કફદોષનાશક અને વાળ કાળા કરનાર – બહેડાં
પરિચય :
પથરાળ અને ચૂનાવાળી જમીન પર તથા જંગલોમાં ખાસ થનારા બહેડા (બિભીતક, બહેડા)ના ઝાડ ૧૫ થી ૧૦૦ ફુટ ઊંચા, હરડેના ઝાડ જેવા થાય છે. એના પાન વડના પાન જેવાં ૩ થી ૬ ઈંચ લાંબા ઈંડાકાર પણ જરા પહોળાં, તામ્રવર્ણના, જરા દુર્ગંધયુક્ત થાય છે. તેની ઉપર ૩-૬ ઈંચ લાંબી સળી ઉપર નાના નાના પીળાશ પડતાં પુષ્પોની મંજરી આવે છે. બહેડાના ફળ ૧ ઈંચ લાંબા, ભૂખરા (ધૂળિયા)રંગના અને ઉપર જાડી છાલ પણ વચ્ચે કઠણ ઠળિયો હોય છે. તે ઠળિયામાં વચ્ચે સફેદ મીંજ હોય છે. દવામાં પ્રાયઃ બહેડાં ફળની ઉપરની છાલ અને ઠળિયાના મીંજ કે મીંજનું તેલ વધુ વપરાય છે. હરડે, બહેડા અને આમળા-જેને ‘ત્રિફળા‘ કહે છે, તે આયુર્વેદમાં ખૂબ વપરાતી ઔષધિ છે.
ગુણધર્મો :
બહેડાં સ્વાદે તૂરાં, કડવાં, તીખાં અને મધુર હોય છે. ગુણમાં તે હળવા, ગરમ, લૂખા, મળભેદક, આંખને હિતકર તથા વાળ કાળા કરનાર અને કેશવર્ધક છે. તે રક્તસ્તંભક, પીડાશામક, ધાતુવર્ધક, કફ-પિત્તશામક, કેશવર્ધક અને કફ, શ્વાસ, ખાંસી, સોજા, મંદાગ્નિ, આફરો, તરસ, ઊલટી, હરસ, કૃમિ, વાળ સફેદ થવા, શરદી, અવાજ બેસી જવો, લોહીની ઊલટી થવી, નેત્ર રોગ, નાકના રોગ અને લોહીના રોગ મટાડે છે. ફળનો ગર્ભ તૂરો, હળવો, ગરમ, માદક (કેફી), પીડાશામક અને સોજો મટાડનાર છે. તે તૃષા, વમન, ખાંસી, શ્વાસ, હેડકી, નેત્રવિકારો, નાકના દર્દો, કૃમિ તથા અનિદ્રાનાશક છે તે કેશ માટે હિતકર છે. પણ વધુ માત્રામાં અફીણ જેવી કેફી હોઈ અલ્પ માત્રામાં લેવી. બી (બહેડાં મીંજ)નું તેલ : સ્વાદુ, શીતળ, ભારે, વીર્યવર્ધક, કાંતિવર્ધક, કફજનક, સફેદ કોઢ અને સફેદ વાળ, સોજા દાહ, ખુજલીનો નાશકર્તા છે.
ઔષધિ પ્રયોગ :