આપણે જેને આદું તરીકે ઓળખીએ છીએ, તેને સંસ્કૃત ભાષામાં આદ્રક કહે છે. જે હંમેશાં લીલું ભીનું રહે છે અથવા જેને લીધે મુખમાં પાણી આવે છે અને જે જીભને ભીની રાખે છે. આ કર્મોને લીધે આદુંને આદ્રક કહે છે. આદુંમાંથી જલીયાંશ ઊડી જાય ત્યારે તેને સૂંઠ કહે છે. આદુંમાંથી સૂંઠ બને ત્યારે તેમાં એક ઉડનશીલ તેલ ઉત્પન્ન થાય છે. જેથી સૂંઠ એ વિશેષ તીક્ષ્ણ, ઉષ્ણ અને ગ્રાહી બને છે.
આપણા દેશમાં બારે માસ મળતું આદુ એ આયુર્વેદનું એક અનુપમ ઔષધ છે. આ પક્વ આદુને સૂકવવાથી સૂંઠ બને છે. આમ તો આદુ અને સૂંઠના ગુણધર્મોમાં સાવ સરખાપણું છે, પરંતુ સૂંઠ વધારે તીક્ષ્ણ ઔષધ છે. પ્રસૂતિ પછી આપણે ત્યાં પ્રસૂતાને સૂંઠ ખવરાવવાનો રિવાજ – પરિપાટી હજારો વર્ષોથી ચાલ્યો આવે છે, તે સૂંઠમાં રહેલા ગર્ભાશયને સંકોચવવાના ગુણને આભારી છે. ગુજરાતમાં ધોળકા અને શામળાજીના આદુ અને તેમાંથી બનતી સૂંઠ ખૂબ જ પ્રખ્યાત છે.
આદુના સામાન્ય રીતે બે પ્રકાર પાડવામાં આવે છે. (૧) રેસાવાળું અને? (૨) રેસા વગરનું. ઉત્તમ આદુ રેસા વગરનું અને મોટી ગાંઠોવાળું ગણાવાય છે જ્યારે રેસાવાળા આદુમાં રસ ઓછો હોવાથી તેનામાં ઉગ્રતા, તીક્ષ્ણતા ઓછી હોવાથી તેનો ઔષધરૂપે ઓછો ઉપયોગ થાય છે.
આપણાં આયુર્વેદમાં આદુ અને સૂંઠની મુક્ત કંઠે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. આદુ વિષેના આયુર્વેદમાં લખાયેલા એક શ્લોકનું અહી નિરુપણ કરવાની લાલચ રોકી શકાતી નથી.
‘વાત, પિત્ત, કફમાનાં શરીર વન ચારીણાં એક એવં નિહંત્યત્ર લવણાદ્રક કેસરી.‘
એટલે કે વાયુ, પિત્ત અને કફરૂપી હાથી અથવા ત્રણ દોષથી વિકરેલો હાથીરૂપી રોગ, જો શરીર રૂપી વનમાં સ્વછંદતાથી ઘૂમતો હોય, તો તેને નિયંત્રણમાં રાખવા માટે એક જ મહાપરાક્રમી લવણયુક્ત આદુરૂપી સિંહ પર્યાપ્ત છે. ભોજન કરતી વખતે નિયમિત આદુ ખાવાથી આરોગ્યની ઉત્તમ જાળવણી માટે આ એક ખૂબ જ સારો નિયમ છે. આદુ સાથે જો મીઠું પણ ઉચિત માત્રામાં પ્રયોજાય તો તે પ્રકૃપિત્ત થયેલા ત્રણેય દોષોને કાબુમાં રાખે છે. જમતી વખતે મીઠા સાથે પોતાની રુચિ પ્રમાણે આદુના ઉપયોગથી નાના – મોટા ઘણાં રોગોમાંથી બચી શકાય છે. આહાર પ્રત્યે અરુચિ, મંદાગ્નિ, મોંઢામાં સ્વાદ ન રહેવો, આહારનું યોગ્ય રીતે પાચન ન થવું અને આ ઉપરાંત અનેક પ્રકારના વાયુના અને કફના રોગો માત્ર આદુ અને મીઠાના પ્રયોગથી મટાડી શકાય. લવણ મિશ્રિત આદુ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, આહાર પર સ્વાદિષ્ટ, મળને સરકાવનાર, વાયુ, કફ અને સોજાનો નાશ કરનાર, જીભનો સ્વાદ બતાવનાર સૂક્ષ્મ કોષોને આદુની તીક્ષ્ણતા ઉત્તેજે છે જેથી પાચકરસોની પ્રચુર માત્રામાં ઉત્પત્તિ થાય છે. આયુર્વેદીય મતે આદુ તીક્ષ્ણ, ઉષ્ણ, દીપન, પચી ગયા પછી મધુર ભાવમાં પરિણમવું તથા વાયુના અને કફના અનેક રોગો મટાડનાર તથા કોઢ પાંડું રોગ, રક્તાલ્પતા, મૂત્ર કૃચ્છ, રક્તપિત્ત, વ્રણ, શરદી, સળેખમ, ગળાનો રોગો, પેટના રોગો, લીવરની તકલીફ અને અરુચિ મટાડે છે.
યુનાની હકીમી મતાનુસાર આદુ રુક્ષ, પાચક, વાયુ અને કફનાશક, આફરો, ગેસ, સંધિવા, માથાનો દુઃખાવો, કમરનું દર્દ, જુકામ વગેરેમાં ખૂબ હિતાવહ કહેવાયું છે. આદુથી આંખની જ્યોતિ વધે છે, તથા કફ પ્રકોપથી થતા આંખના રોગોમાં તેને હિતાવહ ગણાવ્યું છે. આદુ શીત પ્રકૃતિવાળા માટે હિતાવહ અને ઉષ્ણ પ્રકૃતિવાળા માટે હાનિકારક છે એટલે અમ્લપિત્ત, હાઈબ્લડ પ્રેશર તથા પિત્તાધીક્યવાળા અથવા સ્વતંત્ર પિત્તના રોગોમાં તે ન પ્રયોજાય તો સારું.
આદુનું રાસાયણિક પૃથ્થકરણ કરવાથી જાણી શકાયુ; છે કે, તેમાં એક પ્રતિશતથી લઈને છ પ્રતિશત સુધી એક ઉડનશીલ તેલ રહેલું છે. જે માનવદેહના આયોગ્યને ઉત્તમ રીતે જાળવી રાખવા માટે ખૂબ જ આવશ્યક ગણાય છે.
જેમને ભૂખ જ ન લાગતી હોય, મંદાગ્નિ રહેતો હોય તથા પાચન ન થતું હોય તેમણે જમ્યા પહેલાં મીઠું અને આદું ખાવું એ હંમેશને માટે પથ્ય છે.
આદુની મોટી અને પુષ્ટ ગાંઠો લાવી તેનો ૫૦૦ ગ્રામ રસ કાઢી તેમાં ૨૦૦ ગ્રામ સાકર નાંખી સરબત બનાવી લેવું. ચારથી છ ચમચી જેટલું આ સરબત રોજ સવારે જમતા પહેલાં પીવામાં આવે તો પેટનો વાયુ – ગેસ, જમ્યાં પછી પેટ ભારે થઈ જવું. ઉદરશૂળ, આમદોષ, આફરો વગેરે મટે છે. જેમને અપચાને લીધે કે આમદોષને લીધે વારંવાર પાતળા ચીકાશવાળા અને ફીણવાળા ઝાડા થતા હોય તેમને માટે પણ આ પ્રયોગ હિતાવહ છે.
આદુના સરબત વિષે જણાવ્યા પછી આદુના ચાટણ વિષે પણ નિરૂપણ કરું છું. સારી જાતનું પુષ્ટ અને મોટી ગાંઠોવાળું ૫૦૦ ગ્રામ તાજું આદું લાવી, તેને ખૂબ વાટી ચટણી જેવું બનાવવું. પછી ૫૦૦ ગ્રામ ગાયના ઘીમાં આ લસોટેલું આદુ નાંખી તેને ધીમા તાપે મંદ મંદ આંચે શેકવું. જ્યારે શેકાયને લાલ રંગ આવે ત્યારે તેને પહોળા મોંઢાની કાચની બરણીમાં ભરી લેવું. આ થયું આદુનું ઉત્તમ ચાટણ અથવા અવલેહ. પાચનતંત્રની અનેક વિકૃત્તિઓમાં અને પ્રસૂતા સ્ત્રીઓને માટે એકથી બે ચમચી જેટલું ચાટણ ખૂબ હિતાવહ છે.
સૂકી કે કફવાળી ખાંસીમાં એક થી દોઢ ચમચી જેટલા સીતોપલાદી ચૂર્ણમાં ત્રણ ચમચી જેટલો આદુનો રસ મિશ્ર કરી સવારે અને રાતે લો.
જો વારંવાર મૂત્ર ત્યાગ માટે જવું પડતું હોય અને જેને બહુ મૂત્રતાની વ્યાધિ પણ કહેવામાં આવે છે, તેમાં બે થી ત્રણ ચમચી જેટલા આદુના રસમાં એક ચમચી સાકર નાંખી દિવસમાં બે વખત લો.
કમળામાં બે ચમચી આદુના રસમાં અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ નાંખી સવારે અને રાતે લેવામાં આવે તો કમળો મટે છે અને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે.
ગુણધર્મો :-
સંસ્કૃતમાં આદુંના આર્દ્રક, શૃંગવેર, કટુભદ્ર, કટુત્કટ વગેરે પર્યાયો છે. આદું ભારતવર્ષમાં સર્વત્ર થાય છે. બટાટાની માફક આદું પણ કંદમૂળ છે. જેથી તેનાં બીજા હોતાં નથી. તેનો છોડ એક હાથ સુધીની ઊંચાઈનો થાય એટલે મૂળ પથરાવા લાગે છે. તેને જ આદું કહે છે.
આદું સ્વાદમાં ભીખું હોય છે અને પચ્યા બાદ મધુરતા પકડે છે. આદું ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, હ્રદય અને કંઠ માટે હિતકારી, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, કબજીયાત દૂર કરનાર અને વૃષ્ય-વીર્યજનક છે. તે કફ અને વાયુનાં વિકારો, ઉધરસ, દમ, આફરો, ઊલ્ટીનો નાશ કરનાર છે. ઉપરાંત અર્શ-મસા, ઉદરરોગો, જલોદર વગેરેમાં પણ હિતકારી છે.