કાઠિયાવાડનું એક નાનું વવાણિયા ગામ. વવાણિયા મોરબી પાસે આવેલું નાનું બંદર. આ ગામમાં એક કૃષ્ણભક્ત રહે. એનું નામ પંચાણદાદા. પંચાણદાદનો પુત્ર રવજીભાઈ. અટક મહેતા. એ પણ કૃષ્ણભક્ત. આ રવજીભાઈનાં લગ્ન દેવબાઈ સાથે થયાં. દેવબાઈને જૈન સંસ્કાર મળેલા. ગંગા-જમનાના સંગમ જેમ કૃષ્ણપ્રેમ અને જૈન સંસ્કારથી મિશ્રિત એવું આ પતિપત્નીનું જીવન ઊંચા આદર્શોથી મહેકતું હતું.
સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા. આ દિવસને હિન્દુઓ દેવદિવાળીના પર્વ તરીકે ઉજવે. આવા પવિત્ર દિવસે દેવબાઈએ એક બાળકને જન્મ આપ્યો. પૂર્વજન્મનો કોઈ યોગભ્રષ્ટ આત્મા દેવબાઈની કૂખે અને રવજીભાઈના ઘરે જન્મ્યો હોય એવું લાગ્યું.
રવજીભાઈ વેપારી હતા. બાળકનું હુલામણું નામ પાડ્યું લક્ષ્મીનંદન. એ નામ પાછળથી બદલીને રાયચંદભાઈ રાખવામાં આવ્યું.
આપણા દેશની સંસ્કૃતિ એટલે ત્યાગ, પ્રેમ અને બલિદાનની સંસ્કૃતિ. આ દેશનો સંસ્કાર વારસો એવો વિરલ છે કે આ દેશમાં જન્મવા માટે આપણને ગર્વ અને ગૌરવ બન્ને થાય છે.
શૈશવકાળ
રાયચંદભાઈના શરીરનો બાંધો એકવડો, પરંતુ મન ખૂબ મજબૂત. ઉંમર નાની પણ યાદશક્તિ અદ્દભુત. સ્મરણશક્તિ એવી પ્રખર કે એકવાર કશું પણ વાંચે એટલે અક્ષરે અક્ષર યાદ રહી જાય. ગોખવાનો તો પ્રશ્ન જ ન હતો. પહેલેથી જ મેધાવી હતા.
નબળા શરીરમાં મજબૂત મન ધરાવનાર રાયચંદભાઈની યાદ શક્તિ ગજબની. નિશાળમાં દાખલ થયાને મહિનો પણ નહિ થયો હોય ત્યાં બધા આંક મોઢે થઈ ગયા. મોઢે થઈ ગયા એટલે ગોખી નાખ્યા એવું નહિ. સહજતાથી યાદ રહી ગયા, પ્રયત્ન કર્યા વિના જ સ્મરણમાં રહી ગયા. સ્મરણશક્તિ એવી પ્રબળ અને પ્રચંડ કે બે વર્ષમાં સાતે ધોરણની બધી ચોપડીઓ પૂરી કરી દીધી.
આમ નાનપણથી બીજા કરતાં તદ્દન જુદા પડી ગયા. પોતે તેજસ્વી હતા, પોતાની સ્મરણશક્તિ ગજબની હતી છતાં તેઓ બધા સાથે મળીમળીને રહેતા અને બધા સાથે પ્રેમાળ વર્તન રાખતા.
નાની ઉંમર પણ સમજ ઊંડી. સાચી સમજ અને પાકી સમજ..
શ્રીમદ્ રાજચંદ્રની કવિત્વશક્તિ
રાયચંદભાઈ પાછળથી શ્રીમદ્ રાજચંદ્ર તરીકે ઓળખાયા. શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અદ્દભુત. મેધાવી પણ ખૂબ જ. પ્રેમાળ અને બધાને ભેગા રાખી જીવનાર, પરંતુ સાથે સાથે કવિ હ્રદય પણ ખરું. કવિતા લખવા માટે કોમળ હ્રદય જોઈએ. લાગણીની અભિવ્યક્તિ આવડવી જોઈએ. આ બધું શ્રીમદ્ રાજચંદ્રમાં હતું. તેઓ શીઘ્ર કવિ હતા. પૂર્વ તૈયારી વિના કવિતા રચી શકતા.
આઠ વર્ષની નાની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને નાના નાના વિષયો પર પાંચ હજાર શ્લોકો રચ્યા. નવ વર્ષની ઉંમરે રામાયણ અને મહાભારત પદ્યમાં રચ્યાં. અગિયાર વર્ષની ઉંમરે નાનાં મોટાં છાપાંઓમાં લેખો લખતા હતા. અસામાન્ય પ્રતિભા સંપન્ન વ્યક્તિ જ આવું કરી શકે. લેખોની પરિપક્વતા એવી કે ઈનામો પણ મળવા લાગ્યાં. ઉંમરમાં નાના પણ વિચારોમાં પરિપક્વતા મોટા માણસની.
કાઠિયાવાડમાં અને કાઠિયાવાડની બહાર રાયચંદભાઈ કવિ તરીકે ખ્યાતિ પામ્યા.
ચમત્કારિક સિદ્ધિ
શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ ગજબની. સ્પર્શ દ્વારા વસ્તુ ઓળખવાની અજબની તાકાત. અંતઃકરણની શુદ્ધિ દ્વારા આ બધી સિદ્ધિઓ મળી હતી.
બે ત્રણ પ્રસંગો ટાંકીએ તો યોગ્ય ગણાશે. સને ૧૮૮૬ની સાલ. મુંબઈ નગરીમાં બનેલો બનાવ છે. થિયોસોફિકલ સોસાયટીના હૉલમાં સાંજે છ વાગે ભારે ભીડ જામી છે. બધા શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિની કમાલ જોવા ભેગા થયા છે.
સ્મરણશક્તિ અને કવિત્વ શક્તિનો કસબ દર્શાવવાનો હતો. અંગ્રેજી, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, લેટિન, સંસ્કૃત, બંગાળી, ફારસી અને ઝંદ એમ નવ ભાષાના જાણકારોને કાગળની ચબરખી આપી. દરેકને છ? શબ્દોવાળું એક વાક્ય લખવાનું કહ્યું.
દરેકને જણાવ્યું કે તમે લખેલા વાક્યના શબ્દો આડા અવળા બોલજો. હું બધાના શબ્દો સાંભળી એને એક સાથે વ્યવસ્થિત રીતે રજૂ કરીશ.
વળી એમણે કહ્યું કે તમે આડા અવળા શબ્દો બોલશો તે સમય દરમિયાન હું બે કવિતા રચીશ અને એ બંનેના રાગ જુદા હશે. એક ભાઈ ત્યાં બોલી ઊઠ્યા કે કવિતામાં રૂસ્તમજી નામ વણી લેશો તો આભારી થઈશ.
જુદી જુદી ભાષાના જાણકારો પોતે લખેલા વાક્યના શબ્દો આડા અવળા બોલ્યા. નવે ભાષાના શબ્દો સાંભળ્યા પછી શ્રીમદ્ રાજચંદ્ર ઊભા થયા અને સડસડાટ વાક્યો બોલી ગયા. અંગ્રેજી ભાષાના સજ્જન બોલ્યા હતા : \”બીન ઈન યુ એવર બૉમ્બે.\” તો એમણે જણાવ્યું, \”હેવ યુ એવર બીન ઈન બૉમ્બે.\” બધી ભાષાનાં વાક્યો બોલ્યા. આશ્ચર્ય તો એ વાતનું હતું કે એમને ગુજરાતી સિવાય કોઈ ભાષા આવડતી જ ન હતી.
એક બીજો પ્રસંગ એમની ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શ શક્તિનો ચમત્કાર દર્શાવે છે.
૧૯૮૭નું વર્ષ. શ્રીમદ્ રાજચંદ્રે ઓગણીસ વર્ષ પૂરાં કરેલા. ડૉ. પીટરસનના અધ્યક્ષપણા હેઠળ એક મેળાવડો યોજાયો.
સૌ પ્રથમ શ્રીમદ્ રાજચંદ્રને જુદા જુદા કદનાં બાર પુસ્તકો બતાવ્યાં અને તેમનાં નામ કહ્યાં; પછી શ્રીમદ્ રાજચંદ્રને આંખે પાટા બાંધી દીધા. ધીમે ધીમે તેમના હાથમાં પુસ્તકો મુકાતાં ગયાં. કેવળ સ્પર્શ કરીને તેમણે પુસ્તકોનાં નામ કહી દીધાં.
કોઈ પણ વ્યક્તિને જોઈને જ તેઓ કહી શકતા કે આ વ્યક્તિ ક્યા હાથે પાઘડી બાંધતી હશે.
સામી વ્યક્તિ, પશુ અને પ્રકૃતિ પર પોતાનો કેવો પ્રભાવ છે એનો બધાને ખ્યાલ આવ્યો.
સામી વ્યક્તિના મનમાં ચાલતા વિચારો જાણવાની પણ આવી વ્યક્તિમાં શક્તિ હોય છે. જે બનાવો બનવાના હોય તેની પૂરી જાણકારી તેમને થઈ જાય છે.
અષ્ટાવધાનીમાંથી શતાવધાની
શ્રીમદ્ રાજચંદ્ર સોળ વર્ષના હતા. સુજ્ઞ પુરુષોના સમાગમની ઈચ્છાથી વવાણિયા છોડી મોરબી આવ્યા. મોરબીમાં તે વખતે એક શાસ્ત્રી રહેતા હતા. નામ હતું શંકરલાલ માહેશ્વર ભટ્ટ. શાસ્ત્રીજી અષ્ટાવધાની હતા. અષ્ટાવધાની એટલે એકી સાથે જુદી જુદી આઠ (અષ્ટ) વસ્તુ તરફ ધ્યાન આપી (અવધાન) ભૂલ વગર આઠ ક્રિયાઓ બતાવવી. મુંબઈમાં ગટુલાલજી મહારાજ પણ આવા અષ્ટાવધાની હતા.
મોરબીમાં ઉપાશ્રયમાં શંકરલાલ શાસ્ત્રીના અષ્ટાવધાનીના પ્રયોગો શ્રીમદે જોયા ન જોયા, અને તેઓ પણ અષ્ટાવધાની થઈ ગયા. એકવાર ‘વસંત‘ નામના બગીચમાં મિત્રમંડળ સમક્ષ અષ્ટાવધાનનો સફળ પ્રયોગ કરી બતાવ્યો. તરત જ બીજે દિવસે બે હજાર પ્રેક્ષકો સમક્ષ બાર અવધાન કરી બતાવ્યાં. પછી તો પરંપરા શરૂ થઈ. જામનગરમાં જઈને વિદ્વાનો સમક્ષ બાર અને સોળ અવધાનો કરી બતાવ્યાં. એમને ‘હિન્દના હીરા‘ તરીકેનું બિરુદ અર્પણ કરવામાં આવ્યું.
આ પછી તો અવધાનોની સંખ્યા વધતી જ ચાલી. બોટાદમાં એક લક્ષાધિપતિ શેઠ શ્રી હરિલાલ શિવલાલની સમક્ષ બાવન અવધાન કરી બતાવ્યાં.
અંતે સને ૧૮૮૭માં ફરામજી ઈન્સ્ટિટ્યૂટ સમક્ષ શતાવધાની તરીકેની અદ્દભુત શક્તિનો પરિચય કરાવ્યો.
આધ્યાત્મિક મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્
શ્રીમદ્ રાજચંદ્રએ નિર્મળ જીવનવ્યવહાર અને શુદ્ધ અંતઃકરણ દ્વારા ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એના સંસર્ગમાં આવનારાને અનુભવો થતા હતા અને તેમનું મન શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ તરીકે સ્વીકારતું થયું હતું. ધારશીભાઈ પહેલાં પોતાની સાથે શ્રીમદ્ ને ગાદી તકિયે બેસાડતા, પણ પછીથી પૂજ્યભાવ એવો ઊંચો થયો કે શ્રીમદ્દને ગાદી તકિયે બેસાડી પોતે સામે બેસતા.
નિર્મળ જીવનવ્યવહારનો આ પ્રભાવ હતો. શ્રીમદ્દને લોકો ગુરુભાવે જોતા હતા, પણ શ્રીમદ્દના મનમાં ગુરુ બનવાનો રજમાત્ર ભાવ જાગ્યો ન હતો.
આપણને બાળપણના અનુભવો યાદ રહે છે તેમ શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાપુરુષોને પૂર્વ-જન્મનું સ્મરણ રહે છે. ગીતામાં ચોથા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે કે તારા અને મારા અનેક જન્મો થયા છે. તને એ બધા જન્મો યાદ નથી જ્યારે મને બરાબર યાદ છે. શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વજન્મનો સ્વીકાર કરતા અને એ વાત સાચી છે એવું ભારપૂર્વક માનતા. ૧૭ વર્ષની ઉંમરે એમણે રચેલી ‘પુષ્પમાળા‘ એ પુનર્જન્મની સાક્ષી છે એવું મહાત્મા ગાંધીજીએ પંડિત સુખલાલજીને કહેલું.
શ્રીમદ્ રાજચંદ્ર : ગાંધીજીના અધ્યાત્મ ગુરુ
ગાંધીજી ઉપર ઊંડી અસર કરનાર ત્રણ વ્યક્તિઓ હતી. એક રશિયાના મહાત્મા ટોલસ્ટોય, બીજા ‘અન ટુ ધી લાસ્ટ‘ ના રચયિતા રસ્કિન, જે પુસ્તકનું ગુજરાતી ગાંધીજીએ ‘સર્વોદયના સિદ્ધાંત‘ નામે કર્યું અને ત્રીજા શ્રીમદ્ રાજચંદ્ર.
મુસલમાન અને ખ્રિસ્તી ધર્મના ધુરંધરોએ ગાંધીજીને પોતાના ધર્મમાં ખેંચવા પ્રયત્ન કરેલો, પરંતુ તેઓ સફળ થયા નહિ તેનું શ્રેય શ્રીમદ્ રાજચંદ્રને ફાળે જાય છે. શ્રીમદ્ રાજચંદ્રના કારણે ગાંધીજીને ધર્મ અંગેની સાચી અને પાકી સમજ મળેલી તેથી એમને બીજે ક્યાંય જવાનું ઉચિત ન જણાયું.
શ્રીમદ્ રાજચંદ્રનું નિખાલસ અને પારદર્શક જીવન ગાંધીજીને પ્રભાવિત કરી ગયું. દંભરહિત અને કરુણાસભર જીવનવ્યવહાર એ જ સાચી આધ્યાત્મિકતા છે એવું એમને લાગ્યું. સામાની વાત સાચી હોય તો સ્વીકારવાની સહજ સરળતા શ્રીમદ્ રાજચંદ્રમાં હતી તે અવર્ણનીય હતી.
આત્મચિંતનમાં લીન રહેનાર શ્રીમદ્ પોતાના પહેરવેશ વિશે સભાન ન હતા. શરીરના રક્ષણ માટે કાંઈ પહેરવું જોઈએ એટલો જ માત્ર ખ્યાલ રાખે.