પ્રયાગરાજ
ભારતમાં ચૌદ પ્રયાગ છે તેમાં પ્રયાગ રાજનું સ્થાન પ્રથમ છે જે ગંગા,જમુના,સરસ્વતી એમ ત્રણ નદિઓના સમુહથી બને છે દર બાર વર્ષે યોજાતા પૂર્ણકુંભ કે મહાકુંભ મેળાનું મહત્ત્વ પ્રાચીનકાળથી પ્રસ્થાપિત થયેલું છે. લગભગ અઢી માસ સુધી ચાલતા આ કુંભમેળામાં ઉત્તરાયણ, પોષી પૂનમ જેવા તહેવારોમાં સ્નાનનો વિશેષ મહિમા હોય છે. કુંભમેળા સમયે જો પ્રયાગમાં ત્રિકાલ એટલે કે પ્રાતઃ, મધ્યાહન અને સાયં એટલે કે સાંજે એમ ત્રણ વાર સ્નાન કરવાથી પૃથ્વી ઉપર એક હજાર અશ્વમેઘ યજ્ઞા કરવા જેટલું પુણ્ય મળે છે.
એક સમયે દેવો અને અસુરોએ ભેગા મળીને સમુદ્રમંથન કર્યું અને તેમાંથી ૧૪ રત્નો નીકળ્યા. જેમાં ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચશ્રવા નામનો અશ્વ, ચંદ્રમા, ધનુષ્ય, કામધેનુ (ગાય), રંભા, લક્ષ્મી, વારુણી અને છેલ્લે અમૃતકુંભ લઈને ધનવંતરી સમુદ્રમંથન દ્વારા પ્રાપ્ત થયા પૌરાણિક કથા અનુસાર ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતકુંભ લઈને ભાગી ગયો. શુક્રાચાર્યની આજ્ઞાાથી અસુરો કળશ લેવા તેની પાછળ દોડયા. દૈત્યોએ જયંતને ઘેરી લીધો. આથી દેવો અને દાનવો વચ્ચે ૧૨ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ભગવાન વિષ્ણુએ મોહિનીરૃપ ધારણ કરીને કળશ પોતાની પાસે લઈ લીધો અને બધું અમૃત દેવોને પીવડાવી દીધું. આથી દેવો અમર બની ગયા.
આ લડાઈ દરમિયાન જે ચાર સ્થળે તેના છાંટા પડયા હતા તે ચાર સ્થળે દર બાર વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ યુદ્ધ બાર દિવસ ચાલ્યું હતું. દેવોના બાર દિવસ મનુષ્યના બાર વર્ષ બરાબર ગણાય છે. આથી દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન ખાતે મહાકુંભનું આયોજન થાય છે. જે લગભગ અઢી મહિના સુધી ચાલે છે.
ભારતમાં નાનાં મોટાં અનેક તીર્થો છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમમાં જ્ઞાત-અજ્ઞાત કેટલાંય તીર્થો છે. એ તીર્થો આદરણીય અને વંદનીય છે. પરંતુ કોઈ જો એવો પ્રશ્ન પૂછે કે, ‘એ બધાં તીર્થોમાં તીર્થરાજ કોણ ?’, તો એના ઉત્તરમાં આપણે પ્રયાગરાજ પ્રત્યે અંગુલિનિર્દેશ કરવો પડે છે. પ્રયાગને પ્રાચીનકાળથી ‘તીર્થરાજ’ની પદવી આપવામાં આવી છે. મોક્ષ આપનારી સાત પુરીઓને એની સહચરીઓ માનવામાં આવી છે. એનો મહિમા એ પુરીઓ કરતાંય વધારે ગવાયો છે. એ બધી પુરીઓ દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ એક તીર્થરાજના સેવનથી સહેલાઈથી મળી રહે છે.
શાસ્ત્રો અને ખગોળનો એક સુભગ સમન્વય એટલે દર બાર વર્ષે સૂર્ય, ગુરૂ અને ચંદ્રના યોગે સ્થિર રાશીમાં ગુરૂ હોય ત્યારે મહાકુંભની તારીખોનો નિર્ણય કરવામાં આવે છે પ્રયાગની પ્રસિદ્ધિ એક બીજા કારણને લીધે પણ છે. ભારતમાં દર બાર વરસે જે જુદાં જુદાં ચાર સ્થળોમાં કુંભમેળો ભરાય છે તે સ્થળોમાં પ્રયાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરાપૂર્વથી ચાલ્યા આવતાં, કુંભમેળાનાં એ પવિત્ર લોકપ્રિય સ્થળોની પસંદગી પણ બહુ વિચારપૂર્વક કરવામાં આવી છે. એમાં દેશના ચારે ખૂણાને બને તેટલું મહત્વ તથા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ઉત્તરમાં હરિદ્વાર, પૂર્વોત્તરમાં પ્રયાગ, મધ્ય ભારતમાં ઉજ્જૈન, ને દક્ષિણમાં નાસિક. એ વ્યવસ્થા બધી રીતે વિચારતાં બરાબર લાગે છે. બૃહસ્પતિ જ્યારે વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે પ્રયાગમાં બારમે વરસે કુંભમેળો ભરવામાં આવે છે. કુંભ પછીના છઠ્ઠા વરસે અર્ધ-કુંભમેળો ભરાય છે. એ બંને અવસર પર મહા મહિનામાં તીર્થદર્શન, સંતસમાગમ, દાનપુણ્ય અને સરિતાસ્નાનની ઈચ્છાથી લાખો લોકો ત્યાં ભેગા થાય છે. આમ તો સામાન્ય રીતે પ્રયાગમાં પ્રત્યેક વર્ષે મહા મહિનામાં મેળો ભરાય છે, જેને કલ્પવાસ કહેવામાં આવે છે. તે વખતે પણ ગંગાયમુનાની વચ્ચે રહેવા તથા ધર્મકાર્ય કરવા માટે ઘણા લોકો એકઠા થાય છે. છતાં, કુંભમેળાની તો વાત જ જુદી છે. એ વખતનું દૃશ્ય અજબ હોય છે. એ અવસર પર ઊમટી પડતા લાખો લોકો તથા સંતસાધુઓ માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે. તોપણ, લોકોનો ધસારો એટલો બધો હોય છે કે, કેટલીકવાર એ વ્યવસ્થા પૂરતી નથી થતી. કુંભમેળામાં ભારતના લગભગ બધી જ જાતના સંતસાધુઓ એકઠા થાય છે.
પ્રયાગથી બનારસ, ફૈજાબાદ, લખનૌ, રીવા તથા જૌનપુર જવા માટે પાકા રસ્તા છે. મોટા ભાગના પ્રવાસીઓ અલ્હાબાદ સ્ટેશને ઊતરે છે. ત્યાંથી ત્રિવેણીસંગમ આશરે ચાર માઈલ દૂર છે. ત્રિવેણીસંગમના સ્નાનનું માહાત્મ્ય વધારે છે. એનું આકર્ષણ પણ અસાધારણ હોવાથી, કેટલાય ભાવિકો ત્રિવેણીસ્નાન માટે જ પ્રયાગરાજમાં આવતા હોય છે. અમે પણ પ્રયાગમાં, ત્રિવેણીસંગમમાં સ્નાન કરવાની અનુકૂળતા રહે એ માટે સંગમ પાસેની ધર્મશાળામાં ઊતરવાનું પસંદ કર્યું. એ વખતે મેળાના દિવસો ન હોવાથી શાંતિ હતી. યાત્રીઓની સંખ્યા એકદમ ઓછી હતી. ખરી રીતે તો કોઈ પણ તીર્થસ્થાનમાં મેળા જેવા ખાસ દિવસે જવાને બદલે સામાન્ય દિવસોમાં જવું એ વધારે સારું છે. કેમ કે, તેથી ભીડમાંથી બચાય છે, શાંતિથી હરીફરી શકાય છે, ને ધર્મશાળાની સગવડ પણ સારી મળે છે.
ત્રિવેણીસંગમ : ત્રિવેણીસંગમમાં સ્નાન કરીને અમને સંતોષ થયો. સંગમના સુંદર સ્થળમાં એક બાજુથી ગંગાનો નિર્મળ પ્રવાહ આવે છે અને બીજી બીજુથી યમુનાનો જરાક વધારે પડતો શ્યામ પ્રવાહ આવે છે. બંને પ્રવાહો ઉમળકા સાથે આલિંગન કરતા હોય એમ ભેગા થતા અને એકમેકમાં મળી જતા દેખાય છે. એ દૃષ્ય ખૂબ જ અસાધારણ સુંદરતા ધારણ કરી રહે છે. એ સંગમ-સ્થળમાં પ્રત્યેક યાત્રીને ગંગા ને યમુના એ બે નદીનાં જ દર્શન થાય છે, છતાં એને ‘ત્રિવેણીસંગમ’ના નામે શા માટે ઓળખવામાં આવે છે ?–એવી જિજ્ઞાસાના જવાબમાં પંડાઓએ કહી બતાવ્યું કે ‘ત્રીજી સરસ્વતી, અહીંની બે નદીઓને ગુપ્ત રીતે મળી રહી છે.’ એ ગુપ્ત રીતે મળતી હોય ભલે, પણ એનું દર્શન તો નથી જ થતું. એટલે દર્શનાર્થીઓએ તો એ બે નદીઓના દર્શન-સ્પર્શનથી જ સંતોષ માનવાનો રહે છે. હા, સંગમની પાસેના કિલ્લાની દક્ષિણે, યમુનાના તટ પર આવેલા એક કુંડને સરસ્વતી નદીનું સ્થાન કહીને પંડાઓ એનું પૂજન કરાવે છે ખરા. પ્રાચીનકાળમાં અહીં સરસ્વતી નદી સાચેસાચ વહેતી હોય અને કાળક્રમે લુપ્ત થઈ ગઈ હોય એ બનવાજોગ છે. ગંગા ને યમુનાના પાણીનો ભેદ સંગમ આગળ સાફ દેખાઈ આવે છે. કેટલાક લોકો નાવમાં બેસીને, તો કેટલાક પગપાળા ચાલીને સંગમસ્નાન કરતા હોય છે. મોટા ભાગના લોકો સ્નાન કરવામાં જ કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. ‘પદ્મપુરાણ’માં ત્રિવેણીસંગમના સ્નાનનો અને એમાં પણ માઘ-સ્નાનનો મહિમા બતાવતાં કહ્યું છે :
प्रयागे तु नरो यस्तु माघस्नानं करोति च ।
न तस्य फलंसंखायास्ति श्रृणु देवर्षिसत्तमः ॥
\”હે દેવર્ષિ ! પ્રયાગરાજમાં માઘસ્નાન કરનારને જે ફલ મળે છે તે એટલું બધું અનંત હોય છે કે તેની કોઈ ગણતરી નથી કરી શકતું.\”
પ્રયાગમાં જોવા જેવાં મુખ્ય સ્થળોમાં ત્રિવેણીસંગમ ઉપરાંત અક્ષયવટ, બિંદુમાધવ, સોમેશ્વર, શેષ અથવા બલદેવજી છે.
બિંદુમાધવ : બિંદુમાધવ જવા માટે ત્રિવેણીસંગમથી ગંગાના સામા કિનારે જવું પડે છે. એ સ્થળથી એકાદ માઈલ આગળ જતાં ઝૂસી આવે છે. એને પ્રતિષ્ઠાનપુર કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં એ રાજા પુરુરવાની રાજધાની હતી એમ કહેવાય છે. ઝૂસીમાં શ્રી પ્રભુદત્ત બ્રહ્મચારીજીનો આશ્રમ છે.
બિંદુમાધવથી એકાદ માઈલ દૂર નાગવાસુકિનું મંદિર છે. ત્યાં નાગપંચમીએ મોટો મેળો ભરાય છે. ત્યાંથી બલદેવજી અથવા શેષનું મંદિર ગંગાકિનારે લગભગ બે માઈલ દૂર છે.
બલદેવજી મંદિરથી બે માઈલ દૂર ગંગાકિનારે શિવકુટિતીર્થ છે. ત્યાંથી પાછા આવતાં શહેરમાં કરનલગંજમાં ભરદ્વાજ આશ્રમ છે. ત્યાં ભરદ્વાજેશ્વર મહાદેવ છે. એક મંદિરમાં હજાર ફેણવાળા શેષનાગની મૂર્તિ છે. સામે જ જવાહરલાલ નહેરુનું મકાન આનંદભવન છે.
પ્રયાગમાં લલિતાદેવી નામે શક્તિપીઠ પણ છે. તે ઉપરાંત, સંતપુરુષોના આશ્રમો છે. આત્મવિકાસ માટે ત્યાં રહેનારને ખરેખર લાભ થાય તેમ છે. જીવનશુદ્ધિ તથા શાંતિ માટે ત્યાં પર્યાપ્ત સામગ્રી પડી છે.
સત્પુરુષનો સમાગમ: કોઈ કોઈવાર કોઈ સત્પુરુષનો સમાગમ પણ ત્યાં થઈ જાય છે. સંગમની પાસે એક વૈરાગી સાધુ બંધ આંખે બેસી રહેતા. એમની આંખમાંથી અશ્રુપ્રવાહ વહ્યા જ કરતો. એકવાર અવસર મળતાં અમે એમને રડવાનું કારણ પૂછયું, તો એમણે જમીન પર લખીને કહ્યું કે, ‘એ પ્યારાની મંગલ મનહર મૂર્તિ જોઈને મારાથી રડ્યા વિના નથી રહી શકાતું.’
‘એનું દર્શન કેવી રીતે થાય ?’ એવો પ્રશ્ન પૂછ્યો, ત્યારે એમણે કહ્યું : ‘રડવાથી. હૃદયના ઊંડાણમાંથી બાળકની પેઠે પ્રેમપૂર્વક રડવાથી.’
એવા અનુભવી સત્પુરુષો જંગમ તીર્થરાજ જેવા હોય છે. કોઈક ધન્ય ક્ષેત્રે એમનો સમાગમ થવાથી યાત્રા સફળ થઈ લાગે છે.
પ્રયાગરાજમાં સંગમનું સ્થળ દૂર હોવાથી નદીના તટ પરથી નાવમાં બેસીને આગળ વધવું પડે છે. કપડાં જેવી વસ્તુઓ નાવમાં રાખીને જળપ્રવાહમાં સ્નાન કરવા માટે ઊતરવું પડે છે.
ચિત્રકૂટ ને પ્રયાગ વચ્ચે મોટર ચાલે છે. પ્રયાગમાં ગૌઘાટ પર ચમેલીબાઈની તેમજ ગોકળદાસ તેજપાલની ધર્મશાળા આવેલી છે.
હનુમાન મંદિર: સંગમની બહાર કિલ્લા પાસે વિશાળ મૂર્તિવાળા હનુમાનજીનું સુંદર મંદિર ખાસ જોવા જેવું છે. એ મૂર્તિ ઘણી ચમત્કારિક મનાય છે. કહે છે કે, સરકારે એ મૂર્તિને કાઢવા માટે જેમ જેમ પ્રયાસ કર્યો તેમ તેમ મૂર્તિ જમીનમાં અંદર ને અંદર જતી ગઈ. છેવટે એને કાઢવાનો વિચાર પડતો મુકાયો. એના દર્શન માટે અસંખ્ય લોકો એકઠા થાય છે. એ સ્થાનની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.