જાણો ગુજરાતના ઉદ્યોગપતિઃકસ્તૂરભાઈ લાલભાઈ

દેશભરના ઉદ્યોગપતિઓમાં અગ્રસ્થાન મેળવી કસ્તૂરભાઈ લાલભાઈએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું અને અમદાવાદના કાપડઉદ્યોગમાં પોતાની કુશાગ્ર બુદ્ધિ, કુનેહ અને પ્રતિભાથી મિલોનું માતબર સંકુલ સ્થાપ્‍યું. ઈ. ૧૮૯૪ની ૧૯મી ડિસેમ્બરે અમદાવાદમાં એમનો જન્મ થયો. ગર્ભશ્રીમંત પરિવારમાં તેઓ બીજા પુત્ર હતા. દાદા દલપતભાઈ ભનુભાઈ ઉદ્યોગક્ષેત્રે અગ્રેસર હતા. પિતા લાલભાઈ સ્થાનિક જૈન સમાજના મોવડી હતા. લાલભાઈ શિસ્તના કડક આગ્રહી હતા અને બાળકો પાસે પણ એવી જ અપેક્ષા રાખતા. ધર્મમાં શ્રદ્ધાવાન એમના પરિવારમાં ધાર્મિક નીતિઓનું ચુસ્ત પાલન થતું. ધર્મના પૂરા સંસ્કારો માતા મોહિનીબહેને પુત્રમાં ઉતાર્યા હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી કસ્તૂરભાઈ કૉલેજમાં બેઠા ત્યાં જ પિતાનો સ્વર્ગવાસ થતાં, માતાની આજ્ઞા મુજબ, મિલનો કારોબાર સંભાળ્યો. આ પ્રસંગથી એમના જીવનનો રાહ સુનિશ્ચિત થઈ ગયો. સતત કર્તવ્યપરાયણતાનો એ માર્ગ હતો.
લગભગ સાત દાયકાથી અવિરતપણે ચાલેલી એમની કામગીરીને કંઈક આ રીતે વહેંચી શકાયઃ દેશ-વિદેશમાં ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ તરીકે; ગુજરાતના શ્રેષ્‍ઠ મહાજન તરીકે; જૈન સંઘના મુખ્ય અગ્રણી તરીકે અને બાંધકામ તથા જીર્ણોદ્ધારના નિષ્‍ણાત તરીકે, રાજમાન્ય અને પ્રજામાન્ય પોતાના વડવાઓની નામનાને એમણે વધારી હતી. જનહિતનાં કાર્યોમાં તથા લોકોની મુશ્કેલીઓના સમયે એમણે માર્ગદર્શન આપ્‍યું હતું. ઈ. ૧૯૧૮માં ગુજરાતમાં વ્યાપેલા દુષ્‍કાળ વખતે એમણે ઘેર ઘેર ફરીને એ કાળે માતબાર એવી ત્રણ લાખની રકમ એકત્ર કરી દીનદુખિયાંઓને સહાય પહોંચાડી હતી. એ જ રીતે ઈ. ૧૯૨૭માં રેલસંકટ વેળા પણ એમણે તારાજ થઈ ગયેલાં ગામડાંઓને બેઠાં કરવામાં પ્રબળ પુરુષાર્થ કર્યો હતો.
પદ, હોદ્દા કે અધિકાર માટે એમણે કદી એષણા દાખવી ન હતી. છતાં જો કોઈ મોટી જવાબદારી તેમને સોંપાતી તો કર્તવ્યધર્મરૂપે તેને સ્વીકારીને તે જવાબદારીને તેઓ બાહોશીથી પાર પાડી આપતા. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ડિરેકટર તરીકે, આઈ. એલ.ઓ.માં ભારતના પ્રતિનિધિ તરીકે, કંડલા પોર્ટ વિકાસના ચેરમેન તરીકે, સરકારની કરકસરની પગલાંસમિતિના અધ્યક્ષ તરીકે, રશિયામાં પ્રતિનિધિ મંડળના મોવડી તરીકે, હૈદરાબાદ–મૈતુર અને ત્રાવણકોરના ઉદ્યોગોમાં ધિરાણની મોટી રકમોની તપાસના એક વ્યક્તિના પંચ તરીકે, કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ બોર્ડના કાર્યવાહક સભ્ય તરીકે, અટીરાના પ્રેરક તરીકે તથા અન્ય સંખ્યાબંધ લોકોપયોગી સંસ્થાઓમાં સેવા આપી છે.
રાણકપુર, દેલવાડા અને શત્રુંજ્યનાં જગવિખ્યાત જૈન મંદિરોના જીર્ણોદ્ધારનો પણ મોટો યશ એમને ઘટે છે. આ કાર્યમાં અનેકવિધ પ્રશ્નોનો એમને સામનો કરવો પડેલો પણ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને ધીરતાથી એમણે એ કાર્યો પાર પાડ્યાં હતાં. ‘અતુલ‘ એ એમનું રસાયણક્ષેત્રે સાકાર થયેલું એક ભવ્ય સ્વપ્‍ન છે. ઈ. ૧૯૨૩માં દિલ્હીની ધારાસભામાં પણ એ જઈ આવેલા. પરંતુ સક્રિય રાજકારણ એ કદાચ એમને રૂચે એવો વિષય નહોતો. તેમના મારફત થયેલી રૂપિ‍યા બેએક કરોડની સખાવતોમાંથી એક કરોડ તો કેળવણી માટે આપ્‍યા છે. પરિવારની સખાવતથી અમદાવાદમાં સ્થપાયેલ ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર‘ દેશવિદેશના વિદ્યાર્થીઓ માટે વિદ્યાના તીર્થધામ સમું બની ગયું છે. ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટની સ્થાપનામાં પણ એમનો ફાળો મહત્વનો રહ્યો છે.
ગર્ભશ્રીમંત પરિવારના મોવડી હોવા છતાં તેમનું અંગત જીવન સાદગી અને કરકસરભર્યું હતું. તેઓ અત્યંત ચીવટવાળા હતા. તેમનું પુસ્તકાલય ડિકન્સ, દ્યુમા, રસ્કિન, સ્ટીવન્સન, ચર્ચિલ, મેકૉલે વગેરેનાં પુસ્તકોથી ભરપૂર છે. પૌરાણિક અને ધાર્મિક હસ્તપ્રતોનો આગવો અને સમૃદ્ધ સંગ્રહ તેમણે કર્યો હતો.
છેલ્લા થોડા સમયથી બીમાર પડ્યા તેથી લગભગ નિવૃત્ત હતા. અવસાન અગાઉ ત્રણ દિવસ પર તેઓ ‘અતુલ‘ની એક મિટિંગ માટે ગયા હતા. ત્યાં તબિયત બગડી અને અમદાવાદ પરત આવ્યા. ત્રીજે દિવસે ઈ. ૧૯૮૦ના જાન્યુઆરીની વીસમી તારીખે ૮૫ વર્ષ ૧ માસ અને ૧ દિવસની અવધે એમનું અવસાન થયું. કસ્તૂરભાઈએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ‘મારા અવસાનના શોકમાં એકે મિલ બંધ રહેવી ન જોઈએ.‘ એમ જ થયું. કસ્તૂરભાઈ પરલોક સિધાવ્યા છતાં તેમના બધા એકમોમાં કામ ચાલુ રહ્યું. મજૂરોને બે દિવસનો પગાર મળ્યો અને મજૂરકલ્યાણ ભંડોળમાં પરિવારે ૭-૮ લાખ રૂપિ‍યા જમા કરાવ્યા.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors