જન્મકુંડળીના બાર ભાવ માનવજીવનનાં બાર મહત્વનાં પાસાંઓનો નિર્દેશ કરે છે. તે પૈકી નવમ ભાવ જાતકના ધર્મનો નિર્ણય કરે છે.
નવમ ભાવ વિશે ચર્ચા કરતાં પહેલાં સંક્ષેપમાં ધર્મનો મૂળભૂત અર્થ સમજવો જરૂરી છે. સંસ્કૃતમાં ધૃ ધારયતિએ ધાતુ પરથી ધર્મ શબ્દ બને છે. તેથી ધર્મની વ્યાખ્યા ધારયતિ ઈતિ ધર્મ અથવા ધારણાત્ ધર્મઃ એવી કરવામાં આવી. એટલે કે ધર્મ મનુષ્યનું ધારક તત્વ છે. ધારક તત્વ એટલે જેના આધારે એ પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે. જેમ કે ઘડાનું ધારક તત્વ માટી છે. માટી વિના ઘડાનો સંભવ નથી. તેવી જ રીતે ધર્મ વિના મનુષ્યનો સંભવ નથી.
આ વ્યાખ્યાને આધારે નવમા ભાવનું મૂલ્યાંકન કરવામાં આવે તો સ્પષ્ટ થશે કે આખી કુંડળીમાં નવમો ભાવ સૌથી મહત્વનો અને પાયાનો ભાવ છે. લગ્ન કરતાં પણ નવમ ભાવનું મહત્વ વધુ છે કારણ કે લગ્ન તો કુંડળી રૂપી મંદિરનું શિખર છે, જ્યારે પંચમભાવ અને નવમ ભાવ એ શિખરના બે પાયા છે. અહીં, પંચમભાવનો નિર્દેશ પણ સાંકેતિક છે, કારણ કે પાંચમુ સ્થાન નવમ ભાવથી નવમું સ્થાન છે. કુંડળીનો પહેલો આધાર નવમ ભાવ, બીજો આધાર પંચમ ભાવ અને શિખર લગ્ન એ રીતે કુંડળીની મૂળ આકૃતિ બને છે. પાંચમું સ્થાન વિદ્યા અને સંતતિ સૂચવે છે, કારણ કે વિદ્યા અથવા જ્ઞાન ધર્મના તત્વ તરફ લઈ જાય છે અને સંતતિ કેવી છે તે મનુષ્યના ધર્મ ઉપરથી નિર્ણિત થાય છે. એટલે વિદ્યા અને સંતતિ બંનેનું કેન્દ્ર ધર્મ છે.
નવમા ભાવને ભાગ્ય સ્થાન કહેવામાં આવ્યું છે, પરંતુ દુર્ભાગ્યે આપણે ભાગ્યનો અર્થ ભૌતિક વસ્તુઓ સાથે જોડીએ છીએ. ખરેખર તો, ભાગ્યના મૂળમાં ભગ શબ્દ છે, જે ઐશ્વર્યાદિ છ સંપત્તિઓનો સૂચક છે અને જેમાંથી ભગવાન શબ્દ બને છે. એટલે છેવટે ભાગ્ય એ જ ધર્મ છે.
નવમા ભાવને આ રીતે સમજ્યા પછી તેમજ નવમા ભાવનું મહત્વ સ્વીકાર્યા પછી જો જન્મકુંડળીના ગ્રહો અને રાશિઓનું મૂલ્યાંકન કરવામાં આવે તો મનુષ્યના જીવનનું સાર્થક મૂલ્યાંકન થઈ શકે.
નવમા ભાવને આધારે મનુષ્ય પોતાના ધાર્મિક સ્તરને સમજી શકે એ માટે કેટલીક વિગતોનો અહીં સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવે છે :
(૧) નવમા ભાવમાં કઈ રાશિ છે તે જોવું. જો નવમા સ્થાનમાં પુરુષ રાશિ હોય તો જાતકને પુરુષ દેવતાની સાધના વધુ ફળદાયી નિવડે અને જો નવમા ભાવમાં સ્ત્રી રાશિ હોય તો દેવી ઉપાસના ફળે. એ તો સુવિદિત જ છે કે મેષ વગેરે એકી રાશિઓ પુરુષ રાશિઓ છે અને વૃષભ વગેરે બેકી રાશિઓ સ્ત્રી રાશિઓ છે.
(૨) નવમભાવમાં ક્યો ગ્રહ છે તે જોવું જોઈએ. જો ત્યાં પુરુષ ગ્રહ હોય તો દેવ ઉપાસના અને સ્ત્રી ગ્રહ હોય તો દૈવી ઉપાસના ફળે. સૂર્ય, મંગળ, ગુરુ, રાહુ અને કેતુ પુરુષગ્રહ છે. ચંદ્ર, શુક્ર સ્ત્રી ગ્રહ છે, જ્યારે બુધ અને શનિ નપુંસક છે. અહીં નપુંસકનો અર્થ સામાન્ય વ્યવહારમાં થતા અર્થ જેવો નથી, પરંતુ નપુંસક એટલે લિંગ કે ચિહન રહિત એટલે કે પરબ્રહ્મ સમાન. પરબ્રહ્મનતો સમાન. પરબ્રહ્મ નિર્લિંગ છે. બુધની પ્રબળતાથી મનુષ્યના પરબ્રહ્મનો અધિકારી બને છે. શનિની પ્રબળતાથી મોક્ષમાર્ગનો પ્રવાસી બને છે.
(૩) ઉપરોકત બીજા મુદ્દાના સંદર્ભમાં એક વાત ખાસ નોંધનીય છે કે જો નવમા ભાવમાં કોઈ ગ્રહ ન હોય તો નવમેશથી આ નિર્ણય લેવો.
(૪) ઉપરોકત બીજા અને ત્રીજા મુદ્દાનો સમન્વય કરી ભાવસ્થ ગ્રહ અને ભાવેશ ગ્રહની તુલના કરીને નિર્ણય લેવો જોઈએ.
નવમાં ભાવ વિશે માનસાગરી લખે છે :
ધર્મક્રિયાયાં હિ મનઃ પ્રવૃત્તિર્ભોગ્યોપપત્તિં વિમલં ચ શીલમ્ ।
તીર્તપ્રયાણં પ્રણયઃ પુરાણૈઃ પુણ્યાલયે સર્વમિદં પ્રદિષ્ટમ્ ॥
અર્થાત્ ભાગ્યભુવનમાં ધર્મકાર્યમાં મનની પ્રવૃત્તિ, ભાગ્યનો ઉદયઘ નિર્મળ ચારિત્ર્ય, તીર્થયાત્ર, નમ્રતા અથવા ભાવાવસ્થા (પ્રણય), આ પ્રમાણે પુરાણો દ્વારા અથવા પ્રાચીન ર્દષ્ટાઓ દ્વારા જોવાનું દર્શાવાયું છે. (પુણ્યાલયે – નવમભાવમાં) તેમજ જાતક પારિજાતકમાં પણ કહ્યું છે :
ભાગ્યપ્રભાવગુરુધર્મતપઃ શુભાનિ સંચિનતયેન્નવમદેવપુરોહિતાભ્યામ્ ।
ભાગ્યેશદેવસચિવૌ શુભવર્ગયાતૌ ભાગ્યે શુભગ્રહયુતે સમુપૈતિ ભાગ્યમ્ ॥
અર્થાત્, ભાગ્યનો પ્રભાવ ગુરુ, તપ, ધર્મ, શુભ કામ એવો વિચાર નવમા ભાવથી કે ગુરુથી કરવો અથવા તો નવમાનો સ્વામી અને ગુરુ શુભ ગ્રહના વર્ગમાં હોય, યા નવમામાં શુભ ગ્રહ સાથે હોય, તો ભાગ્યવાન થાય છે.
અંકશાસ્ત્રની ર્દષ્ટિએ ૯ (નવ)નો અંક પૂર્ણાંક છે અને ચરમ અંક છે. ગણિતશાસ્ત્રમાં નવથી મોટો કોઈ આંક નથી. દશ વગેરે ૧ અને ૦ ના સંયોજનથી બને છે. એ ર્દષ્ટિએ પણ નવમું સ્થાન વિચારણીય છે.
ભૌગોલિક સ્થિતિની ર્દષ્ટિએ જોતાં નવમો ભાવ ર્દશ્ય ગોળાર્ધના મધ્યમાં આવે છે. એ ર્દષ્ટિએ પણ નવમું સ્થાન ઉત્કૃષ્ટ છે.
સાતમાં સ્થાનનો સંસાર ભોગવ્યા પછી આઠમાં સ્થાનના મૃત્યુ – ભયમાંથી મુક્ત થયા પછી સાચો ધર્મ સમજાય છે.
હસ્તરેખાશાસ્ત્રની ર્દષ્ટિએ પણ નવમાં ભાવનું મૂલ્યાંકન કરી શકાય. હથેળીમાં મુખ્ય રેખાઓમાં એક માત્ર ભાગ્યરેખા જ ઊર્ધ્વરેખા છે, જેમકે જીવનરેખા શુક્રને ઘેરતી ગોળાઈમાં છે. મસ્તકરેખા મંગળ અને ચંદ્રને સાંધે છે. હ્રદયરેખા પર્વતોની તળેટીમાંથી પસાર થાય છે. આ ત્રણે રેખાઓ પૂર્વ-પશ્ચિમ દિશામાં પડેલી છે, જ્યારે ભાગ્યરેખા દક્ષિણમાંથી નીકળીને ઉત્તરમાં જાય છે. ઉત્તરનો અર્થ જ શ્રેષ્ઠ છે. તેથી હથેળીમાં જેને ભાગ્યરેખા કહેવામાં આવે છે, તેને ધર્મરેખા પણ કહી શકાય. હથેળીમાં ગુરુ, શનિ, સૂર્ય, બુધ વગેરે ગ્રહો પૈકી જે પર્વત તરફ ભાગ્યરેખા જતી હોય તે ગ્રહ ઉપરથી જાતકની ઇષ્ટસિદ્ધિ નક્કી થઈ શકે.
નવે ગ્રહ સાથે સંબંધિત દેવતાઓનું જ્ઞાન મેળવવાથી ઇષ્ટનો નિર્ણય કરવાનું સુગમ બને છે.
સૂર્યના દેવ અગ્નિ, ચંદ્રના વરુણ, મંગળના સ્કંદ, બુધના વિષ્ણુ, ગુરુના ઇન્દ્ર, શુક્રના ઇન્દ્રાણી, શનિના બ્રહ્મા, રાહુના વાયુ અને કેતુના આકાશ દેવતાઓ ઋષિઓએ દર્શાવ્યા છે.