ચંદ્ર પર દિવસરાત થાય છે ખરા ?
ચંદ્ર પર દિવસ અને રાત પણ હોય, પરંતુ આપણી પૃથ્વી કરતાં તે બન્ને સદંતર જુદા અને વળી આશ્ચર્યજનક પણ ખરા ! ચંદ્રનો દિવસ ચોવીસ કલાકને બદલે આપણા ૨૭.૩ દિવસો જેટલો છે, કેમ કે એક ધરીભ્રમણ પૂરૂં કરવામાં તેને એટલી વાર લાગે છે. આશ્ચર્યની બીજી વાત એ કે પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરવામાં પણ ચંદ્ર બરાબર ૨૭.૩ દિવસો લગાડે છે. પરિણામે તેની લગભગ એક જ સાઇડ આપણને હંમેશ માટે જોવા મળે છે. ચંદ્રની વધુમાં વધુ ૫૯% સપાટીને આપણે વારાફરતી દેખી શકીએ છીએ. બાકીની ૪૧% સપાટી ક્યારેય નજરે ચડતી નથી. વળી ચંદ્ર પર ફકત દિવસ અને રાત છે, સાંજ નહિ. આનું કારણ એ કે ચંદ્રને વાતાવરણ નથી. હવાના અભાવ ત્યાં સૂર્યપ્રકાશનાં કિરણો સહેજે વેરવિખેર ન થાય, માટે તડકો પડતો હોય એવે ઠેકાણે આંજી દેતું અજવાળું પથરાયેલું રહે છે અને તડકા વગરના સ્થળે ઘોર અંધકાર ! અજવાળાને તથા અંધકારને જાણી સીધી લીટી દોરીને અલગ પાડી દીધાં હોય એવું લાગે ! એ જ રીતે હવા વગર ચંદ્ર પર તાપમાન પણ કયાંય સમશીતોષ્ણ જણાતું નથી. તડકાની જગ્યા પર તાપમાન ૧૦૨ સેલ્શિયસ હોય, તો માંડ દોરાવાર છેટે અંધારા સ્થળે થર્મોમીટરનો પારો શૂન્ય નીચે ૧૫૭ સેલ્શિયસ ઠંડુગાર તાપમાન બતાવે છે !