હ્રદયરોગીઓ માટે ઉપયોગી ઔષધી – સાદડ
સાદડ એટલે અર્જુન. તેની સફેદ અને રાતી એમ બે જાત છે. તેની છાલ ચોસલા લગાવ્યા હોય તેવી લાગે છે. બહારથી તે ચીકણી હોય છે. અંદરથી સુંવાળી, જાડી અને રાતી હોય છે. સાદડનો રસ તૂરો છે અને તાસીરે ઠંડી છે. તે હલકી તથા લૂખી છે. હ્રદયરોગ માટે ખૂબ પ્રચાર પામેલ છે. તે કફ–પિત્તશામક, મેદોહર, વિષધ્ન, હ્રદ્ય, જ્વરહર, વ્રણરોપણ અને શામક છે.
તેની છાલનું ચૂર્ણ અને ઉકાળો વપરાય છે. તે ઉપરાંત તેનો ક્ષીરપાક, ઘી, અર્જુનારિષ્ટ વગેરે પણ બનાવાય છે. ક્ષીરપાક અને ઘીમાં તેની તીક્ષ્ણતા ઘટે છે.
પેશાબમાં પરું આવતું હોય તો તેનો ઉકાળો પીવો. હ્રદયરોગીએ અર્જુનનો દૂધપાક નિયમિત લેવો. પાશેર દૂધમાં ૧ તોલો ચૂર્ણ નાખી થોડું પાણી, ખાંડ ઉમેરી ધીમા તાપે પકવી ઠારીને પીવું.
દૂઝતા હરસમાં ગુદાનું પ્રક્ષાલન તેના ઉકાળાથી કરવું. મોંના ખીલ ઉપર છાલના ઘસારાનો લેપ કરવો. ઘામાં તેના ઉકાળાથી ધોઈ તેનું ચૂર્ણ ભરી પાટો બાંધવો.
રક્તપિત્ત, શુક્રમેહ, મૂત્રાઘાત, અગ્નિમાંદ્ય, અસ્થિભગ્ન, રક્તાતિસાર, રક્તપિત્ત, મેદવૃદ્ધિ, પ્રમેહ, રક્તદોષ, જીર્ણજ્વર, દૂઝતા હરસ વગેરેમાં તેનો ઉકાળો પીવો. મુખરોગ કે મુખપાકમાં તેના ઉકાળાના કોગળા કરવા.