કચ્છનું કંડલા બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પૉર્ટ છે ને મોટી સ્ટીમરોની આવન-જાવનથી ધમધમે છે. તો ગાંધીધામ અને આદીપુર સિંધથી આવેલા ભાઈઓના વસવાટથી વિકસેલાં છે. આસપાસનો રણપ્રદેશ તેના વિકાસને રૂંધી શક્યો નથી. બન્ની ને ખાવડાના – છેક પાકિસ્તાનની સીમાને અને બીજી બાજુ રાજસ્થાનના રણને સ્પર્શતા-વિસ્તારો સુધી અર્વાચીન વિકાસ-યોજનાઓ પહોંચી ગઈ છે. કચ્છી બોલી તરીકે વિશિષ્ટ રૂપ ધરાવે છે. તેનું સાહિત્ય આગવું છે. એને પોષવા, સંરક્ષવા ગુજરાત સરકારે કચ્છી સાહિત્ય અકાદમીની રચના કરી છે. તે સાહિત્યના પોષણ અને પ્રકાશનની વ્યવસ્થા કરી છે.
કચ્છે ગુજરાતને અનેક મહાપુરુષો આપ્યા છે. આગળના સમયના જગડુશા કે ફતેહમામદ ને લાખા ફુલાણી કે મેકરણદાદાને તો સ્મરીએ તોપણ આ કાળમાંયે શ્યામજી કૃષ્ણ વર્મા જેવા દેશભક્ત, ભગવાનલાલ ઇન્દ્રજી જેવા પુરાતત્વવિદ, જયકૃષ્ણ ઈન્દ્રજી જેવા વનસ્પતિશાસ્ત્રી વગેરે પણ કચ્છની જ દેણ છે. સાહિત્યક્ષેત્રે દુલેરાય કારાણી, સંશોધન રામસિંહજી રાઠોડ કે જયંત ખત્રી વગેરે ઉજમાળાં નામો છે. કચ્છના ઈતિહાસનાં પાનાં શૂરવીરો અને દાનવીરો, રાજવીઓ અને શ્રેષ્ઠીઓ, સંતો અને સતીઓ, વીરો અને વિદ્વાનોથી ભરપૂર છે. એ સુવર્ણપૃષ્ઠોમાં જવાંમર્દીને વફાદારી, શૌર્ય અને સમર્પણ અને કલાકારીગરીની કુશળતા પ્રાણવંતા અક્ષરે આલેખાયેલ છે. એક સમય હતો જ્યારે કચ્છની પિંગળ અને વ્યાકરણની પાઠશાળાઓ વિદ્વાનો અને વિદ્યાર્થીઓથી ગુંજતી.