ગ્રહોની યુતિના સંકેતો
જન્મકુંડળીમાં બાર ભાવ, બાર રાશિ અને નવ ગ્રહ ફળાદેશ માટે મહત્વની બાબત છે. પરંતુ ભાવ, રાશિ અને ગ્રહનાં સ્થાન, આધિપત્ય, ગ્રહયુતિ વગેરેના વૈવિધ્યને કારણે દરેક કુંડળીને તેની આગવી વિશેષતા પ્રાપ્ત થાય છે. જેમ લાલ રંગની પોતાની વિશેષતા હોય છે, પીળા રંગની પોતાની વિશેષતા હોય છે, પરંતુ આ લાલ અને પીળા રંગને ભેગા કરવામાં આવે તો તે બન્નેની પોતપોતાની વિશેષતા નાશ પામે છે અને બન્નેના મિશ્રણમાંથી ત્રીજો જ રંગ પ્રગટે છે, તેમ દરેક ગ્રહની પોતપોતાની વિશેષતા હોય, પરંતુ બે ગ્રહની યુતિ થતાં તેમાંથી કોઈ નવા જ ગુણધર્મનો આવિર્ભાવ થાય છે. વળી, કોઈપણ ગ્રહ ક્યા સ્થાનમાં છે, કઈ રાશિમાં છે, ક્યા સ્થાનનો અધિપતિ બન્યો છે, વગેરે બાબતો પણ તે ગ્રહનાં બળાબળને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગ્રહોની યુતિ, રાશિ આધિપત્ય વગેરે અનેક બાબતોને ખ્યાલમાં રાખીને જ્યોતિષશાસ્ત્રે કેટલાક યોગો આપ્યા છે. આવા યોગોની કુલ સંખ્યા તો ઘણી મોટી છે, જ્યોતિષશાસ્ત્રના જુદા જુદા ગ્રંથો જુદી જુદી સંખ્યા આપે છે. સામાન્ય રીતે ૨૦૦ થી ૩૦૦ની સંખ્યામાં આવા યોગો છે. આમાંથી કેટલાક યોગો કુંડળીને ખૂબ બળવાન બનાવનાર છે, તો કેટલાક કુંડળીનું હીર ચૂસી લેનારા પણ છે.
શુભયોગોમાં અમલાકીર્તિયોગ, અંશાવતારયોગ, હંસયોગ, પંચમહાપુરુષયોગ, ગજકેસરીયોગ, ધ્વજયોગ વગેરે જાણીતા છે, જ્યારે અશુભયોગોમાં શૂલયોગ, પાશયોગ, દરિદ્રયોગ વગેરે જાણીતા છે.
આ બધા યોગોની વિગતો જ્યોતિષશાસ્ત્રના જાણીતા ગ્રંથો આપે જ છે. તેથી તે યોગોની ચર્ચા આ લેખમાં પ્રસ્તુત નથી, પરંતુ બે, ત્રણ કે વધુ ગ્રહોની યુતિ થતાં તેમાંથી કેવાં વિશિષ્ટ પરિણામો નિષ્પન્ન થાય છે, તેની ચર્ચા અહીં કરી છે. નવેય ગ્રહોની પરસ્પર દ્વિગ્રહયુતિની સંખ્યા ઘણી મોટી થાય, તેમાં વળી ત્રિ-ગ્રહયુતિ, ચતુર્ગ્રહયુતિ લઈએ, તો ઘણી મોટી સંખ્યામાં યુતિયોગો પ્રાપ્ત થાય. આથી જે ગ્રહોની યુતિ કુંડળીને ઘણી બળવાન બનાવે છે અથવા ઘણી જ નિર્બળ બનાવે છે, તેવી કેટલીક યુતિઓની ચર્ચા અહીં કરી છે.
સૂર્ય અને ગુરુની યુતિ જે જાતકની જન્મકુંડળીમાં થાય છે, તે જાતક યશસ્વી, ધર્મશીલ, મિત્રવાળો અને વિદ્વાન બને છે, તેમ શાસ્ત્રવિધાન છે.
‘સારાવલિ‘ નામના જ્યોતિષશાસ્ત્રના સુપ્રસિદ્ધ ગ્રંથમાં તેના લેખક કલ્યાણવર્મા કહે છેઃ-
બહુધર્મો નૃપસચિવ સમૃદ્ધિમાન્ મિત્રસંશ્રયાપ્તાર્થઃ ।
સૂર્યબૃહસ્પતિયુતે ભવેદુપાધ્યાયસંજ્ઞશ્ચ ॥
અર્થાત્, જેની કુંડળીમાં સૂર્ય અને ગુરુની યુતિ હોય, તે જાતક ધર્મવાન, રાજાનો મંત્રી, સમૃદ્ધિવાન, મિત્રોથી લાભ પામનાર અને ઉપાધ્યાય થાય.
ગુરુ-સૂર્યની યુતિનું આવું ફળ શા માટે મળતું હશે, તેનો વિચાર કરતાં કેટલાક મુદ્દા સ્પષ્ટ થાય છે. સૂર્ય આત્માનો કારક છે, જીવનશક્તિ આપનાર છે, સ્વયં તેજસ્વી છે. ગુરુ સાત્વિક ગ્રહ છે, તેની પ્રકૃતિ ગંભીર છે. તેજસ્વિતા, ગંભીરતા અને સાત્વિકતાનું મિશ્રણ સૂર્ય-ગુરુની યુતિમાંથી પ્રગટે છે. આ ઉપરાંત, સૂર્ય-ગુરુ પરસ્પર મિત્ર-ગ્રહો છે. રાસાયણિક ર્દષ્ટિએ જોઈએ તો સૂર્યની ધાતુ ત્રાંબુ છે અને ગુરુની ધાતુ સુવર્ણ છે. આ બન્ને ધાતુ પરસ્પરમાં સહજરીતે મિશ્રિત થઈ શકે છે. માનસશાસ્ત્રની ર્દષ્ટિએ જોઈએ તો સૂર્યનું આત્મબળ અને ગુરુની ગંભીરતા તથા ચિંતનશીલતાનું મિશ્રણ થતાં જાતકનું વ્યક્તિત્વ વિશિષ્ટ નિખાર પામે છે અને સમાજમાં તે ઊંચું સ્થાન મેળવે છે. આમ, સૂર્ય-ગુરુની યુતિનું ફળ માત્ર સૂર્યના ફળ કરતાં કે માત્ર ગુરુના ફળ કરતાં સાવ ભિન્ન જ પરિણામા નીપજાવે છે.
અલબત્ત, સૂર્ય-ગુરુની યુતિના આ પરિણામનો ફળાદેશની ર્દષ્ટિએ વિચાર કરીએ ત્યારે આ યુતિ ક્યા સ્થાનમાં થઈ છે, સૂર્ય-ગુરુ ક્યા ક્યા સ્થાનના અધિપતિ બન્યા છે, બન્નેની અંશાત્મક યુતિ કેટલી નજીક કે દૂરની છે, વગેરે બાબતોને લક્ષમાં લેવી જ જોઈએ અને તે તે બાબતો અનુસાર આ યુતિના ફળની માત્રામાં થોડો-ઘણો ફેર પડશે જ. આમ છતાં આ યુતિનું મૂળભૂત પરિણામ તો જાતકના જીવનમાં અવશ્ય જોઈ જ શકાશે.
સૂર્ય-ગુરુની યુતિનાં ઉપર્યુક્ત ઉદાહરણમાં યુતિફળના જે નિર્ણાયાત્મક મુદ્દાઓ લીધા છે, તે અન્ય ગ્રહોની યુતિમાં પણ વિસ્તારથી વિચારી શકાશે. અત્રે કેટલીક અન્ય મહત્વની યુતિઓ આપી છે.
ચંદ્ર અને બુધની યુતિ જાતકને ઊંડી સમજ આપે છે. આવો જાતક પોતાના વિચારોને સ્પષ્ટ અ ને સુરેખ વાણી દ્વારા વ્યક્ત કરવામાં કુશળ હોય છે. આનું કારણ એ છે કે ચંદ્ર પોતે મનનો કારક છે, જ્યારે બુધ વાણીનો કારક છે. મન અને વાણીનું સામંજસ્ય મનુષ્યની અભિવ્યક્તિને આકર્ષક બનાવે છે.
ચંદ્ર-બુધમની બાબતમાં એક વિશિષ્ટતા નોંધવા જેવી છે કે બુધ ચંદ્રનો મિત્ર છે, પરંતુ બુધને માટે ચંદ્ર શત્રુ છે. આનો અર્થ એવો કરી શકાય કે જો મન વિશુદ્ધ અને વિચારશીલ હોય તો તદનુસાર વાણી હોય, પરંતુ માત્ર વાણીનો વિલાસ જ મનુષ્ય પાસે હોય પણ વિચારોની સમૃદ્ધિ ન હોય અને મન બળવાન ન હોય તો તેવી વ્યક્તિની વાણી માત્ર બકવાટ જ બની રહે. તેથી ચંદ્ર-બુધની યુતિનો વિચાર કરતી વખતે એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે ચંદ્ર દૂષતિ ન હોય. જો ચંદ્ર પોતે કોઈપણ રીતે દૂષતિ કે નિર્બળ હોય તો ચંદ્ર-બુધની યુતિ માણસને નિરર્થક રીતે વાચાળ અને દંભી જ બનાવશે.
આવી જ રીતે મંગળ અને ગુરુની યુતિનું ફળ પણ શાસ્ત્રો સારું બતાવે છે. ‘માનસાગરી‘ નામના ગ્રંથમાં જણાવ્યું છે :
દરેક ગ્રહની પરસ્પરની યુતિ, ત્રણ ગ્રહોની યુતિ, ચાર ગ્રહોની યુતિ કેવાં કેવાં વિશિષ્ટ પરિણામો લાવે છે, તેનો અભ્યાસ કરવામાં આવે તો ફલાદેશનાં ગહન સત્યો સાંપડે તેમ છે. એ દિશામાં આ લેખ દ્વારા એક અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. યુતિ કુંડળીને સબળ કે નિર્બળ બનાવનારું એક અતિ મહત્વનું અંગ છે, એ એક નિર્વિવાદ સત્ય છે.
ડો. બી. જી. ચંદારાણા