ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક ‘પાલિતાણા’ આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્તારમાં ૯૦૦ જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા’ અદ્વિતીય કળા વૈભવ અને આસ્થાના સ્થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું – યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા’ ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું..
વિજય-વિલાસ પેલેસ ૧૯૦૬માં રાજા વિજયસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો,તમે પાલિતાણા જૈન-મંદિરનાં દર્શને જતાં હો અને રસ્તામાં આ ભવ્ય પેલેસમાં જો રોકાણ કર્યું હોય તો અહીંની સ્મૃતિ એક અકથનીય અનુભવ કરાવે તેવો છે. તે સમયે પાલિતાણા એક રજવાડું હતું. પરંતુ અહીંના શેત્રુંજીની પર્વતમાળા પર મુગટમણિની જેમ શોભતા વિશ્વ-વિખ્યાત જૈન-મંદિરોનાં કારણે તીર્થાટન માટે ઘણું પ્રસિદ્ધ હતું.
આજે અહીં આ પેલેસમાં છ વિશાળ રૂમ્સને એન્ટિક શૈલીમાં સજાવવામાં આવ્યા છે, જેમાં મહદ્ અંશે યુરોપીયન છાંટ વર્તાઈ આવે છે – પાલિતાણા મંદિરથી નજીક જ આવેલો હોવાથી પેલેસના રોકાણ દરમિયાન પ્રવાસન અને તીર્થાટન બંનેનો સુભગ સમન્વય થઈ શકે છે. – અહીં જૈન તેમજ જૈનેતર સહેલાણીઓ માટે વિશાળ ડાઇનીંગ હોલમાં વિવિધ પ્રકારના ભોજનો તૈયાર થાય છે તે અહીંની ખાસિયત છે. અહીંનાં રોકાણ દરમિયાન સહેલાણીઓ જૈન મંદિર ઉપરાંત ભાવનગર નજીકનું વેળાવદરનું કાળિયાર-અભયારણ્ય તેમજ શિહોર તથા ભાવનગર પાસેના શિપબ્રેકિંગ યાર્ડ અલંગની મુલાકાત લઈ શકો છો.