સોજા, મારચોટની ઔષધિ – આવળ
પરિચય :
સૌરાષ્ટ્ર – ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં વન-વગડામાં, રસ્તાની પડખે કે પડતર જમીનમાં આવક (આવર્તકી, ખખસા) નાં નાનાં છોડ વ્યાપક પણે જોવા મળે છે. છોડ ૩ થી ૬ ફુટ ઊંચા, અનેક ડાળીવાળા, આમલીનાં પાન જેવા દરેક સળી ઉપર ૮ થી ૧૨ સંયુક્ત પાન, ફૂલ પીળા રંગનાં, નાનાં અને ગુચ્છામાં થાય છે. તેની ઉપર લાંબી, ચપટી, તપખીરી રંગની શીંગ થાય છે. જેની અંદર ગોળ-ચપટાં ૧૦-૧૨ બીજ થાય છે. આવળની છાલ કપડાં તથા ચામડા રંગવા ખાસ વપરાય છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ અને પંચાંગ દવા રૂપે વપરાય છે.
ગુણધર્મો :
લોક વૈદકમાં વધુ વપરાતી આવળ સ્વાદે કડવી – તૂરી – તીખી, ગુણે ઠંડી, લૂખી, ઝાડાને રોકનારી, પેશાબ સંચયકર્તા, પ્રબલ સ્તંભક, કફ- પિત્તદોષ શામક, શીતવીર્ય, પૌષ્ટિક અને આંખ માટે હિતકર છે. તે મુખરોગ, કોઢ, ચળ, કૃમિ, ખાંસી, શૂળ, વિષ, હરસ, તાવ, સોજો, લોહી વિકાર, ચાંદી – વિકાર, દાહ તથા તરસ મટાડે છે. તેનાં ફૂલ પ્રમેહનાશક અને ત્વાચાને સોનેરી બનાવનાર છે. ફૂલનું કેસર ઊલટી, કૃમિ, પ્રમેહ, તરસ અને નેત્રરોગ મટાડનાર છે. શીંગો કૃમિનાશક અને તેનાં બી પ્રમેહ અને મધુમેહનાશક, વિષહર અને રક્તાતિસારનાશક છે. તેનાં મૂળ ભારે, મધુર, વાયુકર્તા પણ શ્વાસ, રક્તપિત્ત, તરસ, પ્રમેહ અને વીર્યધાતુના રોગો મટાડનાર છે.
ઔષધિ પ્રયોગ :
(૧) માર-ચોટની પીડા-સોજો : પીડા-સોજા ઉપર આવળનાં પાન વરાળે કે પાણીમાં બાફીને બાંધવાથી કે તેને વાટીને લેપ કરવાથી લાભ થાય.
(૨) પેટના દર્દો : આવળના મૂળનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી પેટની ચૂંક, ઝાડા-મરડો અને ઊલટી મટે છે.
(૩) જીર્ણ તાવ – ત્વચાના રોગો : તેનાં પાનનો ઉકાળો કરી પીવાથી ચળ, ખસ, હાથ-પગનાં તળિયાનો દાહ જેવા ત્વચા રોગો તથા જીર્ણ તાવ મટે છે.
(૪) લોહીવા – વધુ માસિક સ્ત્રાવ : આવળના પંચાંગનો ઉકાળો કરી થોડા મહિના સવાર – સાંજ પીવો.
(૫) વધરાવળ (અંડકોષનો સોજો) : આવળ મૂળની છાલનો ઉકાળો કરી, તેમાં દિવેલ ૧-૨ ચમચી નાંખી પીવો.
(૬) કૃમિ : આવળની કુણી શીંગો વાટીને ગોળમાં ભેળવી બાળકને રોજ દેવાથી લાભ થશે.
(૭) ઉદરશૂળ – આફરો : આવળનાં પાન વરાળે બાફી, તેને ગરમાગરમ પેટે બાંધવા.
(૮) ડાયાબીટીસ : આવળના ફૂલ કે તેનાં બીનું ચૂર્ણ બનાવી રોજ ૩ થી ૫ ગ્રામ જેટલું ૨ વાર લો.
(૯) મોં આવી જવું – ચાંદા : આવળના પાનનો તાજો રસ મુખમાં થોડીવાર ભરી રાખવો.
(૧૦) સગર્ભાની ઊલટી : આવળના તાજા ફૂલ ૧૦ ગ્રામ સાકર સાથે વાટી, એલચીવાળા દૂધમાં નાંખી પીવું.
(૧૧) આંખોની ગરમી / આંખ ઊઠવી : આવળનાં પાન દૂધમાં બાફી, બારીક વસ્ત્રની વચ્ચે મૂકી, બંધ રાખેલી આંખો પર મૂકી, પાટો બાંધવો.
(૧૨) મૂઢ માર-લોહી જામી જવું : આવળના પાન અને આમલીનાં પાન વરાળે બાફીને વાટી લો, તેમાં થોડો સાજીખાર પાઉડર મેળવી, ગરમ કરી, માર કે સોજા પર લેપ કરવો. આ લેપથી હાથ-પગનો મચકોડ, લચક અને વાનો સોજો પણ મટે.