બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે.
ચુડાકરણ સંસ્કાર
‘ચૂડા-ચૂલા’ એટલે શિખા (ચોટલી). બાકીના ચૂલ (વાળ)નું મુંડન કરી માથાની ટોચ પર શિખા રાખવામાં આવે, તેને ‘ચૂડાકરણ’ કે ‘ચૌલકર્મ’ કહે છે. चूडा-चूला નો અર્થ મસ્તક પણ થાય છે, તેથી ‘ચૂડાકર્મ’ કે ‘ચૌલકર્મ’ શબ્દ મસ્તક (પરના કેશ) નું મુંડન એ અર્થમાં પણ પ્રયોજાતો હતો. કેશછેદન એ આ સંસ્કારનું મુખ્ય પ્રયોજન છે. ધર્મશાસ્ત્રો અનુસાર દીર્ઘ આયુ, સૌંદર્ય અને કલ્યાણની પ્રાપ્તી આ સંસ્કારનું બીજું પ્રયોજન છે. માનવધર્મશાસ્ત્રીઓના મત અનુસાર આ સંસ્કારનું પ્રયોજન કેશછેદન કરી દેવતાને બલિ આપવાનું હતું. ચૂડાકરણ સંસ્કાર દેવાલયમાં થાય છે.
મહત્વઃ
શિખા રાખવી એ આ સંસ્કારનું મહત્વપૂર્ણ અંગ હતું. કુલની પ્રથા અનુસાર શિખા રખાતી. શિખા અને યજ્ઞોપવીત એ બ્રાહ્મણોના અનિવાર્ય બાહ્યચિહ્ન હતાં. પ્રવરોની સંખ્યા અનુસાર શિખાની સંખ્યા નક્કી કરાતી. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્ર અનુસાર છોકરીઓનો ચૂડાકરણ વિધિ પણ થવો જોઇએ. પરંતુ એમાં વૈદિક મંત્રોનું ઉચ્ચારણ ન કરવું જોઇએ. હાલ ઘણી જ્ઞાતિઓમાં આ સંસ્કાર માત્ર છોકરાને જ કરવામાં આવે છે, થોડી જ્ઞાતિઓમાં છોકરીને પણ આ સંસ્કાર કરાય છે.
વિધિઃ
ચૂડાકરણ સંસ્કાર માટે શુભ દિવસે આરંભમાં સંકલ્પ, ગણેશપૂજા, મંગલશ્રાદ્ઘ વગેરે કરાતાં, બ્રાહ્મણ-ભોજન પછી શિશુને માતા સ્નાન કરાવતી. બાળકને ખોળામાં લઇ યજ્ઞીય અગ્નિની પશ્ર્ચિમ બાજુએ બેસતી. પિતા યજ્ઞમાં આહુતિ આપી યજ્ઞશેષ ભોજન કર્યા બાદ મંત્ર સાથે ઉષ્ણ શીતલ જળ છાંટતો અને લોખંડનો અસ્તરો લઇ કેશોનું છેદન કરતો. વાળ સાથે કુશની પતીઓનું પણ છેદન થતું. મસ્તક પાછળના વાળને મંત્ર બોલી કાપવામાં આવતા. કાપેલા વાળ સાથે માટીનો પિંડ તળાવમાં નંખાતો.
આમ વાળ ધોવા, બાળકના વાળનું છેદન કરવું, છાણ-માટીના પિંડ સાથે વાળને જળાશયમાં નાંખવા, શિખા રાખવી વગેરે વિધિ આ સંસ્કારમાં મહત્વની છે. દરેક કુળને ઇષ્ટ દેવ-દેવીના મંદિર આગળ જ આ સંસ્કાર કરવાનો કુલચાર છે, કેટલીક જાતિઓમાં આજે પણ બાળકના વાળ એક વાર ઉતરાવવા પડે છે, કેમ કે ગર્ભાવસ્થાવાળા વાળ અપવિત્ર મનાય છે.