રાંઝણ તથા ખોડો મટાડનાર – પારિજાત (ફૂલ)
પરિચય :
પારિજાત (પારિજાતક, હારસિંગાર)ના ઝાડ ૨૫ થી ૩૦ ફુટ ઊંચાઈના, નવી ડાળીઓ ચોરસ, પેચી, છાલવાળા પોચી, રાખડી, ખરબચડા બંને તરફ રુંવાટી વાળા થાય છે.તેની પરના ૪ ખૂણાવાળા નારંગી રંગના, ખૂબ કોમળ અને નાના, મનોહર, સુગંધિત ૩ થી ૫ના ગુચ્છામાં પુષ્પો થાય છે. પુષ્પની નળી કેસરી રંગના તોરણવાળી થાય છે. તેના પુષ્પોની સુગંધ દૂર સુધી ફેલાય છે. ડાળને હલાવતા ઘણા પુષ્પો આપોઆપ ખરવા લાગે છે. ખાનગી કે જાહેર બાગમાં તે ખાસ તેની મનમોહક સુગંધ માટે વવાય છે. ભારતમાં સર્વત્ર થાય છે.
ગુણધર્મો :
પારિજાત રસમાં કડવી-તીખી; કરુ પૌષ્ટિક, અનુલોમક, પિત્તદ્રાવક, ઉષ્ણવીર્ય, ગરમ, કફશામક, આંતરડા તથા લીવર પર પ્રભાવક, લૂખી, વાયુનાશક, સંઘિ પીડાનાશક તથા ગુદતાવ, તાવ, ખાંસી, આમવાત અને રાંઝણ (સાયેટિકા)માં ખાસ લાભ કરે છે. તેનાં ફૂલ કડવા મીઠા અને હોજરી માટે પૌષ્ટિક, પેટનો વાયુ મટાડનાર, ગ્રાહી, સોજો-દાહ મટાડનાર અને વાળ માટે હિતકર છે. પાન-જીર્ણજ્વર તથા રાંઝણને મટાડે છે. તેના બીજ હરસ, ચામડીના રોગ મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) રાંઝણ (સાયેટિકા), આમવાત અને કફનો તાવ : પારિજાતના પાન, નગોડના પાન અને સૂંઠનો ઉકાળો કરી, મધ કે જૂનો ગોળ નાંખી રોજ પીવું
(૨) કૃમિ : પારિજાતના પાનનો રસ ૧ ચમચી સાકર કે ગોળ સાથે સવાર-સાંજ દેવો.
(૩) તાવ (નવો-જુનો) તથા કમર પીડા : પાનના રસમાં મધ મેળવીને રોજ સવાર-સાંજ પીવું.
(૪) ગરમી- પિત્તદોષ : પાનના ઉકાળા કે રસમાં સાકર તથા ઘી નાંખી પીવું.
(૫) ખરજવું : પારિજાતના પાન દૂધ કે લીંબુના રસમાં વાટીને લેપ કરવો.
(૬) ગલગંડ : પારિજાતના પાન, વાંસના પાન તથા લીમડાના પાન વાટી ગાંઠ-ગલગંડ પર ગરમ કરી, લોપરીની જેમ મૂકવું.
(૭) વાળનો ખોડો : પારિજાતના બીયાનું ચૂર્ણ પાણી કે છાશમાં વાટીને માથાના વાળના મૂળમાં રાતે ભરી દેવું. સવારે માથું લીમડાના સાબુ કે શેમ્પુથી ધોઈ લેવું.
(૮) શ્વાસ (કફદોષજ) : પારિજાતના ઝાડની છાલનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું નાગરવેલના પાનમાં મૂકી ચાવવા દેવું. જરૂર પડે બીજી વાર પણ અપાય.
(૯) પ્લીહોદર : પારિજાત, એખરો અને અધેડાનું ચૂર્ણ ક્ષાર તેલ સાથે આપવું.
(૧૦) બહુમૂત્ર : પારિજાતના ફૂલ ૪-૫, નંગ ચપટી અજમા સાથે રોજ ચાવી જવા