ચામડીનાં દર્દો મટાડનાર અકસીર ઔષધિ – કુંવાડિયો
પરિચય :
ગુજરાત તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ) ૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા વળેલી, પાતળી અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ જેવા ૨૦-૩૦ બીજ હોય છે. પાન, તેની છાલ અને બીજ દવામાં વપરાય છે.
ગુણધર્મો :
કુંવાડિયાનો સ્વાદ કડવો, ખારો – મીઠો ; ગુણમાં હળવો, ઠંડો, લૂખો, દેહકાંતિ તથા કોમળતા વધારનાર અને ચળ, ખસ, ખરજવું, કોઢ, શીળસ જેવા ત્વચાનાં દર્દો; વાયુ, પિત્ત-કફ, દમ, ખાંસી, વિષ, સોજો, ગોળો, કૃમિ, શ્વાસ, વાતરક્ત (ગાઉટ) જેવા દર્દો મટાડે છે. કુંવાડિયાનાં બીજ ગરમ, તીખા, લૂખા, ઉષ્ણવીર્ય, સંકોચક, વાયુની સવળી ગતિકર્તા, કફ દોષ બહાર કાઢનાર, પાચક અને ભૂખવર્ધક, બળ દેનાર, અને ત્વચાનાં દર્દો, મેદસ્વિતા, કૃમિ, વિષ, લકવા, અડદિયો વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, ખાંસી, શ્વાસ તથા હ્રદયરોગ મટાડે છે. કુંવાડિયો ચામડીના તમામ દર્દોમાં ઉત્તમ લાભ કરે છે.?
ઔષધિ પ્રયોગ :