વાઘેશ્વરી દરવાજાથી બહાર નીકળી ગિરનાર તરફ જતાં રસ્તામાં આવે છે સમ્રાટ અશોકનો શિલાલેખ. તેના પર જ ઈ. સ. ના બીજા શતકમાં ક્ષત્રપ સરદાર રુદ્રદમન અને સમ્રાટ ચંદ્રગુપ્તે પણ લેખો કોતરાવ્યા છે. અશોકે અહીં શિલાલેખ કોતરાવ્યો કારણ કે અહીં વિશાળ સુદર્શન તળાવ હતું. તેને કાંઠે આ સ્થળ તીર્થ ગણાતું. અહીંથી આગળ ભવનાથ છે. તેમાં હજુ પણ મેળો ભરાય છે, ખાસ કરીને આહીર લોકોનો. ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં અહીં જ આહીર લોકોનો મેળો ભરાતો. શ્રીકૃષ્ણ-બલરામ પણ તેમાં આવેલા. અર્જુન સાધુવેશે આવીને આ મેળામાંથી જ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયેલો.
આગળ આવે છે. દામોદર કુંઙ કૃષ્ણના નામ સાથે સંકળાયેલું સ્થાન. ને ભજનમાં ગવાયું છે તેમ ‘ગિરિતળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય.‘ નરસિંહ મહેતા અહીં નાહવા આવતા. અહીં દામોદરજીનું મંદિર છે ને દક્ષિણે સ્મશાન તથા ઉત્તરે અશ્વત્થામાનો ડુંગર છે. ત્યાંથી ભવનાથથી આગળ જતાં ગિરનારનો ચઢાવ શરૂ થાય છે. પગથિયાં ચઢીએ એટલે દરવાજો પછી પગથિયાં. લગભગ ૬૧૦ મીટરની ઊંચાઈએ પહેલી ટૂંક આવે. બારમી સદીનું નેમિનાથજીનું મંદિર. નેમિનાથજીએ અહીં તપશ્ચર્યા કરેલી. ઉપરાંત અન્ય ચાર ભવ્ય જૈન દેરાસરો. આ સુંદર આરસનાં મંદિરો પણ વસ્તુપાળ-તેજપાળે બંધાવેલાં છે.
હજી ઉપર અંબાજીની ટૂંક. આરાસુરનાં અંબાજી જેવો જ આ ગિરનારી અંબાજીનો મહિમા. પછી ગોરખનાથની ટૂંક. ગિરનાર તો યોગીઓનું ખાસ કરીને ગોરખપંથીઓનું મોટું કેન્દ્ર. હજી આગળ જતાં નીચે ઊતરી કમળકુંડ થઈ વળી પાછા ઉપર ચઢી છેક ઊંચી ગુરુદત્તાત્રેયની ટૂંકે ચઢી ઘંટ વગાડીએ. ગિરનારની ટોચ ઉપરથી આસપાસના પ્રદેશનું દર્શન થાય છે. આમ તો કુલ સાત ટૂંકો છે. પણ બાકીની ટૂંકો પર જવું કપરું છે. ઉપર દરગાહ ને શિવમંદિર પણ છે. એટલે ગિરનાર જે એક પુરાણપ્રસિદ્ધ પર્વત ગણાય છે. તે સર્વ ધર્મોનું યાત્રાસ્થાન બની રહ્યો છે.