પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ તા. ૧૫-૪-૧૯૦૦ના રોજ ભાવનગરમાં થયો હતો. મુંબઈમાં શિક્ષણ લઈ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. મુંબઈના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃત્તિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટજન તરીકે તેમની પસંદગી થઈ હતી. તેમનો ગુજરાતી હાસ્યસંગ્રહ ‘આકાશના પુષ્પો’ પ્રગટ થયેલો. અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રાઓ કરી ચૂક્યા હતા. ત્યારબાદ અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂક થઈ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી. પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જહેર કરવામાં એમને કદી સંકોચ થતો નહોતો. લેખનકળા અને વક્તૃત્વકળાના તો તેઓ ‘બેતાજ બાદશાહ’હતા. ૨૮-૪-૧૯૭૪ના રોજ તેમનું દેહાવસાન થયું. શ્રી ગગનભાઈ સાચે જ ગુર્જરરત્ન હતા.