છેલ્લી એક તક આપીદે…

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.

આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.
એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.
‘હા! કાલે રાતે સુતો હતો,ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’
‘અરે ! આટલા બધા લોકો?ચોક્કસ  કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
‘અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં  છું, એ શરીરમાં નથી.’
ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ!  \’હું મુઓ નથી,જુઓ આ રહ્યો.’
મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું?
અરે! મારી પત્ની, મારું બાળક,મારાં મા બાપ, મારા મીત્રો –બધાં ક્યાં છે?’
બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી,એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
‘અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે  હું તેને અત્યંત ચાહું છું.
માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,
હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું?જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.
અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.
મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’  એમ કહેવું હતું.
‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે?
હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે?
ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.
પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘
હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.
‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘
એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?
’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘
હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘
હું રડી પડું છું.
‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં.
મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’
મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી.
‘અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’
.
.
.
.
.
મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું,
\”તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”
‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.‘
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.
કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?

નિવૃત્તિની પ્રવ્રુત્તિ  પુસ્તકમાથી….

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors