કાઓ પ્રદર્શિત કરાયેલા છે. ગુજરાતની ખાસ જ્ઞાતિઓ ઉપર પણ એક વિભાગ અહીં રાખવામાં આવેલો છે.
રાવપ્રાગમલજીનો મહેલ
સંગેમરમરની દીવાલો અને ચાઈના મોઝેઈક ટાઇલ્સની ફરસવાળો આ ભવ્ય અને અલંકૃત મહેલ 1865માં બંધાયેલો છે. તેના બીજા માળે આયના મહેલ છે જેની દીવાલો આયનાઓથી આચ્છાદિત છે. મનોહર ફુવારો હાથીદાંતના નકશીકામથી જડેલા દરવાજા પરસાળની દીવાલો પર લગાવેલાં ભારતીય અને યુરોપીય ચિત્રો અને 45 મીટર ઊંચું ઘડિયાળ એ આ મહેલનાં અન્ય આકર્ષણો છે. આ મહેલ દરબારગઢ તરીકે પણ ઓળખાય છે. તેના એક ભાગમાં સરકારી અને અન્ય કચેરીઓ બેસે છે.
નવરાત્રિ પર્વ
કચ્છમાં નવરાત્રિ પર્વની ઉજવણીનું કેન્દ્રસ્થાન માતાના મઢ ખાતેનું આશાપુરા માનું મંદિર જ રહે છે. ‘શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાં જ કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યોમાંથી આવતા પદયાત્રીઓની ચહલ-પહલથી કચ્છમાં અનેરું વાતાવરણ છવાઈ જાય છે. મુંબઈથી આવતા પદયાત્રીઓ તો એક મહિના પહેલાંથી જ કચ્છ આવવા નીકળી પડે છે. કેટલાક સાઈકલથી આવે છે તો કેટલાક નાળિયેર રગડાવતા આવે છે. કોઈ ખુલ્લા પગે ચાલે છે તો કોઈ નવજાત શિશુને પારણામાં ઝુલાવતા ઝુલાવતા આવે છે અને શ્રદ્ધાના મેધધનુષ રચાય છે. મુંબઈના ઘાટકોપર, દાદર, મુલુન્ડ શાંતાક્રુઝ, મસ્જિદ બંદર જેવા વિસ્તારમાં પદયાત્રીઓના સંઘો નીકળે ત્યારે ભારે ઉત્સાહ જોવા મળે છે. ‘માતાજીની ટોપી, કેસરી ધજાકા-પતાકા, બગલથેલા અને આશાપુરી ધૂપની મહેક મુંબઈને પણ પોતાની પક્કડમાં લઈ લે છે.
‘હોડકો‘ ઈકો ટુરિઝમનું સેન્ટર
કચ્છના મોટા રણમાં આવેલું ગામ ‘હોડકો‘ ઈકો ટુરિઝમનું સેન્ટર
શું તમને કચ્છનાં અંતરિયાળ ગામડાંઓમાં જઈ પરંપરાગત રીતે જીવતા લોકો સાથે સમય ગાળવો ગમે ? સ્થાનિક રીત-રિવાજો, કળા સામાજિક અને સાંસ્કૃતિક જીવનશૈલી ત્યાંના વિષે સ્થાનિક લોકો પાસેથી જાણવાનો ઉત્સાહ છે ? જો હા ! તમારા માટે એક નવા જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે એક નવો પ્રોજેકટ મીનીસ્ટ્રી ઑફ ટુરીઝમ, ભારત સરકાર અને યુ.એન.ડી.પી.નાં સંયુક્ત સહકારથી હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતનાં જુદાં-જુદાં રાજ્યોમાંથી કુલ 31 ગામોને ઇકો-ટુરિઝમ માટે પસંદ કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્યમાં કચ્છનાં બન્ની વિસ્તારના હોડકો ગામને ‘ઇકો-ટુરિઝમ સ્પોટ‘ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
આ હોડકો ગામ ભૌગોલિક રીતે પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ગામ ભુજથી 62 કિલોમીટર દૂર મોટા રણમાં આવેલું છે. \”ઇકો-ટુરિઝમ માટે હોડકો ગામ પસંદ કરવા માટેનું મુખ્ય કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. આ ગામ બન્ની વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તાર તેના ‘ગ્રાસ-લેન્ડ‘ માટે જાણીતો છે. વળી અહીંથી કચ્છનું મોટું રણ, ઐતિહાસિક કાળો-ડુંગર અને સીવીલિયન માટેની છેલ્લી સરહદ ઇન્ડિયાબ્રિજ એકદમ નજીક છે. \”ગ્રાસ લેન્ડ હોવાને લીધે શિયાળામાં સાઇબીરિયન ક્રેન, સારસ ક્રેન, ફલેમિંગોં જેવાં વિદેશી પક્ષીઓ પણ આ વિસ્તારનાં મહેમાન બને છે. આ તમામ વસ્તુઓ એક સાથે ટુરિસ્ટને એક જ જગ્યાએ એકસાથે મળી રહે છે.
હોડકો ગામમાં રહી ટુરિસ્ટ કચ્છના અન્ય જોવાલાયક સ્થળે ફરી શકે તે માટે વાહનવ્યવહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર ટુરિસ્ટ સેન્ટર સ્થાનિક લોકો જ સંભાળી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ યુવાનો ટુરિસ્ટસ માટે ગાઇડ (ભોમિયા)નું પણ કામ કરશે.
અત્યાર સુધી બહારથી આવતા પ્રવાસીઓ, સંશોધકોને જો અંતરિયાળ ગામડામાં જવું હોય તો ત્યાં કોઈ રહેવાની સગવડ મળતી નહીં. આથી કોઈ પણ વ્યક્તિએ રાત પડતા ભુજમાં જ આવી જવું પડતું. માહિગાર સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પ્રવાસીઓ આ તૈયાર કરેલા હોડકો ગામમાં જ રોકાઈ શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ તેની ભાતીગળ પરંપરા, રીત, રિવાજો, ટ્રેડીશનલ મ્યુઝિક, લોકસંગીત માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છમાં લોકો જે વિશિષ્ટ પ્રકારના ગોળ ‘ભુંગા‘ બનાવી રહે છે તેવા જ લીંપણ વાળા ઘરો પ્રવાસીઓ માટે બનાવવામાં આવ્યા છે. આ ઘરોને સ્થાનિક ભરતકામથી શણગારવામાં આવ્યા છે. કચ્છમાં એવા ઘણા કલાકારો અને ગાયકો છે જે હવે લુપ્ત થવાને આરે છે તે તમામ કલાકારો અને ભજન-મંડળીઓ પણ રોજ પ્રવાસીઓને સંભળાવશે. બહારથી આવતા પ્રવાસીઓને હસ્તકળાની બનાવટો પણ મળશે. બન્ની વિસ્તારની આસપાસની બહેનોએ તૈયાર કરેલી હસ્તકલાની વસ્તુઓઓ, લેધર, કલે, મેટલ, મડ વર્ક, વુડ અહીંથી જ મળશે.
હોડકો ગામ કેવું છે ?
અહીંના મકાનોમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ થયો નથી. પરંતુ પ્રવાસીઓ માટે પરંપરાગત ‘ભુંગા‘ તૈયાર કરવામાં આવ્યા છે.
હોડકો ગામ ભુજથી ૬૨કિ.મી. દૂર મોટા રણમાં આવેલું છે. આ વિસ્તાર ગ્રાસલેન્ડ માટે જાણીતો છે.
આ ગામની નજીક કચ્છનો કાળો ડુંગર, ઇન્ડિયા બ્રિજ અને કચ્છનું મોટું રણ આવેલું છે.
ગ્રાસ લેન્ડને લીધે ફલેમિંગો, સાઇબીરિયન ક્રેન, સારસ ક્રેન જેવા માઇગ્રેટરી બર્ડ પણ આ વિસ્તારના મહેમાન બને છે. ટુરિસ્ટ આ હોડકો ગામમાં રી આસપાસના વિસ્તારમાં ફરી શકે તે માટે વાહન વ્યવહારની વ્યવસ્થા છે. સ્થાનિક હસ્તકલાની બનાવટો પણ અહીંથી જ ટુરિસ્ટને મળી શકશે. રાત્રી રોકાણ સમય ટુરિસ્ટ લુપ્ત થતી કચ્છની સંગીત પરંપરાનો આસ્વાદ પણ માણી શકશે.