વાયુ-કફનાશક ઘરેલું ઔષધિ – બામ (નેવરી, કડવી)
પરિચય :
ગુજરાતમાં કડવી નેવરી, કડવી લૂણી કે બાંબ અથવા બામ (જલનીમ, બામ, બાંબ) નામે ઓળખાતી ‘જલનેવરી‘ વનસ્પતિ ભેજવાળી-વધુ પાણીવાળી – જમીનમાં છાતલાની જેમ થાય છે. તેની મૂળમાંથી અનેક લાલ રંગની શાખાઓ નીકળે છે. જેની પર લૂણીનાં બારીક પાન જેવા, લીલા રંગના, લંબગોળ, સુંવાળા અને સામસામે અસંખ્ય પાન થાય છે. આ પાન રસાળ (ભરેલા)હોય છે. છોડ બહુવર્ષાયુ છે. તેની પર લીલા અથવા ધોળારંગનાં એક એક ફૂલ ૪ પુંકેસરવાળા આવે છે. ફૂલ સાથે છોડ પર ઈંડાકાર ગોળ ફળ થાય છે. જે દરેકમાં ૨-૨ ઘર હોય છે. તે દરેક ઘરમાં સૂક્ષ્મ અનેક બીજ હોય છે. ઘણાં લોકો ઘર આંગણે કુંડામાં તે વાવીને રાખે છે.
ગુણધર્મો :
બામ કે કડવી નેવરી સ્વાદે કડવી, તીખી, રેચક, ગરમ, ચીકણી, મળભેદક, હળવી, ઉષ્ણવીર્ય, કફ અને વાયુદોષ નાશક, ભૂખવર્ધક, પાચનકર્તા, વાયુની સવળી ગતિકર્તા, મૂત્રલ (પેશાબ લાવનાર), ઊલટી કરાવનાર, રક્તશોધક, મેઘાવર્ધક, પીડાશામક, હ્રદયોત્તેજક, પરસેવો લાવનાર, કરુ પૌષ્ટિક અને ગર્ભાશય સંકોચક છે. તે સોજો, પિત્ત, કફ, કોઢ, વ્રણ, ગાંડપણ, વાઈ, સંધિવા, તાવ તથા મગજના દર્દો મટાડે છે. (નવા અને તીવ્ર રોગમાં બામ ન આપવી. જૂના રોગમાં વાપરવી.)
ઔષધિ પ્રયોગ :
(૧) તાવ : નેવરીના પાન અને મરી સાથે ચાવી જવા કે નેવરીના પાનના રસમાં મરીચૂર્ણ નાંખી પીવું.
(૨) બાળકોને શરદી-ખાંસી કફનો ભરાવો : નેવરીના પાનનો રસ ચમચી જેટલો પાવાથી ઊલટી થઈ, કફ બહાર આવી જશે.
(૩) હરસ : ત્રિફળાના ચૂર્ણમાં નેવરીનો રસ મિલાવી, ગોળીઓ બનાવી રોજ ૨-૨ ગોળી લેવી.
(૪) અવાજ બેસી જવો : નેવરીનાં પાન ઘીમાં સાંતળી ખાવા.
(૫) પેટનું શૂળ : બામનાં પાન વાટીને પેટ પર લેપ કરવો.
(૬) ફોલ્લો – ગાંઠ પકવવા માટે : તેનાં પાનનો રસ થોડા ઘઉંના લોટમાં હળદરને મીઠું મિક્સ કરી, ગરમ કરી લોપરીની જેમ લગાવવું.
(૭) સોજા : નેવરીના પાનને વાટી તેનો રસ કાઢી, ગરમ કરીને સોજા પર લગાવવો.
(૮) વીંછીના ડંખ : નેવરી પાન વાટીને ડંખ પર લેપ કરવો.
(૯) ગાંડપણ, વાઈ, મૂર્ચ્છા – મગજ વિકારો : સારસ્વત ચૂર્ણ અથવા કઠ (ઉપલેટ)નું ૧૦ ગ્રામ ચૂર્ણ, તેમાં અક્કલકરાનું ચૂર્ણ ૨૫ ગ્રામ અને તજનું ચૂર્ણ ૨૫ ગ્રામ, મરીનું ચૂર્ણ ૨૫ ગ્રામ ઉમેરી, તેમાં નેવરીનો રસ ભેળવી, ગોળીઓ (ચણા જેવડી) વાળી, ૨-૨ ગોળી સવાર-સાંજ લેવી.
(૧૦) શીળસ : કાળા મરીનાના ચૂર્ણમાં નેવરીનો રસ નાંખી, તેને ખરલમાં ૧૨ કલાક બરાબર ઘૂંટી તેની ૧-૨ રતીની ગોળીઓ વાળી લો. તેની ૪-૪ ગોળી સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવવાથી નવું – જૂનું શીળસ મટે. બહારના ઢીમચાં પર અડાયા છાણાંની રાખ મસળવી.
(૧૧) પેશાબની અટકાયત : નેવરીના ૨-૨ ચમચી રસમાં જીરાની ભૂકી અને સાકર મેળવી દિનમાં ૩ વાર લો.
(૧૨) પથરી : નેવરીના તાજા ૧ ચમચી રસમાં ચપટી સૂરોખાર કે હજરત બેર પિષ્ટી ઉમેરી દિનમાં ૨-૩ વાર લેવું.
(૧૩) સંધિવાની પીડા : નેવરીના ૨ ચમચી રસમાં ૧ ચમચી ઘી નાંખી સવાર-સાંજ પીવું. નેવરીના રસમાં થોડું પેટ્રોલ કે કેરોસીન ભેળવી, તે પીડાના ભાગે માલિશ કરવું.