શ્વાસ, સોજા અને પીડાહર – ધંતૂરો
પરિચય :
ઉકરડા, વેરાન કે ખાલી જગ્યામાં આપમેળાએ ઊગતા ધંતૂરા (ધતૂર, ધતૂરા)ના છોડ ગુજરાત-ભારતમાં સર્વત્ર થાય છે. તેની સફેદ ફૂલની અને બીજી કાળા ફૂલની એવી બે જાતો થાય છે. તેનો છોડ ૨ થી ૪ ફૂટ ઊંચો, આડી-અવળી અનેક શાખાવાળો અને પહોળા દાંતાવાળા પાનવાળો થાય છે. તેની પર ઊભી ચલમ આકારના જરા મધુર પણ ઉગ્ર વાસવાળા અને લાંબા ધોળા કે કાળા રંગના ફૂલ થાય છે. છોડ પર મોટા લીંબુ જેવડાં અને કાંટાવાળા, ગોળાકાર ફળ થાય છે. ધંતૂરો સૌથી વધુ ઝેરી છે. વૈદ્યો તેનો ખૂબ ઉપયોગ કરી, તેમાંથી અનેક દવાઓ બનાવે છે. ખાવામાં ધંતૂરાની શુદ્ધિ કરી વપરાય છે. ધંતૂરાના બીજ ૨-૩ રતીથી વધારે અપાય તો મૂર્ચ્છા, ગાંડપણ કે મરણ થાય છે.
ગુણધર્મો :
ધંતૂરો તૂરો, કડવો, મધુર, તીખો; ગરમ, જઠરાગ્નિવર્વધક, મદકારક, ગ્રાહી, ઊલટીકર્તા, ભારે, ત્વચાનો રંગ સુધારનાર અને તાવ, કોઢ, વ્રણ (જખમ), કફ, સળેખમ, શ્વાસ, ખુજલી (ચળ), કૃમિ, સોજા, જંતુ, દાદર, ચોથિયો તાવ, પેટના દર્દો, લાપોટિયું, હડકવા અને (પ્રાણીજ) ઝેર મટાડે છે.
નોંધ :
ધંતૂરો ઝેરી હોઈ તે ખાસ બહારના પ્રયોગોમાં વપરાય છે. ખાવામાં તેના પાનનું ચૂર્ણ અર્ધા થી દોઢ રતી (ગુંજા), બી પા થી અર્ધા રતી, અને ધુમ્રપાન (ચલમ) માટે તેના પાન ૨ થી ૪ ગ્રામ જેટલી માત્રામાં લેવાય છે. દર્દીની તાસીર જોઈને તે દેવો.
ઔષધિ પ્રયોગ :
(૧) લાપોટિયું –(મમ્પ્સ) 😕 ધંતૂરાના પાનનો રસ જરીક ચૂનો અને ગોળ એકઠાં કરી, તેનો ગલફોરા પર લેપ કરવો.
(૨) સર્પદંશ : અન્ય કોઈ દવા-ઉપાય ઉપલબ્ધ ન હોય તો કાળા ધંતૂરાનું મૂળ પાણીમાં ઘસીને થોડું પાવું. તે પછી થોડી વારે દર્દીને ચોખ્ખું ઘી ખૂબ પાવું. દર્દીની આંખમાં અરીઠાને ઘસીને તેનો ઉતાર આંજી તેને ઊંઘવા(સૂવા) ન દેવો. જરૂર પડે ફરી ફરી દવા પાવી. ઝાડા-ઉલટી વાટે ઝેર બહાર નીકળે તે જોવું.
(૩) સોજા : ધંતૂરાના પાનનો રસ અને કળીચૂનો ભેગા કરી, ગરમ કરી સોજા પર લેપ કરવો કે ધંતૂરાનું મૂળ ગૌમૂત્રમાં ઘસીને સોજા પર લેપ કરવો.
(૪) વીંછીનો ડંખ : ધંતૂરાના પાનનો રસ ડંખ પર વારંવાર મૂકવો.
(૫) ખસ : કાળા ધંતૂરાના બિયાનું ચૂર્ણ કરી, લીંબોડી કે કણઝીના તેલમાં ઘૂંટી, લેપ કરવો.
(૬) અર્ધાંગ વાયુ : ધંતૂરાના બિયાનું તેલ બનાવી, શરીરે ચોળવું.
(૭) ચોથિયો તાવ : ધંતૂરાના પાનનો રસ ૪ થી ૫ ગ્રામ જેટલો લઈ, દહીંમાં તાવ ચડતા પહેલા ૧ કલાક અગાઉ દેવો.
(૮) પેટ પરનો સોજો (શોફોદર) : પેટ ઉપર કાળા ધંતૂરાના પાનનો રસ ચોપડવો.
(૯) શ્વાસ : ધંતૂરાના પાન, તમાકુ પાન, અજમો અને જવાસો સમભાગે ખાંડી, ચલમમાં તેની બે ચપટી નાંખીને પીવડાવવું (ધૂમાડી લેવડાવવી).
(૧૦) સ્તન સોજો : ધંતૂરાના પાનના રસમાં મધ મેળવીને અથવા પાનને વાટીને તેનો સ્તન પર લેપ કરવો. પણ બાળકને ધવડાવતા પહેલાં સ્તનને પાણીથી બરાબર સાફ કરી લેવા. સ્તનની ડીંટડી પર લેપ ન કરવો.
(૧૧) પીડા શૂળ : ધંતૂરાના પાન બાફીને ગરમ ગરમ પીડાવાળા ભાગે બાંધવા.