હ્રદયરોગની મહાન ઔષધિ – અર્જુન (ધોળો સાજડ)
પરિચય :
આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન (અર્જૂન, કોહ, કૌહા) કે ધોળા સાજડ (સાદડા)નું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. તેનાં પાન ૩ થી ૬ ઇંચ લાંબા જામફળીના પન જેવા અને ફૂલ સફેદ રંગના નાના કદના તથા ફળ કમરખ જેવા લીલાપીળા એક થી દોઢ ઇંઝ સાઈઝના, ઇંડાકાર અને ૪ થી ૭ ધરી ધરાવતા હોય છે. તેની છાલ, પાન અને ફળ દવામાં વપરાય છે. છાલ ગાંધી-કરિયાણાના વેપારી પાસે મળે છે. આજકાલ અર્જુનમાંથી અનેક દેશી દવાઓ, દેશી દવાવાળાને ત્યાંથી તૈયાર મળે છે. ગુણધર્મો :
અર્જુન (સાદડ-સાજડ) સ્વાદે તૂરો-ગળ્યો, ગુણમાં જરા ઠંડો અને કાંતિકારક, બળવર્ધક, પચવામાં હળવો, વ્રણ (જખમ) શુદ્ધ કરનાર અને કફ, પિત્ત તથા વિષદોષનો નાશ કરે છે. અર્જુન સંધિભંગ (મચકોડ), અસ્થિભંગ (ફ્રેકચર), શ્રમ, તૃષા, દાહ, પ્રમેહ, વાયુ, હ્રદયરોગ, પાંડુરોગ, વિષબાધા, મેદવૃદ્ધિ, રક્તદોષ, દમ, ક્ષત (ચાંદુ) અને ભસ્મક રોગોનો નાશ કરે છે. અર્જુન હ્રદયરોગની ખાસ દવા છે. તે હ્રદયની ધમનીમાં જામેલ લોહીને વિખેરી નાંખે છે. લોહીના પ્રમાણમાં વધારો કરે છે, હ્રદયનો સોજો અને રક્તમાંના કોલેસ્ટ્રોલ (ચરબી તત્વ) ને ઘટાડે છે. તે લોહીનું દબાણ ઘટાડે છે તથા પેશાબ સાફ લાવી દર્દીનું આયુષ્ય, આરોગ્ય અને? દેહકાંતિ વધારે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) હ્રદયરોગ : અર્જુન છાલનું ચૂર્ણ ૩ ગ્રામ રોજ મધ સાથે સવાર લેવું. અથવા તે ચૂર્ણની ટેબલેટ કે અર્જુનારિષ્ટ નામની પ્રવાહી દવાની ૩-૪ ચમચી રોજ પીવાથી હ્રદયના અનેક રોગોમાં આશાતીત લાભ થાય છે.
(૨) હ્રદયરોગ, જીર્ણ તાવ અને રક્તસ્ત્રાવ : અર્જુનછાલ ચૂર્ણ તથા જેઠીમધ ચૂર્ણ સમભાગે મેળવી ૧ ચમચી જેટલું ઘી, દૂધ કે ગોળના શરબત સાથે રોજ લેવું.
(૩) ચહેરાનાં ખીલ : અર્જુન છાલના ચૂર્ણમાં દૂધ મેળવી, ખીલ પર રોજ લગાવો.
(૪) લોહી પડતા હરસ : અર્જુના છાલ, સોનાગેરૂ, ગળોસત્વ અને ગુલાબનાં પાન સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી સવાર-સાંજ ઘી-સાકરમાં લેવાથી દર્દ મટે.
(૫) હાડકાનું ફ્રેકચર : રોજ અર્જુનછાલ ચૂર્ણ ૫ ગ્રામ જેટલું દૂધમાં બે વાર લેવું.
(૬) રક્તપિત્ત (રક્તસ્ત્રાવ) : રોજ ચોખાના ધોવણ સાથે અર્જુનછાલ તથા લાલ ચંદનનું ચૂર્ણ ૫ ગ્રામ સવાર-સાંજ લેવાથી, કોઈ પણ જાતનો (કુદરતી છિદ્રમાર્ગેથી થતા) રક્તસ્ત્રાવ બંધ થાય છે.
(૭) ટી. બી. (ક્ષય) ની ખાંસી અને પિત્તરોગ : અર્જુનછાલને અરડૂસીના પાનના રસની ૨૧ ભાવના (પુટ)આપી, તેનું ચૂર્ણ બનાવી, તે રોજ ૫ ગ્રામ દવા મધ, ઘી અને ખડી સાકર સાથે ચાટવું.
(૮) વ્રણ-જખમ (ઘા): અર્જુનછાલનો ઉકાળો કરી, તે વડે જખમ ઘોવો. પછી તેનું બારીક ચૂર્ણ ઘામાં ભરી પાટો બાંધવો. તેથી જખમ જલદી રૂજાઈ જશે.