શત્રુંજ્યની તળેટીમાં આવેલું પાલિતાણા-પદલિપ્તપુર મહાન સિદ્ધયોગી નાગાર્જુને એના ગુરુ પદલિપ્તની સ્મૃતિમાં વસાવેલું છે. મગધની રાજ્ય ક્રાન્તિથી પીડાઈ કેટલાક જૈન પરિવારો રાજસ્થાન અને ગુજરાતમાં આવ્યા. એમણે અન્ય પર્વતરાજોની સાથે જ શત્રુંજ્ય પર દેવમંદિરોની રચના કરી.
શત્રુંજ્યગિરિ પર પ્રથમ બંધાવેલું મંદિર કાષ્ઠનું હતું પરંતુ શત્રુંજ્યની યાત્રાએ આવેલા રાજેન્દ્ર કુમારપાળે અને અમાત્ય ઉદયને અગ્નિની ભાવિ આશંકાથી પ્રસ્તરનાં મંદિરો નિર્માણ કરવાનો આદેશ આપ્યો અને વાગ્ભટે એ પરિપૂર્ણ કર્યો.
શત્રુંજ્યગિરિનાં મંદિરોના નિર્માણકાર્યમાં આચાર્ય હેમચન્દ્રાચાર્ય, મહારાજ સિદ્ધરાજ, મહારાજ કુમારપાળ, અમાત્યો ઉદયન, વસ્તુપાળ, તેજપાલ, શ્રેષ્ઠિઓ જગડુશાહ, કરમશાહ આદિ, અનેક આચાર્યો, સૂરિઓ, રાજવીઓ, અમાત્યો, શ્રેષ્ઠિઓ અને સામાન્ય ધર્મવીરોનો ફાળો છે.
ભાવનગર જિલ્લાનું સૌથી મોટું અને વિશ્વપ્રસિદ્ધ આકર્ષણ છે પાલિતાણાનાં વિખ્યાત જૈન મંદિરો. ભાવનગરથી લગભગ ૬૦ કિ.મી. દૂર આવેલું પાલિતાણા જૈનોનું ભારતખ્યાત મહાતીર્થ છે. ૬૦૩ મીટર ઊંચી શત્રુંજ્ય પર્વતમાળા પરનાં?? ૮૬૩ મંદિરોએ આખા પર્વતના અનેક શ્રૃંગોને લગભગ ઢાંકી દીધાં છે. ભારતીય કલાના વિશ્વમાન્ય અભ્યાસી બર્જેસે નોંધ્યુ છે કે, ગિરિશ્રૃંગો પર આટલી મોટી સંખ્યામાં આવાં મંદિરોનો સમૂહ જગતભરમાં અન્યત્ર ક્યાંય નથી. આ સ્થળ ધાર્મિક રીતે જૈનોની શ્રદ્ધાનું પ્રતીક છે. લગભગ દરેક જૈનને વર્ષમાં એક વાર પાલિતાણાની જાત્રા કરવાની ઝંખના હોય છે. નવ-નવ પેઢી સુધી ચાલેલું આ મંદિર-સમૂહનું બાંધકામ મનુષ્યની શ્રદ્ધા, પરંપરા તેમજ મહાજનોના સમાજમાં પ્રદાનની એક મહાગાથા છે. શત્રુંજ્ય – જૈનોના? પહેલા તીર્થંકર – આદિનાથ ઋષભદેવજીનું સ્થાન ગણાય છે. અગિયારમાં સૈકાનાં મંદિરોની યાત્રાએ શ્રદ્ધાળુઓ અને કલાપિપાસુઓ પ્રતિવર્ષ હજારોની સંખ્યામાં આવે છે. તેમાં પરદેશીઓની પણ મોટી સંખ્યા હોય છે. મંદિરોમાં ભગવાનની શોભા માટે સમર્પિત ઘણાં કીમતી આભૂષણો અને હીરા પણ છે. એ સમગ્ર જૈન મંદિરોનો વહીવટ આણંદજી-કલ્યાણજીની પેઢી કરે છે. તેમની પરવાનગીથી આ આભૂષણો? જોઈ શકાય છે. મોટે ભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલાં આ મંદિરોનું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીવાળું ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ હેરત પમાડે તેવું સુંદર છે. આભઝરૂખે પર્વતની ટોચ પર રચાયેલી આ મંદિર-નગરી દેવનગરી જેવી પવિત્ર અને મનોરમ્ય લાગે છે. એની પાષાણી પ્રતિમાઓ, દેવમૂર્તિઓ, ગંધર્વો-અપ્સરાઓ અને અન્ય અનેક શોભનાકૃતિઓથી ભરી ભરી એ સૃષ્ટિ ગિરિશિખરને દૂધધારાએ નવરાવતી ચાંદનીમાંયે જીવંત અને દિવ્ય બની જતી લાગે છે. ધરતીનાં માનવીઓએ જાણે ઊંચા હાથ ઉઠાવીને પ્રભુને પ્રાર્થના સાથે ઉપહાર ધર્યો હતો તેવું દેખાય છે. ધર્મની પ્રેરણા થકી નીપજેલી પ્રવૃત્તિના આ પારલૌકિક પરિણામમાં મનુષ્યની શ્રદ્ધા-ભક્તિ-કલા અને સમૃદ્ધિની અભિવ્યક્તિની દુન્યવી દૈન્યમાંથી ઊર્ધ્વગતિ સાધના મનુષ્યની અને સમાજની અલૌકિક પ્રતીતિ છે. પાલિતાણા નજીક શત્રુંજ્ય નદી પર ડેમ છે તથા પાલિતાણામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ કૉલેજો પણ વિકસી છે.