કફ, વાયુ અને પેટના દર્દોની વનસ્પતિ – ધોળો ચંપો
પરિચય :
ચંપો (શ્વેતચંપક, સફેદ ચંપા)નું ઝાડ મધ્યમ ઊંચાઈ અને વધુ ફેલાવાવાળુ થાય છે. તેની ડાળીઓ કમજોર હોઈ જલ્દી તૂટી જાય છે. આખા ઝાડમાં દૂધ જેવો રસ હોય છે. તેના પાન આંબાના પાન જેવા પણ વધુ લાંબા, પહોળા, દળદાર તથા લીલા રંગના થાય છે. તેની પર વસંતઋતુમાં ૫ પાંખડીવાળા, સફેદ, દળદાર અને જરાક રાતી આભાવાળા ફૂલ થાય છે. તેની વચ્ચેની નાળ, સુંદર પીળા રંગની હોય છે ફૂલમાં હળવી મીઠી સુગંધ હોય છે. જૂના ઝાડમાં ક્યારેક શીંગો થાય છે. આ વૃક્ષ ખાનગી તથા જાહેર બાગ-બગીચામાં ખાસ જોવાય છે.
ગુણધર્મો :
ધોળો ચંપો કડવો, તીખો અને તૂરો, ઉષ્ણવીર્ય, ગરમ, સારક અને ચળ, કોઢ, વ્રણ (જખમ), વાયુ દોષ, ઉદર રોગ, સોજા તથા આફરાને મટાડે છે. ઝાડની છાલ કડવી – તીખી, તીવ્ર, રેચક મૂત્રલ અને તરિયા તાવ, વાયુ સોજો અને રક્તવિકાર મટાડે છે. મૂળની છાલ તીવ્ર વિરેચક છે. ચંપાના ફૂલ ચાંદી, લોહી વિકાર અને શીત (મેલેરિયા) તાવ મટાડે છે. તેનું દૂધ કે રસ ત્વચા પર દાહ પેદા કરનાર, રેચક અને ચળ તથા કોઢનાશક છે. પાન વ્રણ (જખમ)ના સોજા મટાડે છે. ચંપો ગરમ હોઈ ગરમ તાસીરવાળાએ ન વાપરવો.
ઔષધિ પ્રયોગ :
(૧) વાયુ દોષથી અંગની બહેરાશ (શૂન્યતા) : ચંપાનો રસ અંગ પર ચોપડવો અથવા ચંપાના પાન ગરમ કરી તે વડે અંગને શેકવા દેવા.
(૨) ગડ-ગુમડાં અને ગાંઠો : ચંપાના દૂધ કે પાનને વાટીને તેની લુગદી લગાડવી.
(૩) રેચ લેવા માટે : ચંપાની છાલનું ચૂર્ણ કોપરા સાથે લેવું. વધુ રેચ બંધ કરવા – (ઉતાર) – ભાતમાં ઘી અને સાકર નાંખી લેવું.
(૪) ટાઢિયો તાવ : ચંપાના ફૂલની કળીઓ તેના ડીંટા સાથે તુલસીના કે નાગરવેલના પાનમાં મૂકી, ૩ બીડા બનાવો. તાવ આવ્યા પહેલા ૧-૧ કલાકના અંતરે ૧ બીડું દર્દીને ચવડાવવું.
(૫) ખસ-ત્વચા રોગ : ચંપાનું દૂધ અને કોપરેલ તેલ મિશ્ર કરી, તેમાં કપૂર મેળવી, દર્દ પર ચોપડવું.
(૬) રક્ત વિકાર તથા ચાંદી (ઉપદંશ) : ચંપાની છાલનો ઉકાળો કરી પાવો. શરૂમાં ઝાડા થશે. ઉકાળાથી વધુ ઝાડા થાય કે ગરમી થાય તો તાજી મોળી છાશ પીવી.
(૭) જળોદર : ચંપાની છાલનો ઉકાળો કરી સવારે ૧ વાર કે સવાર-સાંજ ૨ વાર પાવો.
(૮) ગળત કોઢ : તાજી છાલ ૧૦ ગ્રામ સાથે ૧૦ નંગ કાળા મરી બારીક વાટી, તેમાં ૧૦૦ ગ્રામ પાણી મેળવી ગાળીને સવારે ૨ વાર જ પાવું. શરૂમાં ઝાડા-ઉલટી થશે. વેગ શમ્યા પછી વધુ ઘી વાળી ખીચડી કે ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો દેવો. દર્દીએ આ પ્રયોગમાં ઘી વધુ લેવું.
(૯) સંધિવા : ચંપાનું દૂધ દર્દ પર લગાડવું.
(૧૦) દાદર-ખુજલી-ત્વચા રોગ : ચંપાનું દૂધ (રસ)માં ચંદનનું તેલ કે કોપરેલ અને કપૂર મેળવી લગાડવું.
(૧૧) સર્પવિષ : ચંપાની ફળી મળે તો તે લાવીને તેને દૂધમાં બાફીને સાચવી રાખવી. જરૂર પડે ત્યારે શીંગ (ફળી)ને પાણીમાં ઉકાળી, ગાળીને પાવું અથવા ચંપાની છાલ અને બીલીની છાલ સાથે ખાંડી, તેનો રસ કે ઉકાળો કરી ૫૦૦ ગ્રામ સુધી પાવો, તેનાથી ઝેર, ઝાડા-ઉલટી થઈ બહાર નીકળશે. આ દર્દીને વારંવાર ચોખ્ખું ઘી પણ પાવું.