ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૧
યે યથા માં પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ્ |
મમ વત્માર્નુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૧૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃહે પાર્થ! જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવાજ ભાવથી ભજું છું; કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. ॥ ૧૧ ॥
કાઙક્ષંત: કર્મણાં સિદ્ધિં યજંત ઇહ દેવતા: |
ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા || ૧૨ ॥
આ મનુષ્યલોકમાં કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. ॥ ૧૨ ॥
* સર્વશક્તિમાન સચ્ચિદાનન્દઘન પરમાત્મા અજ, અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે, તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટેજ પોતાની યોગમાયાથી સગુણરૂપ ધરીને પ્રગટ થાય છે, માટે પરમેશ્વર જેવું સુહ્રદ, પ્રેમી અને પતિતપાવન બીજું કોઇ નથી, એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે, એ જ એમને તત્ત્વથી જાણે છે.
ચાતુર્વણ્ર્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: |
તસ્ય કર્તારમપિ માં વિદ્વયકર્તારમવ્યમમ્ ॥ ૧૩ ||
ગુજરાતી ભાંષાતર ઃબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર- આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે; આ પ્રમાણે એ સૃષ્ટિરચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. ॥ ૧૩ ||
ન માં કર્માણિ લિમ્પંતિ ન મે કર્મફલે સ્પૃહા |
ઇતિ માં યોડભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥ ૧૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃકર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતાં – આ પ્રમાણે જે મને તત્ત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બન્ધાતો. ॥ ૧૪ ॥
એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિ: |
કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈ: પૂર્વતરં કૃતમ્ ॥ ૧૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃપૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યાં છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને જ કર. ॥ ૧૫ ॥
કિં કર્મ કિમકર્મેતિ કવયોડપ્યત્ર મોહિતા: |
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેડશુભાત્ ॥ ૧૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃકર્મ શું છે? અને અકર્મ શું છે? – એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઇ જાય છે; માટે તે કર્મતત્ત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલેકે કર્મબન્ધનમાંથી મુક્ત થઇ જઇશ. ॥ ૧૬ ॥
કર્મણો હ્યપિ બોદ્વવ્યં બોદ્વવ્યં ચ વિકર્મણ: |
અકર્મણશ્ર્વ બોદ્વવ્યં ગહના કર્મણો ગતિ: ॥ ૧૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃકર્મનું સ્વરૂપ પણ જાનવું જોઇએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઇએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઇએ; કેમકે કર્મની ગતિ અતિગહન છે. ॥ ૧૭ ॥
કર્મણ્યકર્મ ય: પશ્યેદકર્મણિ ચ કર્મ ય: |
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્ત: કૃત્સ્નકર્મકૃત્ ॥ ૧૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃજે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળાં માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. ॥ ૧૮ ॥
યસ્ય સર્વે સમારમ્ભા: કામસંકલ્પવર્જિતા: |
જ્ઞાનાગ્નિગ્ધકર્માણં તમાહુ: પણ્ડિતં બુધા: ॥ ૧૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃજેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પન્ડિત કહે છે. ॥ ૧૯ ॥
ત્યક્તવા કર્મફલાસઙ નિત્યતૃપ્તો નિરાશ્રય: |
કર્મણ્યભિપ્રવૃત્તોડપિ નૈવ કિગ્ચિત્કરોતિ સ: ॥ ૨૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃજે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમનાં ફળ પ્રત્યેની આસક્તિનો બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઇ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઇ જ નથી કરતો. ॥ ૨૦ ॥
નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહ: |
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ ૨૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃજેને કશાયની ખેવના નથી, અંત:કરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્યયોગી કેવળ શરીરસમ્બન્ધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. ॥ ૨૧ ॥