જન્મકુંડળી એ જન્મના સમયના આકાશનો નકશો છે. કુંડળીમાં દર્શાવવામાં આવતા બાર વિભાગ કાલ્પનિક છે. આકાશમાં એવા સ્પષ્ટ વિભાગો નથી હોતા પરંતુ ગણિત અને ફળાદેશની સરળતા ખાતર આવા વિભાગ કરવામાં આવે છે. આથી કુંડળીમાં જ્યારે કોઈ બે કે બેથી વધુ ગ્રહોની યુતિ થયેલી હોય ત્યારે તેમનું વાસ્તવિક સામીપ્ય કેટલું છે તે બન્ને ગ્રહોના અંશોને આધારે જ નક્કી થઈ શકે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ કુંડળીમાં ચંદ્ર-ગુરુની યુતિ થઈ હોય છતાં જાતકને એનું ઇષ્ટ ફળ મળતું નથી. આનું કારણ એ હોય છે કે બન્નેની યુતિ હોવા છતાં બન્ને વચ્ચે ૨૫ થી ૨૯ અંશ જેવું અંતર હોય છે. ગ્રહોના અંશાત્મક સંબંધની અસર ઘણી બાબતો ઉપર પડે છે. સૂર્યના સંબંધે આ હકીકતને જ્યોતિષ શાસ્ત્રે ધ્યાનમાં લીધી પણ છે. જેમ કે સૂર્યથી ચંદ્ર-૧૨, મંગળ-૧૪, બુધ-૧૦, ગુરુ-૮-૩૦, શુક્ર-૬, અને શનિ-૧૨ કાલાંશે સૂર્યથી હોય ત્યારે તે તે ગ્રહ અસ્તના બને છે અને બહુ ફળ આપી શકતા નથી. ગ્રહોના અંશાત્મક સંબંધને જો ધ્યાનમાં લેવામાં આવે તો ફળાદેશ ઉપર સારો એવો પ્રકાશ પાડી શકાય.
આ તથ્યને આપણે ફલાદેશના સંદર્ભમાં નીચેના મુદ્દાઓ પરત્વે ચર્ચીએ.
(૧) કુંડલીમાં એક જ ઘરમાં રહેલા ગ્રહો
(૨) કુંડલીમાં નજીક-નજીકના ઘરમાં રહેલા ગ્રહો વચ્ચે અંશાત્મક અંતર
(૩) સામ-સામેના ઘરમાં રહી સપ્તમ ર્દષ્ટિ કરતા ગ્રહો વચ્ચે અંશાત્મક સંબંધ
(૪) મંગળ, ગુરુ અને શનિની વિશિષ્ટ ર્દષ્ટિ માટે અંશોનું ચોક્કસ અંતર
(૫) કાલસર્પ યોગ
(૬) ગ્રહ જેટલા અંશનો જન્મકુંડલીમાં હોય અંશનો ગોચરમાં થાય ત્યારે તેનું ફળ.
(૭) ગ્રહોના અંશના સંદર્ભમાં મહાદશા-અંતરદશાના ફળનો સમય
ઉપરોકત મુદ્દાઓને ક્રમશઃ વધુ સ્પષ્ટ કરીએ.
(૧) કુંડલીમાં એક જ ઘરમાં રહેલા ગ્રહો :
કોઈપણા સ્થાનમાં સૂર્ય સાથે કોઈ ગ્રહ યતિમાં પડ્યો હોય ત્યારે તે ગ્રહનો ફળાદેશ આપતાં પહેલાં સૂર્યના તેમજ તેની યુતિમાં રહેલા ગ્રહના અંશો જોવા બહુ આવશ્યક છે. જો સૂર્ય અને તે અન્ય ગ્રહ વચ્ચે પાંચ કે તેથી ઓછા અંશનું અંતર હોય તો તે અન્ય ગ્રહ પોતાનું આગવું વ્યક્તિત્વ ગૂમાવે છે અને યોગ્ય ફળ આપી શકતો નથી. ભાગ્ય ભુવનમાં ઉચ્ચના કે સ્વગૃહી ગુરુ સાથે સૂર્ય પાંચ અંશના અંતરમાં પડ્યો તો જાતકને ગુરુનું ફળ ન મળ્યું હોય એવી કુંડળીઓ જોવામાં આવી છે. પણ એથી ઉલટું, જો સૂર્ય પાંચ અંશથી વધુ અંતરે અન્ય ગ્રહની યુતિમાં હોય તો તે અન્ય ગ્રહની શક્તિ વધી જાય છે. જેમ સૂર્યની નજીક રહેલો પદાર્થ બળી જાય, પરંતુ દૂર રહી સૂર્યનો તાપ મેળવનાર પદાર્થ ઉર્જા અને પ્રકાશ મેળવે, એવું જ સત્ય સૂર્ય સાથેના ગ્રહ વિશે ફળાદેશના સંદર્ભમાં જોવા મળે છે. સૂર્ય-ચંદ્રની યુતિ પાંચ અંશની અંદર હોય તો જાતકનું માનસિક સ્વાસ્થ્ય નબળું હોય છે, કારણ કે ચંદ્ર મનનો અધિપતિ છે, પરંતુ એ જ સૂર્ય-ચંદ્રની યુતિમાં અંતર પાંચથી વધુ અંશનું હોય તો જાતકનું મન સ્વસ્થ અને ચિત્ત પ્રસન્ન હોય છે એવું ઘણી કુંડળીમાં જોવા મળ્યું છે. સૂર્ય સિવાયના અન્ય ગ્રહોની બાબતમાં ગ્રહોની પ્રકૃતિ અને પરસ્પરની મિત્રતા મુજબ આ વિશે નિર્ણય લેવો.
(૨) કુંડળીમાં નજીક-નજીકના ઘરમાં રહેલા ગ્રહો વચ્ચે અંશાત્મક સંબંધ :
કુંડળીમાં જ્યારે ગ્રહો બાજુ-બાજુના સ્થાનમાં પડ્યા હોય ત્યારે તેમના વચ્ચે અંશાત્મક અંતર એક અંશથી ૫૯ અંશ સુધીનું હોઈ શકે. ઉદાહરણ તરીકે એક કુંડળીમાં પ્રથમ ભાવમાં કર્કનો બુધ છે અને બીજા ભાવમાં સિંહનો ગુરુ છે. હવે બુધ ૩-૧- ૦૦નો હોય અને ગુરુ ૪-૨૯-૦૦નો હોય તો બન્ને બાજુ-બાજુના ઘરના હોવા છતાં ઘણા દૂર છે. એથી ઉલટું બુધ ૩-૨૯-૦૦ નો હોય અને ગુરુ ૪-૧-૦૦નો હોય તો બન્ને અલગ અલગ ઘરમાં હોવા છતાં બન્ને વચ્ચે બે અંશનું જ અંતર છે. જેમ અંતર ઓછું એમ ફળ યુતિ જેવું મળે અને એ ફળ બન્ને ઘર વિષયક હોય. જો કે ખૂબ ઓછા કે ખૂબ વધુ અંશના ગ્રહો બહુ ફળ આપતા નથી એમ જ્યોતિષશાસ્ત્ર કહે છે, પરંતુ મારો એવો અનુભવ છે કે અલગ અલગ સ્થાનમાં રહીને અંશાત્મક રીતે નજીક આવેલા ગ્રહો બન્ને સ્થાનના ફળને કાંઈક વિશિષ્ટ બનાવે છે. એક કુંડળીમાં આ રીતે અગિયારમા સ્થાને સ્વગૃહી તુલાનો શુક્ર અને બારમા સ્થાને સ્વગૃહી વૃશ્ચિકનો મંગળ છે. આ જાતક ખૂબ કમાય છે અને ખૂબ ઉડાવે છે. અગિયારમું લાભસ્થાન અને બારમું વ્યય સ્થાન એ બન્ને તેના જીવનમાં બરાબર ભાગ ભજવે છે. પણ જો નજીક-નજીકના સ્થાનમાં રહેલા બે ગ્રહો પૈકી એક –મધ્યાંશનો હોય અને બીજો ખૂબ ઓછા કે ખૂબ વધુ અંશનો હોય તો તેમના વચ્ચે કોઈ વિશિષ્ટ સંબંધ જોવા મળતો નથી, અને જ્યોતિષશાસ્ત્ર કહે છે તેમ ખૂબ ઓછા કે ખૂબ વધુ અંશનો ગ્રહ પોતાનું ફળ આપવા સમર્થ બનતો નથી. એ જ રીતે બન્ને ગ્રહો એકબીજાથી ખૂબ દૂર (૫૦ થી ૫૯ અંશનાં અંતરે) પડ્યા હોય તો પણ બન્ને ગ્રહોમાંથી કોઈ વિશેષ ફળ આપી શકતો નથી.
(૩) સામ-સામેના ઘરમાં રહી સપ્તમ ર્દષ્ટિ કરતા ગ્રહો વચ્ચે અંશાત્મક સંબંધ : કુંડળીનું ચક્ર ૩૬૦ અંશનું હોય છે. દરેક ભાવના ત્રીશ અંશ પ્રમાણે બાર ભાવના ૩૬૦ અંશ થાય. આથી જ્યારે કોઈ બે ગ્રહો એકબીજાથી બરાબર સામ સામે આવે ત્યારે તેઓ એક બીજાથી ૧૮૦ અંશને અંતરે હોય છે. અને પરસ્પરને સપ્તમ ર્દષ્ટિથી જોતાં હોય છે. સામાન્ય રીતે કુંડળીમાં સામ સામેના ઘરમાં રહેલા ગ્રહોને પરસ્પર ર્દષ્ટિ કરતા ગણવામાં આવે છે. છતાં વિવિધ કુંડળીઓમાં આ રીતે સામ સામા ઘરમાં રહેલા ગ્રહોનું સમાન ફળ જોવા મળતું નથી. જેમકે ત્રીજે ગુરુ અને નવમે ચંદ્ર હોય એવી કેટલીક કુંડળીઓ તપાસતાં ગુરુ-ચંદ્રની પરસ્પરની ર્દષ્ટિનું ફળ દરેક જાતકને ઓછું વધતુ જોવા મળ્યું છે. આનું કારણ એ છે કે બન્નેની પરસ્પરની ર્દષ્ટિમાં અંશાત્મક ભેદ હોય છે. સામસામે રહેલા બંને ગ્રહો જ્યારે બરાબર ૧૮૦ અંશના અંતરે હોય ત્યારે બંને વચ્ચે પરસ્પર પૂર્ણ ર્દષ્ટિ થઈ ગણાય. આ અંતર જેટલું વધે તેટલું ર્દષ્ટિ બળ ઘટે. ઉદાહરણ તરીકે મેષ લગ્નની એક કુંડળી છે. તેમાં ગુરુ રા. અં. ક. ૨-૧૬-૦નો છે. જ્યારે ચંદ્ર રા. અં. ક. ૮-૧૬-૦નો છે. આથી બન્ને વચ્ચે પરસ્પર પૂર્ણ ર્દષ્ટિ છે. જો ગુરુ ૨-૧-૦નો અને ચંદ્ર ૮-૨૯-૦નો હોય તો ર્દષ્ટિનું ફળ અતિ અલ્પ મળે. એ જ રીતે જો ગુરુ ૨-૨૯-૦નો અને ચંદ્ર ૮-૦૧-૦ હોય તો પણ ર્દષ્ટિનું ફળ અતિ અલ્પ મળે પણ જો ગુરુ ૨-૧-૦નો હોય અને ચંદ્ર ૮-૧-૦નો હોય તો બન્ને ગ્રહો અલ્પ અંશના હોવા છતાં બન્નેની ર્દષ્ટિ ૧૮૦ અંશની પૂર્ણ ર્દષ્ટિ થતી હોવાથી ર્દષ્ટિનું ફળ પૂર્ણ રૂપે મળે, પછી ભલે બન્ને ગ્રહો અલ્પ અંશના હોવાથી પોતે જે ઘરમાં રહેલો છે તે ઘર વિષયક ફળ ન આપે.
(૪) મંગળ, ગુરુ અને શનિની વિશિષ્ટ ર્દષ્ટિ માટે અંશોનું ચોક્કસ અંતર :
દરેક ગ્રહને સપ્તમ ર્દષ્ટિ હોય છે. એ ઉપરાંત મંગળ, ગુરુ અને શનિને વિશેષ ર્દષ્ટિ હોય છે. મંગળ પોતે જ્યાં હોય ત્યાંથી ચોથા અને આઠમા ભુવનને, ગુરુ પોતાનાથી પાંચમા અને નવમા ભુવનને, શનિ પોતાનાથી ત્રીજા અને દશમા ભુવનને જુએ છે. આ હકીકતના સંદર્ભમાં અંશની ર્દષ્ટિએ જોઈએ તો મંગળ પોતે જે અંશ ઉપર હોય ત્યાંથી ૧૨૦ (૩૦ × ૪) તથા ૨૪૦ (૩૦ × ૮) અંશ ઉપર પૂર્ણ ર્દષ્ટિ કરે છે. ગુરુ ૧૫૦ (૩૦ × ૫) અને ૨૭૦ (૩૦ × ૯) અંશ ઉપર પૂર્ણ ર્દષ્ટિ કરે છે અને શનિ ૯૦ (૩૦ × ૩) અને ૩૦૦ (૩૦ ×? ૧૦) અંશ ઉપર પૂર્ણ ર્દષ્ટિ કરે છે. આ અંશમાં જેટલી વધઘટ હોય એટલું આ વિશિષ્ટ ર્દષ્ટિનું ફળ ઓછું મળે છે.
(૫) કાલસર્પ યોગ :
કુંડલીમાં રાહુ અને કેતુ હંમેશાં સામસામા હોય છે. જ્યારે રાહુ અને કેતુની એક જ બાજુએ બધા ગ્રહો આવી જાય ત્યારે કાલસર્પયોગ થાય છે. વચ્ચેનું એક પણ ઘર ગ્રહ વિનાનું ન હોય તો પૂર્ણ કાલસર્પ યોગ થાય છે. પરંતુ જો રાહુ કે કેતુની સાથે યુતિમાં કોઈ ગ્રહ હોય અને તે અંશાત્મક રીતે રાહુ કે કેતુની બહાર નીકળી ગયો હોય તો કાલસર્પયોગનો ભંગ થઈ જાય છે અને એ યોગની ફળ આપવાની શક્તિ ઘણી ઘટી જાય છે. ધારો કે રાહુ લગ્નસ્થાનમાં ૩-૧૫-૦ અંશનો છે અને કેતુ ૯-૧૫—૦ અંશનો છે. અને બાકીના બધા જ ગ્રહો લગ્નભુવનથી સપ્તમ ભુવન સુધીમાં પડ્યા છે, જેમાં ચંદ્ર સપ્તમ સ્થાને કેતુની યુતિમાં છે પરંતુ જો ચંદ્ર ૯-૧૬-૦નો કે તેથી વધુ અંશનો હોય તો કાલસર્પયોગનો ભંગ થઈ જાય છે.
(૬)ગોચર અને દશા-અંતરશાનું ફળ જાણવામાં અંશનું મહત્વ :
જન્મકુંડલીમાં જે ગ્રહ જન્મ સમયે જેટલા રાશિ-અંશનો હોય તેટલા જ રાશિ-અંશનો તે ગ્રહ જ્યારે ગોચરમાં થાય ત્યારે તે ગ્રહનું ગોચરનું ફળ મળે છે. એ જ રીતે જન્મના ગ્રહના રાશિ-અંશથી બરાબર ૧૮૦ અંશેથી તે ગ્રહ પસાર થતો હોય ત્યારે ગોચરમાં તે ગ્રહની ર્દષ્ટિનું ફળ મળે છે. એક યુવાન જાતકને સપ્તમ સ્થાને ગુરુ રા. અં. ક. ૧-૬-૧૮નો હતો. તેમને લગ્નનો સમય જાણવો હતો. કુંડલીમાં અન્ય ગ્રહોની પરિસ્થિતિ ઉપરાંત તે જાતકને ગોચરમાં ગુરુ ૧-૬-૧૮નો ક્યારે થાય છે તે જોઈને મેં તેમને લગ્નનો ચોક્કસ સમય કહ્યો હતો. જે બરાબર આવ્યો.
આ જ રીતે અષ્ટોત્તરી કે વિશોતરી મહાદશા-અંતરદશાનાં ફળનો ચોક્કસ સમય જાણવા માટે ગ્રહોના અંશ અગત્યનો ફાળો આપે છે. ઉદાહરણથી વધુ સ્પષ્ટ થશે. ધારો કે એક જાતકને શનિની મહાદશા (અષ્ટોત્તરી)ચાલે છે. શનિનાં અષ્ટોત્તરી મહાદશાનાં ૧૦ વર્ષ હોય છે. હવે શનિના એક રાશિમાં ત્રીસ અંશ હોય, એટલે એક અંશે ૪ મહિના થાય. હવે ધારો કે તે જાતકને શનિ જન્મકુંડલીમાં લાભસ્થાને રા. અં. ક. ૯-૫-૦ નો છે. ૫ અંશ એટલે ૨૦ મહિના (૧ અંશના ૪ મહિના મુજબ) થયા. એ જાતકને શનિની મહાદશાનું વધુમાં વધુ ફળ દશારંભ બાદ ૨૦મે મહિને મળે.