સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી રોડ સ્તે ૧૦૫ કિલોમીટર છે. વ્હાલા વાંચક પોરનો અર્થ થાય છે નાની એવી વસાહત, સમુદ્ર કાંઠાની આવી વસાહતની વસતીને પોર કહેવાય છે. આવા પોરમાં મિત્રોની અતુટ સ્નેહકથા, મિત્ર પ્રેમથી પાંગરેલી આ વસાહત – શહેર બનીને આજે પોર બંદરથી સુપ્રસિદ્ધ છે.
અહીં એક સમયે શ્રી કૃષ્ણના બાલ સખા સુદામા વસતા હતા તેથી સુદામાપુરી પણ કહેવાય છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ છે.
બાલક સુદામા અને બાલ કૃષ્ણ વિદ્યા અભ્યાસ માટે ગુરૂ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા ખાસબાલ મિત્રો હતા.સુદામાએ વિદ્યા પ્રાપ્તિ પછી ગુરૂ પાસે અયાચક વ્રત ‘કોઈ પાસે માંગવું નહીં‘ એવો નિયમ લીધેલો હતો. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી સપત્ની તેઓ પોરમાં રહેતા હતા ત્યારે મિત્ર કૃષ્ણ દ્વારકાના રાજા બની રાજધાની દ્વારકામાં બેઠા ભારતની રાજનિતિ ઘડતા હતા.
સુદામા અયાચક વ્રત નિયમ પાળતા હતા જેથી તેનું સંસારી જીવન દરિદ્રાવસ્થામાં વહન થતું હતું. આ નેક ટેકવાળા સુદામાજીના પત્નીને વિચાર થયો કે કૃષ્ણ અને મારા સ્વામી બાલમિત્રો હતા. જો કોઈ દિ‘ દ્વારકાના રાજા કૃષ્ણને મળવા સુદામા જાય તો આ જીવનભરની ગરીબી જરૂર દૂર થાય.
આથી સુશીલ પત્નીએ વિચાર કરીને એક દિવસ સુદામાને કહ્યું કે હે નાથ, તમારા બાલમિત્ર દ્વારકાના રાજા બન્યા છે તો મિત્રને મળવાનું મન થતું નથી? એક વખત મિત્રને મળવા તો જાવ.
સુદામા કહે ભદ્રે ! એવા મારા નસીબ કયાંથી ? કે બાલ મિત્રને મળવા જાઉં ! પણ હું રહ્યો અકિંચન ઘણે વખતે મળતા બાલ સખા પાસે ખાલી હાથે કેમ જવાય ?
આથી સુદામાના પત્નીએ ભેટ આપવા ચોખામાંથી તાંદુલ (પૌવા) બનાવ્યા અને સુદામાને આપી કૃષ્ણને મળવા દ્વારકા મોકલ્યા. અશકત શરીરે સુદામાજી ઘણા સમયે દ્વારકા પહોંચ્યા.
કૃષ્ણના મહેલે જઈ દ્વારપાલને કહ્યું કે શ્રી કૃષ્ણને કહો મિત્ર સુદામા મળવા આવ્યા છે. દ્વારપાલના આ સમાચાર સાંભળતાંજ કૃષ્ણ દોડતા જઈ સુદામાને મહેલના દરવાજામાં ભેટી પડયા. અશકત મિત્રને પોતાનો ટેકો આપી નીજ મહેલમાં લઈ આવ્યા. અતિથિમિત્ર સુદામાના કુશળ સમાચાર પુછી, ચરણ ધોયા, આસન આપી નિરાંતે વાતો કરવા બંને બાલમિત્રો બેઠાં છે.
કૃષ્ણ વાતો યાદ કરે છે, અરે સુદામા એક દિ‘ જંગલમાં લાકડાં લેવા સાથે ગયાને ઘનઘોર વરસાદ થયો હતો, સુદામા કહે મને બરાબર યાદ છે તમારા ભાગના ચણા ગુરૂજીએ મને આપેલ તે હું જ ખાઇ ગયો હતો અને વરસાદ તુટી પડતાં આપણને જંગલમાં ગુરૂજી ગોતવા નીકળેલ હતાં. આમ ગુરૂ આશ્રમની વાતો યાદ કરતા કરતા ભોજન સમય થયો હતો, ત્યારે સંકોચાતા સંકોચાતા સુદામાએ સાથે લાવેલ તાંદુલ મિત્રને ધર્યાં.