દશેરાના દિવસે પૂજાતું પવિત્ર વૃક્ષ – શમીવૃક્ષ
પરિચય :
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખીજડો, સમડી કે શમીવૃક્ષ (શમીવૃક્ષ, છોંકર)ના ૧૫ થી ૩૦ ફુટ ઊંચા કાંટાળા વૃક્ષ ઘણાં થાય છે. હિંદુઓ આ વૃક્ષને પવિત્ર માની દશેરાના દિવસે તેની પૂજા કરે છે. મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેતાભ, અંદરથી પીતાભ ભૂખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્પો થાય છે. ઝાડ પર ચોમાસામાં ૪ થી ૮ ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહે છે.
ગુણધર્મો :
ખીજડો (શમી-મોટો) તૂરો, કડવો, તીખો, રૂક્ષ, હળવો, શીતળ, રુચિકર્તા, સ્તંભક કે ગ્રાહી, કફ-દોષ શામક અને ભ્રમ, મગજની નબળાઈ, અરૂચિ, ઝાડા, હરસ, કૃમિ, રક્તપિત્ત, કોઢ, દમ, ખાંસી, કફ, કંપ તથા શ્રમનો નાશ કરે છે. એના ફળો તીક્ષ્ણ, પિત્તકર, મેધાકારક, ભારે, સ્વાદુ, રુક્ષ, ગરમ, કેશનાશક છે. બેઠી (નાની) ખીજડી-તૂરી, લૂખી, શીતળ, હળવી અને રક્તપિત્ત, ઝાડા, હરસ, કોઢ, શ્વાસ, કફ તથા સફેદ કોઢનો નાશ કરે છે. (નાની ખીજડી પંજાબ અને ઉત્તરપ્રદેશમાં જ વધુ થાય છે.)
ઔષધિ પ્રયોગ :
(૧) ખરજવું : ખીજડાના પાન દહીંમાં વાટીને લેપ કરવો.
(૨) પ્રમેહ- ગર્ભિણીની પ્રદર : ખીજડાનાં કુમળા પાન કે તોરા ૧૦ ગ્રામ અને જીરું ૩ ગ્રામ સાથે વાટી, ગાયના દૂધમાં ઉકાળી, ગાળી લેવું. પછી તેમાં ધોળા જાસુંદનું ફુલ ૫ ગ્રામ અને સાકર નાંખી, રોજ સવારના ૭ થી ૧૪ દિન પીવું.
(૩) વીર્યની ગરમી-ધાતુ પાતળી થવી : ખીજડાના કુણાં તોરા અને દેવ બાવળિયાના કુણાં તોરા સમભાગે લઈ, તેમાં થોડું જીરું નાંખી બારીક વાટી, સાકરવાળા દૂધમાં રોજ પીવું.
(૪) મૂત્રકૃચ્છ્ : ખીજડાના તોરા (મંજરી) કે પાન જીરું વાટી, ખાંડવાળા દૂધમાં નાંખી પીવું.
(૫) અંગની ગરમી : ખીજડાના તોરાનો કે પાંદડાનો રસ, જીરુ અને સાકર નાંખી ૧૪ દિન પીવો.
(૬) મૂત્ર માર્ગે ધાતુ જવી : ખીજડાના તોરા કે પાનનો રસ કે ચૂર્ણ દૂધમાં ઉકાળી તેમાં સાકર નાંખી રોજ પીવું.
(૭) સર્પ ઝેર : ખીજડાના પાનનો રસ, દર્દીને વારંવાર પાવો. વચ્ચે વચ્ચે ચોખ્ખું ઘી પણ પાવું. જેથી હ્રદયની રક્ષા થશે. ઝાડા-ઉલટી થઈ વિષ નાશ પામશે.
(૮) ન ફૂટતું ગૂમડું-ગાંઠ : ખીજડાની શિંગોના ચૂર્ણની લોપરી બનાવી ગાંઠ ઉપર રોજ મૂકવાથી તે પાકીને ફૂટી જશે.
(૯) વીંછીનો ડંખ : ઝાડની છાલ વાટીને ડંખ પર લેપ કરવો.
(૧૦) મૂત્રની અટકાયત : ખીજડાના પાન વાટી, લુગદી બનાવી ગરમ ગરમ નાભિ પર મૂકવાથી પેશાબ થશે. સાથે પાનના રસમાં જીરું અને સાકર ઉમેરી પાવું.
(૧૧) પેશાબ સાથે વીર્યસ્ત્રાવ : ખીજડાના કુણાં પાનનો રસ જીરું, સાકર અને ઘી નાંખી રોજ પીવો.
(૧૨) ગર્ભપાત ભય નિવારવા માટે : ખીજડાના પુષ્પો કે પાન વાટી, તેનું શરબત બનાવી રોજ પીવાથી ગર્ભપાત નહિ થાય.