પરિચય :
દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોરવાડમાં તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી-વલસાડ તરફ નાગરવેલ (નાગવલ્લી, તામ્બુલ પત્ર)ની બહુવર્ષાયુ અને પ્રસરણશીલ વેલ થાય છે. આપણે પાનવાળાની દુકાને જઈ, જે ‘તાંબુલ‘ પાન ખાઈએ છીએ, તે નાગરવેલના જ પાન હોય છે. માત્ર ભારતમાં જ તે વિવિધ પ્રદેશોમાં થાય છે. તેની પ્રદેશ મુજબ અનેક જાતો થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી ભોજન પછી પાન ખાવાની પ્રથા છે. નાગરવેલ ૧૫-૨૦ ફુટ લાંબી, મજબૂત ગાંઠોવાળી હોય છે. તેના પાન ૩ થી ૮ ઇંચ લાંબા, હ્રદયાકાર, સાત શિરાવાળા, ચીકણા, આગળથી અણીદાર અને લીલા કે પોપટી રંગના થાય છે. તેની ડાળી પર એકલિંગી પુષ્પો ગુચ્છામાં આવે છે. ફળ ગુચ્છામાં, નાના નાના ૧/૪ ઈંચ લાંબા, ચપટા ભરેલા હોય છે. નાગરવેલ પાનમાં ઘણા વૈદ્યકિય ગુણો છે. તેથી તે ઔષધરૂપે પણ વપરાય છે. વેલના પાન, ફળ અને મૂળ ઔષધરૂપે વપરાય છે. ખાવામાં કાચા કરતાં પાકું પાન ઉત્તમ છે.
ગુણધર્મો :
નાગરવેલ મધુર, તીખી, કડવી, તૂરી, ગરમ, વાતકફશામક, પિત્તકર્તા, ભૂખ-રૂચિ-વર્ધક, પાચનકર્તા, દેહકાંતિવર્ધક, વાયુની અનુલોમનકર્તા, દુર્ગંધવિનાશક, મુખશુદ્ધિકર, મુખ-લાળવર્ધક, હ્રદયોત્તેજક, વાજીકર, ઠંડીનાશક, કટુપૌષ્ટિક, વશીકરણકર્તા, વ્રણરોપક, પીડાશામક અને વાતરક્ત (ગાઉટ), જૂની શરદી, ખાંસી, ચળ, કૃમિ, સોજા, તાવ આદિ મટાડે છે. કાંતિકર, બળવર્ધક, ત્રિદોષનાશક, કામોત્તેજક અને વાયુ-કફદોષ નાશક તથા પેટના દર્દો મટાડનાર છે. ખૂબ વધુ પડતા પાન ખાવાથી નુકસાન થાય છે. તાંબુલ-પાનમાં ચૂનો, કાથો ચોપડી, તેમાં સોપારી, તજ, લવિંગ કે વરિયાળી નાંખી, ભોજન પછી લેવાથી મુખશુદ્ધિ થાય છે અને ખાવાનું સારી રીતે હજમ થાય છે. પાનમાં તમાકુ ન ખાવી જોઈએ.