ગુજરાતની પ્રજાને પરોપજીવી મટાડી, પોતાની તેજસ્વી કૃતિઓ વડે ગુજરાતના પાટનગર શ્રીપત્તન (પાટણ)ને ભારતમાં અગ્રગણ્ય સારસ્વતકેન્દ્રોની હરોળમાં બેસાડનાર જાજવલ્યમાન ગુર્જરરત્ન, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનો જન્મ વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ ધંધુકા મુકામે મોઢ વણિક કુટુંબમાં થયેલો. ચાંગદેવ એમનું બચપણનું નામ.
બાળપણથી જ અપ્રતિમ બુદ્ધિમત્તાવાળા ચાંગદેવની અનન્યસાધારણ મેધા પરખી પૂર્ણતર ગચ્છના મુનિ દેવચન્દ્રજી એમને પોતાની સાથે ખંભાત લઈ ગયા. પાછળથી પિતા ચાચિંગને જાણ થતાં અન્નત્યાગ કરી પુત્રને શોધતા ખંભાત આવ્યા. ઉદયન મંત્રીએ તેના ખોળામાં સમૃદ્ધિનો ઢગલો કરીને ચાંગદેવની તેજસ્વી મેધાને પૂર્ણતઃ ચમકાવવાની તક આપવા સમજાવ્યા. સાચી વસ્તુસ્થિતિ સમજાતાં પિતાએ એ સમૃદ્ધિનો સ્પર્શ પણ કર્યા વિના પુત્રને દિક્ષા દેવાની સંમતિ આપી.
દીક્ષિત ચાંગદેવ હવે સોમચન્દ્ર બન્યા. બાર વર્ષ સુધી પ્રમાણ, ભાષા, વ્યાકરણ, કાવ્ય વગેરેનું અનુશીલન કરીને ૨૧ વર્ષની વયે એ યુગની મહાવિદ્યા ગણાતા તર્કલક્ષણ અને સાહિત્યમાં અસાધારણ પાંડિત્ય મેળવી, સૂરિપદ પ્રાપ્ત કરી, હેમચંદ્ર સૂરિને નામે ખ્યાત થયા. હવે તેમણે લેખન-પ્રવૃત્તિ વધારી. સ્વરચિત વ્યાકરણનાં ઉદાહરણો દર્શાવવા ‘દ્વયાશ્રય‘ નામે કાવ્ય રચી તેમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ચાલુક્ય વંશનો ઇતિહાસ એમણે વણી લીધો. પછી ‘અભિધાન-ચિંતામણી‘ તથા ‘અનેકાર્થસંગ્રહ‘ નામે અર્થવાચી તથા અનેકાર્થી શબ્દોના કોશ રચ્યા. બાદમાં ‘ધન્વન્તરી નિઘંટુ‘ અને ‘રત્નપરીક્ષા‘ના અનુકરણમાં ‘શેષનિઘંટુ‘ લખ્યું જેના છ ખંડોમાંથી હાલમાં વૈદક, વનસ્પતિ તથા રત્નપરીક્ષા પરના ગ્રન્થો જ મળે છે. ત્યારબાદ ‘કાવ્યાનુશાસન‘ તથા ‘છંદાનુશાસન‘ લખ્યાં.
‘કાવ્યાનુશાસન‘ ઉપર ‘અલંકારચૂડામણિ‘ નામની ટીકા અને બંને પર પાછી ‘વિવેક‘ નામની મોટી ટીકા લખી. ઉપરાંત પ્રમાણશાસ્ત્ર પર ‘પ્રમાણમીમાંસા‘ રચ્યું. આ સિવાય ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર‘માં એમણે ૬૩ જીવનચરિત્રો લખ્યાં. કુમારપાળના આગ્રહથી ‘યોગશાસ્ત્ર‘ પણ લખ્યું. કહેવાય છે કે એમણે કુલ ત્રણ કરોડ શ્લોકો રચ્યા હતા. જોકે એટલું બધું સાહિત્ય તો હાલ મળતું નથી છતાં જે મળી શકે છે એ પણ ભારતવર્ષના સર્વ મહાન પંડિતોમાં એમને અનોખું સ્થાન અપાવે છે.
વિ. સં. ૧૨૨૯માં એ કાળધર્મ પામ્યા.