કાંટાળી વનસ્પતી – થોર
થોરની અનેક જાતો છે. તેમાં ત્રિઘારો, ચોઘારો, ગોળ, ડાંડલિયો, ખરસાણી, હાથલો વગેરે મુખ્ય છે, જે વાડ તરીકે કામ આવે છે. ડ્રોઇંગ રૂમની સજાવટ માટે બીજા અનેક પ્રકારના કેકટ્સ જોવા મળે છે. આપણે ત્યાં ત્રિઘારો અને ખરસાણી થોર દવામાં વપરાય છે.
થોરનો રસ કડવો, તાસીરે ગરમ, પચવામાં હલકો, ચીકાશવાળો, જલદ, કફ-વાતહર, તીવ્ર વિરેચક અને મળને તોડનાર છે. પાંડુ, પેટના રોગ, ગોળો, ઝેર, જલોદર, સોજા, પ્રમેહ, ગાંડપણ, કબજિયાત વગેરેમાં તે ખાસ આપી શકાય.
થોરનું દૂધ, તેના પાન વગેરે ઔષધ તરીકે વપરાય છે. પેટમાં દુઃખતું હોય તો થોરના દૂધનો પેટ ઉપર લેપ કરાય. એ જ રીતે સાંધા દુઃખતા હોય તોપણ થોરના દૂધનો લેપ કરાય.
ગૂમડું પાકતું ન હોય તો થોરના પાન બાંધવાથી ગૂમડું ફાટી જાય છે.
મેલેરિયા અને કમળાના રોગીને થોરના કૂણાં પાન બાફીને આપવા જોઈએ.
મૃદુ કોઠાવાળાએ થોરનો ઉપયોગ કરવો નહિ.