વાળવર્ધક અને ત્વચા રોગહર – ચણોઠી (ગુંજા)
પરિચય :
ચણોઠીનાં અનેક પાતળી – લચકદાર ડાળીની વર્ષાયુ, સુંદર ચક્રારોહી, પરાશ્રયી વેલ (લતા)ગુજરાત – ભારતમાં સર્વત્ર ખેતરોની વાડ કે જંગલની ઝાડીઓમાં થાય છે. તેનાં પાન આમલીના પાન જેવા, પણ જરા મોટાં, સંયુક્ત, ૮ થી ૨૦ જેટલી જોડમાં, અર્ધા થી એક ઈંચ લાંબા અને અર્ધા ઈંચ પહોળાં થાય છે. શરદ ઋતુમાં તેના પર ગુલાબી કે ભૂરારંગના ગુચ્છામાં પુષ્પો્ થાય છે. વેલ પર એક થી દોઢ ઈંચ લાંબી, અર્ધો ઈંચ પહોળી, રૂંવાટીદાર, લાંબી શીંગ ગુચ્છામાં થાય છે. તેમાં લાલ, સફેદ કે કાળા રંગની, ઈંડાકાર, નાની ચીકણી, ચમકદાર, અને કડક ૨ થી ૬ દાણા (બી) હોય છે. તેને જ ચણોઠી, ગુંજા કે રત્તી કહે છે. દવામાં લાલ અને કાળી ચણોઠીના મૂળ, ફળ, પાન વગરે વપરાય છે. આ વનસ્પતિ અલ્પ ઝેરી હોઈ, ખાવામાં વાપરતા પહેલા-ચણોઠી પોટલીમાં બાંધી, ડોલાયંત્રમાં કાંજીથી ૩ કલાક બાફ દઈ પછી શુદ્ધ પાણીથી ધોઈ, તેની ઉપરનાં ફોતરાં તથા અંદરની જીભી કાઢીને વપરાય છે. બાહ્ય પર્યોગમાં તે મૂળ સ્વરૂપે વાપરી શકાય છે.
ગુણધર્મો :
ચણોઠી મધુ, કડવી, તૂરી, બળપ્રદ ગરમ, ત્વચા માટે હિતકર, વાળ ખરતા અટકાવી – નવા ઉગાડનાર, તથા વૃષ્ય? છે. તે નેત્રરોગ, ઝેર, પિત્ત, ઊંદરી, વ્રણ, કૃમિ, કફ, તાવ, મુખરોગ, વાયુ, દમ, તરસ મટાડે છે. બીજ (ચણોઠી) વધુ માત્રામાં ઊલટી કરનાર, કોઢ મટાડનાર, વ્રણરોપક, પીડા શામક, કેશ્ય, ગર્ભ નિરોધક, ઝેરી (શુદ્ધ કરેલ) વીર્યવર્ધક, કટુ – પૌષ્ટિક, નાડીને ઉત્તેજક, તાવ, ભ્રમ, શ્વાસ, ચળ, કૃમિ તથા ઊંદરી મટાડે છે. તેનાં પાન – મૂત્રલ, સોજો પીડા અને શૂળ મટાડનાર તથા કફ બહાર કાઢનાર છે.?