સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામે બળવાન પરંતુ દુષ્ટ વૃત્તિવાળા વાલીનો નાશ કરી તેની પ્રજાને તેના અત્યાચારોમાંથી ચૈત્ર સુદ પ્રતિપદાના આ દિવસે છોડાવતા આનંદીત પ્રજા પોતપોતાને ઘેર ઘજાઓ (ગૂડીઓ) લહેરાવી ઉત્સવ મનાવવા લાગ્યા ત્યારથી આ દિવસે ગૂડી પડવો તરીકે જાણીતો થયો. શ્રી રામે વાલી પાસેથી છોડાવેલી ભૂમિ હાલના મહારાષ્ટ્રમાં આવતી હોય ત્યાં મરાઠી લોકોમાં ગૂડી પડવાની ઉજવણી વધુ જોવા મળે છે. આ ગૂડી પડવાની ગૂડી (ધજા) ઓ આસુરી શકિત ઉપર દૈવી શકિતનો ભોગ વિલાસ ઉપર યોગનો અને ધનસંપિત ઉપર મહાનતાનો વિજયસૂચવે છે. હવામાં ફરકતી ધજા વ્યકિતને અસત્યમાંથી સત્ય તરફ જવાનો માર્ગ સૂચવે છે.
આ ગૂડી પડવાના સાંન્ધ્યિમાં એક બીજી કથા પણ છે, શાલિવાહન નામના કુંભારનો પુત્ર દૈવી શકિતઓ ધરાવતો હતો. તેણે માટીમાંથી સૈનિકો તૈયાર કર્યા અને પોતાની દૈવી શકિતના બળે સૈનિકોને સજીવન કર્યા અને દુશ્મનોને હરાવ્યા. આ દિવસથી શાલિવાહન શકની પણ શરૂઆત થાય છે. આ કથા પછળ ગૂઢ અર્થ સમાયેલો છે. જે રીતે મહાભારતના યુધ્ધની શરૂઆતમાં જેમ અર્જુન હિંમત હારી બેસે છે અને શ્રી કૃષ્ણ તેને હિંમત આપી યુધ્ધ માટે તૈયાર કરે છે તેજ રીતે વ્યકિત અને સમાજમાં જે વીરતા પૌરૂષતા, સત્યતા, પ્રામાણિકતા વગેરેનો ક્ષય થઈ રહ્યો છે અને તેને કારણે સમાજ અધઃપતન તરફ જઈ માત્ર હાલતા ચાલતા પુતળાઓ સમાન બની રહ્યો છે તેને રોકવા માટે શ્રી કૃષ્ણ કે શાલિવાહનની જરૂર છે જે આ પુતળાઓમાં પ્રાણ ફૂંકીને તેને પતનના રસ્તે જતા રોકે.
દક્ષિણ ભારતના મલબાર પ્રદેશમાં પણ ગુડી પડવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ ત્યાં લોકો વહેલી સવારે ઉઠીને આંખોને બંધ કરીને ઘરમાં જયાં દેવનું સ્થાનક હોય છે ત્યાં જાય છે અને ભગવાનની મૂર્તી સામે ઉભા રહીને આંખોને ખોલી તેમના દર્શન અને પૂજા પાઠ કરે છે. આ દિવસે ઘરમાં રહેલા દેવી-દેવતાઓના સ્થાનકો તેમજ અન્ય શોભા આપતી ચીજવસ્તુઓની સાફ-સફાઈ કરી તેની વ્યવસ્થિત રીતે ગોઠવણી પણ કરવામાં આવે છે. ઘનસંપત્તિને ભગવાનના ચરણોમાં પણ ધરવામાં આવે છે. આ દિવસે લીમડાના રસનું પણ માહાત્મય છે. દરેક મંદિરમાં લોકોને લીમડાનો રસ પ્રસાદીરૂપે આપવામાં આવે છે.
આમ ગુડી પડવાની જુદી કથાઓ છે. પરંતુ ભાવાર્થ એક જ છે. માનવકલ્યાણ, નિર્બળ, ના હિંમત બનેલા માનવને હિંમત કેળવી તેને વિકાસના પંથે લઈ જવાનો પુરૂષાર્થ કરવો, અસત્યનો માર્ગ ત્યાગી સત્ય તથા સદગુણો કેળવવા અને જેમ લીમડો માણસની જીભને તો કડવો લાગે છે છતાં શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે માટે સત્યનો માર્ગ પકડતાં જીવનમાં જે કંઈ કડવા ઘુંટડાઓ ભરવાપડે તેને ભગવાનના પ્રસાદની જેમ પ્રેમભાવથી સ્વીકારી લેવા.